GDP ગ્રોથ 7.8% પર ઉઠ્યા સવાલો!, સરકારે 'તર્કહીન' ગણાવીને આપ્યો દરેક સવાલનો જવાબ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India GDP Growth Rate 7.8 Percent MoSPI Clarification: ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા (Q1) ના જીડીપી આંકડા જાહેર થયા બાદ પૂર્વ નાણા સચિવ સુભાષ ચંદ્ર ગર્ગ અને કેટલાક અર્થશાસ્ત્રીઓ દ્વારા ગણતરી પદ્ધતિ પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. જેનો જવાબ આપતા આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) એ સ્પષ્ટતા કરી છે કે, જીડીપી વિકાસ દરમાં કોઈ હેરાફેરી કે કૃત્રિમ વધારો કરવામાં આવ્યો નથી.
આધાર વર્ષ અને જૂના GDP આંકડામાં સુધારો
સુભાષ ચંદ્ર ગર્ગનો આરોપ હતો કે, ગયા વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા (Q1) ના નોમિનલ જીડીપી અંદાજને ₹86.05 લાખ કરોડથી ઘટાડીને ₹80 લાખ કરોડ કરી દેવાયો, જેથી ચાલુ વર્ષનો વિકાસ દર વધુ દેખાય. મંત્રાલયે સ્પષ્ટતા કરી કે ₹86.05 લાખ કરોડનો આંકડો 2011-12 ના જૂના આધાર વર્ષ (Old Series) મુજબ હતો. જ્યારે 2022-23 ના નવા આધાર વર્ષ અને IIP ની નવી શ્રેણી લાગુ થઈ, ત્યારે બેઝ ₹80.32 લાખ કરોડ (બાદમાં સુધારીને ₹80 લાખ કરોડ) થયો હતો. તેથી બે અલગ-અલગ આધાર વર્ષની શ્રેણીઓની સીધી સરખામણી કરવી સંપૂર્ણપણે ખોટી છે.
મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નેગેટિવ ડિફ્લેટર (-1.5%) નું ગણિત
ટીકાકારોએ સવાલ ઉઠાવ્યો હતો કે, ઉત્પાદન અને કાચા માલ બંનેના ભાવ વધ્યા હોવા છતાં મેન્યુફેક્ચરિંગનો GVA ડિફ્લેટર માઈનસ 1.5% કેમ રહ્યો.
સરકારે સમજાવ્યું કે, ભારતમાં હવે 'ડબલ-ડિફ્લેશન મેથડ' (Double Deflation Method)નો ઉપયોગ થાય છે, જેમાં આઉટપુટ અને કાચા માલની કિંમતોને અલગ-અલગ એડજસ્ટ કરાય છે. જ્યારે કાચા માલના ભાવ આઉટપુટ કરતાં ઝડપથી વધે છે, ત્યારે રીયલ GVA ગ્રોથ નોમિનલ GVA કરતાં વધુ દેખાય છે. મંત્રાલય અનુસાર, પ્રથમ ત્રિમાસિક ગાળામાં નોમિનલ GVA 7.7% અને રીયલ GVA 9.2% રહ્યો, જેનાથી ડિફ્લેટર -1.5% આવ્યો. OECDના સંશોધનો મુજબ વૈશ્વિક સ્તરે કાચા માલના આંચકા દરમિયાન આવો નેગેટિવ ડિફ્લેટર દેખાવો એક સામાન્ય આર્થિક પ્રક્રિયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાં મંત્રીનું નિવેદન
જીડીપી આંકડા આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, વૈશ્વિક અસ્થિરતા અને પુરવઠા શૃંખલાની અડચણો છતાં ભારતીય અર્થતંત્રે પોતાની મજબૂતી સાબિત કરી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું કે, પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતે શાનદાર પ્રગતિ કરી છે. રીયલ GDP ગ્રોથ દર 7.8% રહ્યો, જ્યારે નોમિનલ GDP ગ્રોથ 10.3% નોંધાયો છે. રીયલ GVA ગ્રોથ દર 8.2% રહ્યો છે. મોટાભાગના અર્થશાસ્ત્રીઓએ 7.1-7.2% ગ્રોથનો અંદાજ મૂક્યો હતો, જેને ભારતીય અર્થતંત્રે પાછળ છોડી દીધો છે.




