India

પૂણેમાં વિદ્યાર્થિનીઓ સાથે રાહુલ ગાંધીનો સંવાદ: કહ્યું- તમારી ઓળખ માત્ર પતિ, પિતા કે પુત્રથી નથી

By GS Team
22 Aug 20262 mins read
TukuTouch Logo
પુણેમાં 'છાત્રો કી ગૂંજ' કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ મહિલા સશક્તિકરણ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, મહિલાઓની ઓળખ પિતા, પતિ કે પુત્રથી નહીં, પણ સ્વતંત્ર હોવી જોઈએ. 'મનુસ્મૃતિ' મહિલાઓને સંપત્તિ ગણે છે તે શરમજનક છે. એક યુવતીએ ગઢચિરોલીમાં પ્રેગ્નન્સી ટેસ્ટની આપવીતી વર્ણવી. રાહુલ ગાંધીએ મહિલાઓને અવાજ ઉઠાવી પોતાના હક માટે લડવા આહ્વાન કર્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

પૂણેમાં વિદ્યાર્થિનીઓ સાથે રાહુલ ગાંધીનો સંવાદ: કહ્યું- તમારી ઓળખ માત્ર પતિ, પિતા કે પુત્રથી નથી

Rahul Gandhi Pune Speech: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે પુણેમાં ‘છાત્રો કી ગૂંજ’ (વિદ્યાર્થીઓનો અવાજ) કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાહુલ ગાંધીએ યુવાઓને સંબોધન કરતા કહ્યુ કે, દેશની યુવતીઓ અને મહિલાઓનું આઝાદ હોવું ખૂબ જ જરૂરી છે. પિતા, પતિ અને પુત્ર સાથે તમારો સંબંધ ચોક્કસ છે, પરંતુ તમારી ઓળખ તેમનાથી નથી. તેમણે ઉમેર્યું હતું કે, 'મનુસ્મૃતિ કહે છે કે, યુવતી કે મહિલા એ તેના પિતા, પતિ કે બાળકોની સંપત્તિ છે. આ બાબત શરમજનક છે. મહિલાઓ સ્વતંત્ર હોવી જોઈએ, તેઓ કોઈના પર નિર્ભર નથી. દેશમાં માત્ર 8% મહિલાઓ પાસે જ પોતાની માલિકીની પ્રોપર્ટી છે.'

મંચ પરથી યુવતીએ વર્ણવી આપવીતી

આ કાર્યક્રમ દરમિયાન મંચ પર આવેલી એક યુવતીએ ચોંકાવનારો દાવો કરતાં કહ્યું કે, 'ગઢચિરોલીમાં જ્યારે અમે અભ્યાસ કે અન્ય કામ અર્થે એક મહિનાથી વધુ સમય માટે ઘરથી બહાર જઈએ છીએ, ત્યારે પાછા ફરવા પર વહીવટીતંત્ર દ્વારા અમારો પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવવા માટે કહેવામાં આવે છે. જ્યારે અમે પૂછીએ છીએ કે આવું કેમ, તો કહેવામાં આવે છે કે આટલા દિવસ બહાર રહ્યા તો કોઈ જીવલેણ બીમારી તો નથી થઈ ને!'

ભોજપુરી સિંગર નેહા રાઠોડ પણ મંચ પર ઉપસ્થિત રહી

લોકગાયિકા નેહા સિંહ રાઠોડે મંચ પરથી કહ્યું કે, 'જ્યારે પણ હું સરકારને સવાલ પૂછું છું, ત્યારે મારી સામે FIR નોંધવામાં આવે છે. મહિલાઓને સોશિયલ મીડિયા પર અલગ રીતે ટ્રોલિંગ કરવામાં આવે છે અને સીધા ચારિત્ર્ય પર આક્ષેપ કરવામાં આવે છે.'

રાહુલ ગાંધીએ કાર્યક્રમમાં ઉપસ્થિત હજારો યુવતીઓને સંબોધતા કહ્યું કે, સમાજમાં મહિલાઓ પર સમય, નિયંત્રણ અને હિંસા દ્વારા વર્ચસ્વ જમાવવાની માનસિકતા છે. તેમણે યુવતીઓને આહ્વાન કર્યું કે, 'બી લાઉડ, બી પ્રાઉડ એન્ડ ફાઇટ ફોર યોરસેલ્ફ' (અવાજ ઉઠાવો, ગર્વ અનુભવો અને પોતાના હક માટે લડો).