India

Explainer: કબડ્ડીની રમતને લાગ્યું 'ગેંગસ્ટર' રાજનું ગ્રહણ, ભારતીય રમતની માટીથી માફિયા સુધીની સફર

By GS TEAM
20 Feb 20264 mins read
TukuTouch Logo
પંજાબની ધરતી પર જન્મેલો માટીનો ખેલ ‘કબડ્ડી’ માત્ર રમત નથી, તે ગ્રામ્યઊર્જા, યુવાશક્તિ અને સામુદાયિક ગૌરવનું પ્રતિક છે. માટીથી ભરેલા અખાડામાં ખેલાડીઓ પોતાની તાકાત, સહનશક્તિ, શિસ્ત અને હિંમતનું પ્રદર્શન કરે છે. લોકરંજનનો આ ખેલ દાયકાઓથી ચાલતો આવ્યો છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ પરંપરાગત રમત પર ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે. નાણાંની બેહિસાબ રેલમછેલે આ રમતનું વ્યાવસાયિકરણ કરી નાંખ્યું અને ગેંગસ્ટરોની એન્ટ્રી થતાં કબડ્ડીની માટી રક્તરંજિત થઈ ગઈ. કબડ્ડીના તાર આંતરરાષ્ટ્રીય ગુનાખોરી સાથે જોડાઈ ગયા હોવાથી આજે હાલત એ છે કે પંજાબના યુવાનો આ ખેલને અપનાવતા ડરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: કબડ્ડીની રમતને લાગ્યું 'ગેંગસ્ટર' રાજનું ગ્રહણ, ભારતીય રમતની માટીથી માફિયા સુધીની સફર

Punjab Kabaddi Players Murder : પંજાબની ધરતી પર જન્મેલો માટીનો ખેલ ‘કબડ્ડી’ માત્ર રમત નથી, તે ગ્રામ્યઊર્જા, યુવાશક્તિ અને સામુદાયિક ગૌરવનું પ્રતિક છે. માટીથી ભરેલા અખાડામાં ખેલાડીઓ પોતાની તાકાત, સહનશક્તિ, શિસ્ત અને હિંમતનું પ્રદર્શન કરે છે. લોકરંજનનો આ ખેલ દાયકાઓથી ચાલતો આવ્યો છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ પરંપરાગત રમત પર ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે. નાણાંની બેહિસાબ રેલમછેલે આ રમતનું વ્યાવસાયિકરણ કરી નાંખ્યું અને ગેંગસ્ટરોની એન્ટ્રી થતાં કબડ્ડીની માટી રક્તરંજિત થઈ ગઈ. કબડ્ડીના તાર આંતરરાષ્ટ્રીય ગુનાખોરી સાથે જોડાઈ ગયા હોવાથી આજે હાલત એ છે કે પંજાબના યુવાનો આ ખેલને અપનાવતા ડરે છે. 

મોહાલીમાં મેદાન પર હત્યા 

15 ડિસેમ્બર, 2025ના રોજ મોહાલીના સોહાના ખાતે યોજાયેલા 29મા બૈદવાન કબડ્ડી કપ દરમિયાન ભયાનક ઘટના બની હતી. ટુર્નામેન્ટ પ્રમોટર અને પૂર્વ ખેલાડી કંવર દિગ્વિજય સિંહ ઉર્ફે રાણા બાલાચૌરિયા મેદાન તરફ જઈ રહ્યા હતા ત્યારે બે યુવકો સેલ્ફી લેવાને બહાને તેમની નજીક આવ્યા. લાગ જોઈને તેમણે પિસ્તોલ કાઢી અને દિગ્વિજય સિંહના માથામાં ગોળી મારી દીધી! દર્શકોમાં ગભરાટ ફેલાવવા હુમલાખોરોએ હવામાં ફાયરિંગ કર્યું. લોકો ચીસો પાડીને ભાગ્યા અને એ અફરાતફરીનો લાભ લઈને હુમલાખોરો બાઈક પર સવાર થઈને ભાગી ગયા. દિગ્વિજય સિંહને હોસ્પિટલ લઈ જવાયા, પણ બચાવી ન શકાયા. 

ગેંગસ્ટરે જવાબદારી લેતાં સમગ્ર કબડ્ડીજગત આઘાતમાં ગરકાવ થઈ ગયું 

આ ઘટના બાદ માત્ર પંજાબ જ નહીં, પરંતુ કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુકેમાં વસતા પંજાબી સમુદાયમાં પણ ચિંતા ફેલાઈ ગઈ. બંબિહા ગેંગે સોશિયલ મીડિયા પર આ હુમલાની જવાબદારી લીધી અને તેને ગાયક સિદ્ધુ મૂસેવાલાની 2022માં કરાયેલી હત્યાનો બદલો ગણાવ્યો. 

પોલીસનો નકાર, છતાં શંકા યથાવત

મોહાલી પોલીસના અધિકારીઓએ બંબિહા ગેંગનો દાવો ખોટો ગણાવીને દિગ્વિજય સિંહની હત્યામાં ગેંગસ્ટરની ભૂમિકા નકારી કાઢીને કહ્યું હતું કે, હુમલો કબડ્ડીમાં પ્રભાવ અને નિયંત્રણ જમાવવા માટેની હરીફાઈનો ભાગ હોઈ શકે છે. જોકે, તાજેતરના સમયમાં કબડ્ડી સાથે જોડાયેલા અનેક હત્યાકાંડ ગેંગસ્ટરના જોડાણ તરફ ઈશારો કરે જ છે. સંદીપ નંગલ અંબિયાન (માર્ચ, 2022), તેજપાલ સિંહ (ઓક્ટોબર, 2025), ગુરવિંદર સિંહ (નવેમ્બર, 2025) અને સોનુ નોલ્ટા (જૂન, 2025)ની હત્યાઓ દર્શાવે છે કે કબડ્ડી હવે સ્થાનિક રમત રહી નથી, તે વૈશ્વિક ક્રિમિનલ નેટવર્ક સાથે જોડાઈ ગઈ છે.

બંબિહા ગેંગનો કબડ્ડી સાથે સંબંધ

બંબિહા ગેંગના સ્થાપક દવિંદર સિંહ સિદ્ધુ એક સમયે લોકપ્રિય કબડ્ડી ખેલાડી હતા. જેલવાસ દરમિયાન તેમને ‘બંબિહા’ નામ મળ્યું હતું. જેલમાં હતા ત્યારે તેઓ ગુનાખોરીના નેટવર્ક સાથે જોડાયા અને બાદમાં બંબિહા ગેંગના નેતા બન્યા. 2016માં પોલીસ એન્કાઉન્ટરમાં તેમનું મોત થયું હતું. તેમની ગેરહાજરીમાં પણ બંબિહા ગેંગનું કામકાજ ચાલતું રહ્યું. 

કબડ્ડીનું બદલાતું સ્વરૂપ

એક પેઢી પહેલાં કબડ્ડી ગામડાના મેળાઓની રમત હતી. યુવાનો ચુસ્તદુરસ્ત રહેવા અને માન-સન્માન મેળવવા માટે કબડ્ડી ખેલતા. આ રમત શિસ્ત અને સહકારનું પ્રતિક ગણાતી. પછી એમાં પૈસાનો પ્રવેશ થયો. ખેલાડીઓ ખરીદાતા ગયા. કબડ્ડીનું મેદાન શક્તિ પ્રદર્શનનો મંચ બની ગયું. ખેલાડીઓને ‘હીરો’ તરીકે રજૂ કરાયા. ધનિકોએ એમનું બ્રાન્ડિંગ વધાર્યું. સોશિયલ મીડિયાએ રમતનો પ્રચાર-પ્રસાર કરવામાં મોટો ફાળો આપ્યો. આખરે  શક્તિના પ્રદર્શન હિંસા અને હત્યા સુધી પહોંચી ગયું. 

પૈસાનો પ્રવાહ અને વ્યાવસાયિકીકરણ

વર્ષ 2014–15 આસપાસ કબડ્ડીમાં પૈસાનો પ્રવાહ વધવા લાગ્યો. શરૂઆતમાં ખેલાડીઓ ₹25,000માં રમતા, ઈનામમાં ખેલાડીઓને ટ્રોફી અને ડિનર સેટ અપાતાં. પછી ટ્રેક્ટર, હાર્લી ડેવિડસન જેવી મોટર સાઇકલો અને ‘ડોલરની માળા’ના ઈનામો વહેંચાવા લાગ્યા. લાખો રૂપિયાની બોલીઓ બોલાવા લાગી. વિદેશમાં ટુર્નામેન્ટો શરૂ થઈ. ખેલાડીઓ પણ વિઝા મેળવવા માટે રાજકારણ રમવા લાગ્યા. કેનેડા, UK અને ઓસ્ટ્રેલિયામાં કબડ્ડી ટુર્નામેન્ટો પંજાબી ડાયસ્પોરા માટે સાંસ્કૃતિક ઇવેન્ટ બની ગઈ, પરંતુ સાથે સાથે આર્થિક ગડબડીઓ અને ખંડણીનું દૂષણ પણ દાખલ થયું. 

ગેંગસ્ટરોએ કઈ રીતે કબડ્ડી પર પ્રભાવ જમાવ્યો? 

પંજાબની સ્થાનિક ગેંગોએ સુરક્ષા અને વ્યવસ્થાને નામે કબડ્ડીના રમતજગતમાં પ્રવેશ કર્યો અને પછી કોન્ટ્રાક્ટ, પાર્કિંગ, સ્ટોલ વગેરેમાંથી આવક મેળવવા માંડી. વિદેશમાં વસતી પંજાબી ગેંગોના નાણાં પ્રવાહની મદદથી તેઓ પોતાનું નેટવર્ક મજબૂત કરતી ગઈ અને એ રીતે કબડ્ડીનું મેદાન ગેંગસ્ટરોનો પ્રભાવ દર્શાવવાનો મંચ બની ગઈ. પંજાબમાં એકલ-દોકલ નહીં, 60 થી 70 જેટલી ગેંગો વિવિધ સ્તરે સક્રિય છે. કબડ્ડીનું અર્થતંત્ર કરોડોનું છે. ઘણી વિદેશી ગેંગો વિદેશમાં ટુર્નામેન્ટ પ્રાયોજિત કરે છે, ખેલાડીઓને બોલાવે છે અને પછી રમત સાથે સંકળાયેલા લોકો પાસે ખંડણી ઉઘરાવવાનો ખેલ પાર પાડે છે. 

આ પણ વાંચો : AI સમિટમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ દેખાવો કરતા ભાજપ ભડક્યું, રાહુલ-સોનિયા-પ્રિયંકા પર કર્યા આકરા પ્રહાર

ડોપિંગનું દૂષણ અને આરોગ્યનું જોખમ સર્જાયું

કબડ્ડીમાં પરફોર્મન્સ જાળવી રાખવાની માંગ વધતાં ખેલાડીઓ તાકાત વધારવા માટે સ્ટેરોઇડ્સ, સપ્લિમેન્ટ્સ અને પેઈન-એન્હાન્સર્સ લેવા લાગ્યા, જેને પરિણામે કેટલાક ખેલાડીઓના હૃદય અથવા કિડની નિષ્ફળ જતા તેઓ અવસાન પણ પામ્યા. ડોપિંગનો ડાઘ ફક્ત ખેલાડીઓના આરોગ્ય માટે જ નહીં, રમતની નૈતિકતા માટે પણ ખતરનાક છે.

સરકાર અને સંસ્થાઓની ભૂમિકા સ્પષ્ટ નથી

કબડ્ડીના પૂર્વ ખેલાડીઓ અને અધિકારીઓ માને છે કે રમતને બચાવવા માટે તાત્કાલિક નીચે મુજબના પગલાં લેવા જરૂરી છે.

  • રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે એક સિંગલ રેગ્યુલેટરી ફેડરેશન બનાવો.
  • ટુર્નામેન્ટ નોંધણી સિસ્ટમ વિકસાવો.
  • નાણાંમાં પારદર્શકતા જાળવો.
  • ખેલાડીઓ માટે એન્ટિ-ડોપિંગના કડક નિયમો લાગુ કરો.  
  • ગુંડા તત્ત્વો સામે કડક કાર્યવાહી કરો.
  • આંતરરાષ્ટ્રીય સહકાર મેળવીને વિદેશી ગેંગોનો પ્રભાવ ઓછો કરો.

રમતનો આત્મા બચાવવાનો સમય

કબડ્ડી માત્ર રમત નથી; તે સાંસ્કૃતિક અને સામુદાયિક ઓળખ છે. જો હિંસા, પૈસા અને ભય રમતને ઘેરી લેશે, તો આગામી પેઢી કબડ્ડીના મેદાનમાં ઉતરવાથી ડરશે. એમ થાય એ પહેલા માટીના આ ખેલને ઉગારી લેવાની તાતી જરૂરિયાત છે. 

આ પણ વાંચો : ‘દેશના ગદ્દારોને છોડીશું નહીં, આતંક ફેલાવનારા દયાની ભીખ માંગશે, એવી સજા કરીશું’ મનોજ સિંહાની ચેતવણી