દિલ્હીમાં વરસાદનો કહેર, અનેક વિસ્તારો જળબંબાકાર, 15 ફ્લાઈટને અસર, IMDનું વધુ એલર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Delhi Monsoon Rain Causes Massive Traffic Jams : દિલ્હીમાં ચોમાસાના પહેલા ભારે વરસાદે લોકોને અસહ્ય ગરમીથી રાહત તો આપી, પરંતુ જળબંબાકાર અને ભારે ટ્રાફિક જામના કારણે લોકો પરેશાન થયા હતા. કુલ 15 ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવી પડી હતી, જેમાં 5 ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ હતી. હવામાન વિભાગે આગામી સમયમાં પણ સતત વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જેનાથી પાણી ભરાવાની સમસ્યા વધી શકે છે. વહીવટીતંત્રે લોકોને જરૂર હોય તો જ, ઘરની બહાર નીકળવા અપીલ કરી છે.
રાજધાની દિલ્હીમાં ચોમાસાના પહેલા વરસાદે લોકોને અસહ્ય ગરમીથી રાહત અપાવી છે, પરંતુ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી અને લાંબો ટ્રાફિક જામ થવાથી લોકો માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે. સવારથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો અને અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. દિલ્હીમાં વરસાદની સાથે જોરદાર પવન પણ ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે કુલ 15 ફ્લાઇટ્સના રૂટ ડાયવર્ટ કરવા પડ્યા છે. જેમાં 5 આંતરરાષ્ટ્રીય અને 10 સ્થાનિક (ડોમેસ્ટિક) ફ્લાઇટ્સ સામેલ હતી.
અંડરપાસમાં પાણી ભરાયા, ટ્રાફિક જામ
વરસાદ દરમિયાન દ્વારકા એક્સપ્રેસવેના અંડરપાસમાં પાણી ભરાઈ જવાને કારણે વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. તેની અસર સમગ્ર દ્વારકા એક્સપ્રેસવે પર જોવા મળી હતી, જ્યાં કલાકો સુધી વાહનો અટવાયા હતા. આ સિવાય મિન્ટો બ્રિજ, ઓખલા ઇન્ડસ્ટ્રિયલ એરિયા, તુગલકાબાદ, પુલ પ્રહલાદપુર અને બાયો ડાયવર્સિટી પાર્ક સહિતના ઘણા વિસ્તારોમાં પણ, પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. લોકોને ઓફિસ અને અન્ય સ્થળોએ પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

15 ફ્લાઇટ ડાયવર્ટ
ખરાબ હવામાનની અસર હવાઈ સેવાઓ પર પણ પડી હતી. ભારે વરસાદ અને જોરદાર પવનને કારણે કુલ 15 ફ્લાઇટ્સના રૂટ બદલવા પડ્યા હતા. આ ફ્લાઇટ્સને જયપુર અને લખનૌ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. હવામાન સામાન્ય થયા બાદ તેમને નિર્ધારિત સ્થળ માટે રવાના કરવામાં આવશે.
નોંધનીય છે કે દિલ્હીમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ આ વર્ષે 2 જુલાઈના રોજ દસ્તક આપી હતી, જે સામાન્ય કરતાં લગભગ 5 દિવસ મોડું પહોંચ્યું હતું. આકાસા એરલાઇન્સે જણાવ્યું છે કે દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે અમારા નેટવર્કની કેટલીક ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે, મુસાફરોની અસુવિધા બદલ અમે ખેદ વ્યક્ત કરીએ છીએ.
IMDએ જાહેર કર્યું એલર્ટ
ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, 1 જુન થી 3 જુલાઈની વચ્ચે દિલ્હીમાં સામાન્ય કરતાં 49% ઓછો વરસાદ નોંધાયો છે. આ સમયગાળામાં સામાન્ય રીતે 75.1 મિમિ, વરસાદ થાય છે, જ્યારે આ વર્ષે માત્ર 38.2 મિમિ, વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી થોડા દિવસો સુધી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગનું માનવું છે કે, આગામી દિવસોમાં સતત વરસાદ પડશે, જેના કારણે પાણી ભરાવા અને ટ્રાફિક જામની સમસ્યાઓ વધુ વધી શકે છે.









