Kisan Maha Chaupal in Bhopal: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે (24 ફેબ્રુઆરી) મધ્ય પ્રદેશના ભોપાલમાં પાર્ટી દ્વારા આયોજિત 'કિસાન મહા ચૌપાલ'માં ખેડૂતોને સંબોધિત કરી રહ્યા છે. આ ચૌપાલ ભારત અને અમેરિકા વચ્ચે અંતરિમ વ્યાપાર કરારના વિરોધમાં આયોજિત કરાઈ રહી છે. આ દરમિયાન તેમણે જનરલ નરવણેના પુસ્તકનો ઉલ્લેખ કર્યો અને સીધા વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા હતા.
ભોપાલના જવાહર ચોકમાં આયોજિત જનસભાને સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, 'અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફ પર રોક લગાવી છે, હવે જો પીએમ મોદીમાં હિમ્મત હોય તો તેઓ ટ્રેડ ડીલ રદ કરીને બતાવે.'
'જ્યારે ચીનને જવાબ આપવાનો સમય આવ્યો ત્યારે પીએમ ગાયબ'
રાહુલ ગાંધીએ કહ્યું કે, 'પહેલીવાર લોકસભામાં નેતા વિપક્ષને બોલવા નથી દેવાયા. મને બોલવા નથી દેવાયો. પુસ્તકમાં નરવણેજીએ સ્પષ્ટ લખ્યું છે કે, જ્યારે ચીનના ટેન્ક ભારતની બોર્ડરમાં આવી રહ્યા હતા તો તેમણે રાજનાથ સિંહને ફોન કર્યો અને તેમને પૂછ્યું કે મારો ઑર્ડર શું છે? જ્યારે ચીનને જવાબ આપવાનો સમય આવ્યો ત્યારે વડાપ્રધાન મોદી ગાયબ થઈ ગયા.'
યુદ્ધનો નિર્ણય સેના ન લે તો તે નિર્ણ રાજકીય હોય છે: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ પૂર્વ સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવણેના પુસ્તકને લઈને ટિપ્પણી કરતા કહ્યું કે, 'યુદ્ધમાં જવાનો નિર્ણય સેનાનો નથી, પરંતુ રાજકીય હોય છે. સેના પોતાનું કર્તવ્ય નિભાવે છે, પરંતુ યુદ્ધનો અંતિમ નિર્ણય રાજકીય નેતૃત્વ દ્વારા લેવામાં આવે છે.'
'ખેડૂતોને વેચી દેવાયા'નો રાહુલ ગાંધીનો આરોપ
રાહુલ ગાંધીએ કહ્યું કે, 'સરકાર નથી ઈચ્છતી કે, અમેરિકાની મોટી કંપનીઓ સોયા, કપાસ અને મકાઈ જેવા કૃષિ ઉત્પાદનો ભારતમાં વેચે, કારણ કે ભારતીય ખેડૂતોને નુકસાન થઈ શકતું હતું. ચાર મહિના સુધી વાતચીત અટકેલી રહી, પરંતુ તેમના ભાષણ બાદ વડાપ્રધાન મોદીએ કેબિનેટ સાથે ચર્ચા કર્યા વગર અમેરિકાના પ્રમુખ ટ્રમ્પને ફોન કરીને કરાર માટે સહમતિ આપી દીધી. મોદીએ દેશના કિસાનોને નબળા પાડ્યા અને તેના ડેટા પણ બહાર આપી દીધા. સરકારની નીતિઓથી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને પણ અસર થઈ.'
ખડગેએ PM મોદીની કાર્યપદ્ધતિ પર ઉઠાવ્યા સવાલ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યપદ્ધતિ પર આકરા સવાલ કર્યા. તેમણે કહ્યું કે, 'તેઓ 54 વર્ષથી ધારાસભ્ય, સાંસદ રહ્યા છે, પરંતુ તેમણે પોતાના રાજકીય જીવનમાં ક્યારે આવા વડાપ્રધાન નથી જોયા. તેમણે આરોપ લગાવ્યો કે, મોદી સરકાર લોકશાહીના મૂલ્યોને નબળા પાડી રહી છે અને વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. વડાપ્રધાનનું કામ માત્ર નામ બદલવાનું રહ્યું છે. યોજનાઓ, રોડ અને સંસ્થાઓના નામ બદલવામાં આવી રહ્યા છે. મોદીજી ખુદ કોંગ્રેસ શાસનકાળમાં જન્મ્યા, તો તેમણે પોતાનું નામ પણ બદલી નાખવું જોઈએ.'
ભાજપનો પલટવાર
ખડગેના નિવેદન પર ભાજપ પ્રદેશ મીડિયા પ્રભારી આશીષ અગ્રવાલે ટ્વિટ કરીને કહ્યું કે, 'હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને મંચ પરથી કહેવું પડી રહ્યું છે કે, જો તમે સાંભળશો તો હું બોલીશ. જ્યારે કોઈ પક્ષમાં રાષ્ટ્રીય અધ્યક્ષને પોતાના જ કાર્યકર્તાઓને સાંભળવાની અપીલ કરવી પડે, તો આ સંગઠનની સ્થિતિને દર્શાવે છે.' ભાજપે કોંગ્રેસના નેતૃત્વ અને સંગઠનાત્મક સંતુલન પર પણ સવાલ ઉઠઆવ્યા.


