પૈસાની ભૂખ, માણસને મરતો જોવાની વિકૃત લાલસા! 4 હોશિયાર વિદ્યાર્થીઓએ કરી હતી 10 લોકોની કરપીણ હત્યા, કિસ્સા ખૌફનાક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Serial Murders Crime Story: આજનું પૂણે શહેર એટલે આઇટી હબ, ગગનચુંબી ઇમારતો, ટ્રાફિકથી ધમધમતા રસ્તા અને આધુનિક જીવનશૈલી. પરંતુ આજથી 50 વર્ષ પહેલાં, એટલે કે 1970ના દાયકામાં આ શહેર સાવ અલગ હતું. તે સમયે પૂણે નિવૃત્ત લોકો માટે એક શાંત, સલામત આશ્રયસ્થાન ગણાતું, જ્યાં લોકો બપોરે ઘરોના દરવાજા ખુલ્લા રાખીને સૂતા અને સાયકલો પણ તાળા વગર પાર્ક થતી. પરંતુ 1976માં આ શાંત શહેરને જાણે કોઈ દુષ્ટ આત્માની નજર લાગી ગઈ. માત્ર 14 મહિનામાં એક પછી એક 10 ક્રૂર હત્યાઓ થઈ, જેણે સમગ્ર મહારાષ્ટ્રને હચમચાવી દીધું. સૌથી વધુ આઘાતજનક વાત એ હતી કે આ આતંક ફેલાવનાર કોઈ રીઢા ગુનેગારો નહોતા, પણ ‘અભિનવ કલા મહાવિદ્યાલય’માં ભણતા આર્ટ્સના 4 હોશિયાર વિદ્યાર્થીઓ હતા.
મિત્રો જ મિત્રનો કાળ બન્યા
આ ભયાનક સિલસિલો 16 જાન્યુઆરી, 1976ના રોજ શરૂ થયો, જ્યારે આર્ટ્સમાં ભણતો પ્રકાશ હેગડે નામનો છોકરો અચાનક ગાયબ થઈ ગયો. અપહરણકર્તા રાજેન્દ્ર જક્કલ, દિલીપ જગતાપ, શાંતારામ જગતાપ અને મુનવ્વર હારુન શાહ પ્રકાશના મિત્રો હતા અને સાથે જ ભણતા હતા. પ્રકાશના પિતા પૂણેમાં એક જાણીતી રેસ્ટોરન્ટ ચલાવતા હતા, તેથી આ ગેંગ સારી રીતે જાણતી હતી કે પ્રકાશના પરિવાર પાસે મોટી રકમ મળી શકે તેમ છે. ચારેય નરાધમોએ પ્રકાશને ફરવા જવાને બહાને શહેરની બહાર લઈ ગયા.
માણસને મરતો જોવાની વિકૃત લાલસા
યોજનાનો માસ્ટરમાઇન્ડ રાજેન્દ્ર જક્કલ જાણવા માંગતો હતો કે કોઈ જીવતી વ્યક્તિનું ગળું દબાવવામાં આવે, ત્યારે તેના શરીરમાં કેવા બદલાવ આવે છે અને મરતી વખતે માણસ કેવો તરફડાટ અનુભવે છે! એટલે એક અવાવરું જગ્યાએ જઈને તેમણે પ્રકાશને પકડી લીધો અને તેના ગળામાં નાયલોનની દોરડી વીંટીને તેને ગૂંગળાવી માર્યો.
50 રૂપિયાની લૂંટ અને લાશનો નિકાલ
હત્યા કર્યા પછી તેમણે પ્રકાશના ખિસ્સા તપાસ્યા, ત્યારે તેમને માત્ર 50 રૂપિયા રોકડા મળ્યા, જે તેમણે રાખી લીધા. એ પછી તેમણે પ્રકાશના મૃતદેહને એક મોટા લોખંડના ડ્રમમાં નાંખી દીધો અને ડ્રમને પૂણેથી દૂર આવેલા ભાટઘર ડેમના ઊંડા પાણીમાં ફેંકી દીધું.
25,000 રૂપિયાની ખંડણી માંગી
પ્રકાશ ગાયબ થયાના થોડા દિવસો બાદ તેના પિતાને એક પત્ર મળ્યો, જેમાં પ્રકાશને સહીસલામત મુક્ત કરવાના બદલામાં 25,000 રૂપિયાની માંગણી કરવામાં આવી. પ્રકાશના પિતાએ પોલીસનો સંપર્ક કર્યો. પોલીસ એ જ ભ્રમમાં રહીને શોધખોળ કરતી રહી કે માત્ર અપહરણનો કેસ છે અને છોકરો જીવતો છે. હત્યારાઓએ પ્રકાશના પિતાનો ફરી સંપર્ક ન કર્યો. ન ખંડણી ચૂકવાઈ, ન પોલીસ પ્રકાશનો પતો લગાવી શકી.
જોશી પરિવાર પર કાળનો પંજો
પહેલી હત્યા બાદ નરાધમોની હિંમત વધી ગઈ. પૈસાની ભૂખ તીવ્ર બનતાં તેમણે 31 ઑક્ટોબર, 1976ના રોજ વિજયનગર કોલોનીમાં રહેતા અચ્યુત જોશીના ઘરને નિશાન બનાવ્યું. અચ્યુત જોશી, તેમનાં પત્ની ઉષા અને તેમના પુત્ર આનંદ જોશીની ઘાતકી હત્યા કરી દીધી. હત્યારાઓ ઘરમાંથી થોડા હજાર રૂપિયા અને કિંમતી સામાન લૂંટીને ફરાર થઈ ગયા.
હત્યા કરવાની અનોખી પદ્ધતિ અજમાવતા
આ ગેંગ હત્યા કરવાની રીતમાં પારંગત અને એટલી ક્રૂર હતી કે પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઈ જતી. તેઓ પીડિતોના હાથ-પગ બાંધી દેતા અને મોંમાં કપડું ઠાંસી દેતા જેથી અવાજ ન નીકળે. ત્યારબાદ ગળામાં નાયલોનનું દોરડું બાંધી, તેમાં લાકડી કે પાઇપ ભરાવીને તેને ત્યાં સુધી ફેરવતા જ્યાં સુધી શ્વાસનળી કપાઈ ન જાય. આ પદ્ધતિના કારણે લોહીનું એક પણ ટીપું બહાર વહેતું નહોતું અને ગુનો આચરવામાં સરળતા રહેતી.
'સ્મૃતિ' બંગલાનો લોહિયાળ ખેલ
શહેર હજુ જોશી પરિવારના હત્યાકાંડના આઘાતમાંથી બહાર આવ્યું ન હતું ત્યાં તો 1 ડિસેમ્બર, 1976ના રોજ ભંડારકર રોડ પર આવેલા 'સ્મૃતિ' બંગલામાં એક ભયાનક નરસંહાર થયો. આ બંગલો પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક સંજીવ અભ્યંકરના પરિવારનો હતો. તે રાત્રે ઘરમાં 5 લોકો હતા: 88 વર્ષના અંધ સંસ્કૃત વિદ્વાન કાશીનાથ શાસ્ત્રી અભ્યંકર, તેમનાં પત્ની ઇન્દિરા, પૌત્ર ધનંજય, આયા સક્કુબાઈ અને કામવાળી સુનીતા. હત્યારા છોકરાઓ કોઈ કળા પ્રોજેક્ટ અથવા ડિલિવરીના બહાને ઘરમાં ઘૂસ્યા. તેમણે એક પછી એક કરીને તમામ 5 લોકોની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી. આશ્ચર્યની વાત એ હતી કે પડોશીઓને એક પણ ચીસ સંભળાઈ નહીં. હત્યારાઓ ઘરેણાં અને રોકડ લઈને ગાયબ થઈ ગયા. આ ઘટના પછી પૂણેમાં એવો આતંક ફેલાયો કે બજારો સાંજે 7 વાગ્યે બંધ થઈ જતા અને લોકોએ ઘરોની બારીઓ પર લોખંડની જાળીઓ ફિટ કરાવી દીધી.
દારૂના નશામાં ખૂલ્યું રહસ્ય
માસ્ટરમાઇન્ડનો અહંકાર જ હત્યારી ગેંગનો કાળ બન્યો. ડિસેમ્બર 1977માં, અનિલ ગોખલેની હત્યા કર્યા બાદ, એક સાંજે આ ચારેય જણા તેમના મિત્ર સુહાસ ચાંડક સાથે દારૂ પી રહ્યા હતા. નશામાં ધૂત રાજેન્દ્ર જક્કલે અહંકારમાં આવીને સુહાસ સામે અભ્યંકર હત્યાકાંડની એવી વિગતો કહી દીધી જે માત્ર ખૂની જ જાણી શકે. તેણે પ્રકાશ હેગડેની લાશ ડેમમાં ફેંકી હોવાની વાત પણ કબૂલી. ગભરાયેલો સુહાસ તરત જ પોલીસ પાસે ગયો અને બધું કહી દીધું.
આર્ટ સ્ટુડિયોમાંથી મળી મોતની બ્લુપ્રિન્ટ
પોલીસે ચારેયની ધરપકડ કરી. શરૂઆતમાં તો તેમણે બધા આરોપ નકારી કાઢ્યા. પરંતુ જક્કલના આર્ટ સ્ટુડિયો અને રૂમની તલાશી દરમિયાન પોલીસને પીડિતોના ઘરોના નકશા (બ્લુપ્રિન્ટ), દોરડાની ગાંઠોના સ્કેચ અને ડાયરીઓ મળી આવી. પોલીસની કડક પૂછપરછમાં દિલીપ જગતાપ ભાંગી પડ્યો અને તેણે તમામ 10 હત્યાઓની કબૂલાત કરી લીધી.
યરવડા જેલમાં ફાંસી અપાઈ
1978માં આ ઐતિહાસિક કેસની ટ્રાયલ શરૂ થઈ. કોર્ટરૂમ લોકોથી ખચોખચ ભરેલો રહેતો કારણ કે લોકો આ ભણેલા-ગણેલા રાક્ષસોના ચહેરા જોવા માંગતા હતા. સરકારી વકીલે કોર્ટમાં 100થી વધુ મજબૂત પુરાવા, જ્વેલરી રિકવરી અને સુહાસ ચાંડકની જુબાની રજૂ કરી. 28 સપ્ટેમ્બર, 1978ના રોજ ન્યાયાધીશ ડબલ્યુ.એન. બાપટે આ કેસને ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ (અત્યંત દુર્લભ) ગણાવીને ચારેય આરોપીઓને ફાંસીની સજા સંભળાવી. હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ દ્વારા પણ તેમની દયા અરજીઓ ફગાવી દેવામાં આવી. 25 ઑક્ટોબર, 1983ની સવારે પૂણેની યરવડા સેન્ટ્રલ જેલમાં ચારેય નરાધમોને એકસાથે ફાંસીના માચડે લટકાવી દેવાયા.
કસાઈ કેમ બન્યા?
આ કેસ આજે પણ મનોવૈજ્ઞાનિકો માટે એક મોટો કોયડો છે. આ છોકરાઓ કોઈ ગરીબ કે ગુનાહિત પૃષ્ઠભૂમિના નહોતા, તેઓ મધ્યમ અને શ્રીમંત પરિવારના સર્જનાત્મક યુવાનો હતા. નિષ્ણાતોના મતે, મુખ્ય સૂત્રધાર રાજેન્દ્ર જક્કલ 'ગોડ કોમ્પ્લેક્સ'(God Complex)થી પીડાતો હતો. આ સ્થિતિમાં વ્યક્તિ પોતાને સામાન્ય મનુષ્યો કરતાં બહેતર, સર્વશક્તિમાન અને ઈશ્વર સમાન સમજવા લાગે છે. તે માનતો હતો કે તે કાયદા કરતાં વધુ સ્માર્ટ છે, અને પોલીસ તેને ક્યારેય પકડી નહીં શકે. તેની દોરવણીથી તેના મિત્રો પણ તેની સાથે અપરાધ કરવામાં જોડાઈ ગયા. આમ, પૈસાની લાલસા અને પકડાઈ ન જવાની વિકૃત ઉત્કંઠાએ કળાના વિદ્યાર્થીઓને ક્રૂર કસાઈ બનાવી દીધા.









