Get The App

ભારતના નિર્ણય અમેરિકા કેમ લઈ રહ્યું છે?, રાહુલ ગાંધીએ લોકસભામાં ઉઠાવ્યો LPG સંકટનો મુદ્દો; એપસ્ટિન મામલે હોબાળો

Updated: Mar 12th, 2026

GS TEAM

Google News
Google News
ભારતના નિર્ણય અમેરિકા કેમ લઈ રહ્યું છે?, રાહુલ ગાંધીએ લોકસભામાં ઉઠાવ્યો LPG સંકટનો મુદ્દો; એપસ્ટિન મામલે હોબાળો 1 - image

Rahul Gandhi Raises LPG Crisis in Lok Sabha : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે દુનિયાભરમાં ઓઇલ અને ગેસને લઈને ચિંતા વધી છે. એવામાં આજે લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ LPG સંકટ મુદ્દે સવાલ ઉઠાવ્યો હતો. જેનો પેટ્રોલિયમ મંત્રીએ જવાબ પણ આપ્યો. 

રાહુલ ગાંધીનો સંસદમાં સવાલ 

રાહુલ ગાંધીએ કહ્યું કે, સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બંધ હોવાના કારણે દેશમાં LPG સંકટ છે. જેની સૌથી વધુ અસર સ્ટ્રીટ વેન્ડર્સ પર પડી છે. એવામાં ભારત કોની પાસેથી ઓઇલ કે ગેસ ખરીદશે તે નક્કી કરનારું અમેરિકા કોણ છે? નાના વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે. 

ગેસ પર વાત કરતાં અચાનક રાહુલ ગાંધીએ એપસ્ટિનનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે, અહીં એક મંત્રી બેઠા છે. જેમણે એપસ્ટિનને 'મિત્ર' કહ્યો હતો. 

રાહુલ ગાંધીને સ્પીકરની ટકોર- વિષય પર વાત કરો 

રાહુલ ગાંધીના આ નિવેદન બાદ લોકસભામાં હોબાળો શરૂ થઈ ગયો. સ્પીકરે પણ રાહુલ ગાંધીને ટકોર કરીને કહ્યું કે તમે જેની નોટિસ આપી છે તેના પર જ બોલો. નિયમથી બહાર બોલવાની અનુમતિ કોઈને આપવામાં આવશે નહીં. 

દેશમાં ઈંધણની કોઈ અછત નથી, કોઈ પેનિક થશો નહીં: હરદીપ પુરી

રાહુલ ગાંધીના સવાલ બાદ હરદીપ પુરી જવાબ આપવા માટે ઊભા થયા. તેમના જવાબ દરમિયાન વિપક્ષના નેતાઓએ સંસદમાં હોબાળો મચાવ્યો. હરદીપ પુરીએ કહ્યું કે, ગેસ સિલિન્ડર મામલે કોઈએ પેનિક થવાની જરૂર નથી. ભારતમાં ક્રૂડ ઓઇલની સપ્લાય સુરક્ષિત છે. દેશમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ સિલિન્ડરની કોઈ અછત નથી. CNG સપ્લાય પણ 100 ટકા છે. અમે કેનેડા, રશિયા, નૉર્વેથી ઈંધણ ખરીદી રહ્યા છીએ. દેશભરના પેટ્રોલ પંપ પર પર્યાપ્ત સ્ટોક છે, ઈંધણની સપ્લાય ચેઇન પણ સામાન્યરૂપે કામ કરી રહી છે. 

રાહુલ ગાંધી પર કેમ ગુસ્સે થયા ઓમ બિરલા? 

હરદીપ પુરીનો જવાબ સમાપ્ત થયા બાદ લોકસભા સ્પીકરે વિપક્ષ નેતા રાહુલ ગાંધીને ફટકાર લગાવી. તેમણે કહ્યું કે, વિપક્ષ નેતાએ LPGની અછત મુદ્દે નોટિસ આપી હતી. નોટિસ મારા હાથમાં છે. મેં તેમને આ નોટિસ મુદ્દે બોલવાની અનુમતિ આપી હતી. તેમ છતાં આ પ્રકારનું વર્તન સારું ન કહેવાય. તમે નોટિસ કઈ વાતની આપો છો અને બોલો છો કઈ વાત પર! તમારે આરોપ લગાવવા હોય તો નિયમ 353 હેઠળ નોટિસ આપો. સદન નિયમોથી ચાલશે. આ રીતે નહીં. 


વડાપ્રધાન મોદી પોતે ગભરાઈ ગયા છે: રાહુલ ગાંધી

આ પહેલા સંસદની બહાર મીડિયા સાથે વાતચીતમાં પણ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન લોકોને કહી રહ્યા છે કે ગભરાવવાની જરૂર નથી. પણ તે પોતે જ ગભરાયેલા છે. PM મોદી એપસ્ટિન ફાઇલ્સ મુદ્દે ગભરાઈ ગયા છે. તેથી તેઓ સંસદ નથી આવી રહ્યા. તમે જુઓ સંસદમાં વડાપ્રધાનની ખુરશી ખાલી છે.