World

યુદ્ધમાં પીઠ બતાવી નાસી જનારા 66 સૈનિકોને 'સજા એ મોત' નું એલાન, અત્યાર સુધી 381 દંડાઈ ચૂક્યા

By GS Team
11 Nov 20262 mins read
TukuTouch Logo
આફ્રિકી દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં 66 સૈનિકોને ફાંસીની સજા સંભળાવાઈ છે. સૈન્ય અદાલતે કાયરતા, બળવો અને વરિષ્ઠ અધિકારીઓના આદેશોનો અનાદર કરવા બદલ તેમને મૃત્યુદંડ આપ્યો. મિશન દરમિયાન શિસ્ત સુનિશ્ચિત કરવા 71 સૈનિકો પર કેસ ચાલ્યો હતો. પૂર્વ ડીઆર કોંગોમાં વિદ્રોહીઓ સામેની લડાઈમાં સૈનિકો ચોકીઓ છોડી ભાગી ગયા હતા. છેલ્લા 2 વર્ષમાં 381 સૈનિકોને મૃત્યુદંડ અપાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુદ્ધમાં પીઠ બતાવી નાસી જનારા 66 સૈનિકોને 'સજા એ મોત' નું એલાન, અત્યાર સુધી 381 દંડાઈ ચૂક્યા
FILE PHOTO

Death sentence for soldiers : આફ્રિકી દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોની એક સૈન્ય અદાલતે 66 સૈનિકોને કાયરતા, બળવો કરવા અને વરિષ્ઠ અધિકારીઓના આદેશો અનાદર કરવા બદલ ફાંસીની સજા સંભળાવી છે. એક અહેવાલ પ્રમાણે, મિશન દરમિયાન શિસ્ત અને જવાબદારી સુનિશ્ચિત કરવાના હેતુથી યોજાયેલી આ સુનાવણીમાં કુલ 71 સૈનિકો પર કેસ ચલાવવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે ચુકાદો આપતા 66 સૈનિકોને મૃત્યુદંડની સજા, 1 સૈનિકને 10 વર્ષની જેલની સજા અને 4 સૈનિકોને નિર્દોષ જાહેર કરી મુક્ત કરવામાં આવ્યા છે.

સૈનિકોનો અપરાધ શું હતો?

પૂર્વ ડીઆર કોંગોનો સમગ્ર વિસ્તાર છેલ્લા કેટલાક દાયકાઓથી સતત હિંસક સંઘર્ષોનો સામનો કરી રહ્યો છે. અહીં સરકારી સેના અને 'ફ્રન્ટ ફોર ધ રિફાઉન્ડેશન ઓફ ધ નેશન' (FRN) નામના વિગ્રહકારી ગઠબંધન વચ્ચે ઘર્ષણ ચાલુ રહ્યું છે, જેમાં કુખ્યાત M23 જૂથ પણ સામેલ છે.

અહેવાલો અનુસાર, 20 ઓક્ટોબરના રોજ વાલિકલે વિસ્તારમાંથી આ સૈનિકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર આરોપ હતો કે FRNના યોદ્ધાઓ સાથે જ્યારે હિંસક અથડામણ થઈ, ત્યારે તેઓ પોતપોતાની સુરક્ષા ચોકીઓ છોડીને રણમેદાનમાંથી ભાગી ગયા હતા.

સેનામાં શિસ્તનો અભાવ અને આક્ષેપો

M23 સહિતના અન્ય વિદ્રોહી સંગઠનો સામે કોંગોની સેનાનું અભિયાન લાંબા સમયથી આંતરિક અરાજકતા અને ખરાબ શિસ્તના કારણે નબળું પડી રહ્યું છે. કોંગો સરકારે અવારનવાર પડોશી દેશ રવાન્ડા પર M23 જૂથને મદદ કરવાનો આરોપ લગાવ્યો છે. જોકે, પૂરતા પુરાવા હોવા છતાં રવાન્ડા સરકાર અને વિદ્રોહીઓ બંને આ આરોપોને નકારતા રહ્યા છે.

એક બાજુ સેનાને તેની ખરાબ કાર્યશૈલી અને અનુશાસન માટે ભારે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી બાજુ સૈનિકોની ફરિયાદ છે કે તેમને ખૂબ જ ઓછું વેતન આપવામાં આવે છે અને યુદ્ધ લડવા માટે પૂરતા પ્રમાણમાં આધુનિક શસ્ત્રો કે લશ્કરી સાધનો પૂરા પાડવામાં આવતા નથી.

છેલ્લા2 વર્ષમાં 381 સૈનિકોને મૃત્યુદંડ

આ અગાઉના મહિને પણ બળવાખોરો સામેની લડાઈ દરમિયાન મોરચો છોડીને ભાગી જવાના આરોપસર 27 સૈનિકોને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. એક ખાનગી એજન્સી દ્વારા એકત્રિત કરવામાં આવેલા આંકડા અનુસાર, 2025ની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 507 સૈનિકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે, જેમાંથી 381 સૈનિકોને મૃત્યુદંડ આપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, માર્ચ 2024માં ડીઆર કોંગો સરકારે સેનામાં ઘૂસેલા "દેશદ્રોહીઓ" અને કાયરોને સફાઈ કરવાના હેતુથી મૃત્યુદંડ પર મૂકાયેલા 20 વર્ષ જૂના પ્રતિબંધને હટાવી દીધો હતો.