India

ઈથેનોલ સામે આંદોલન: તહેસીન પૂનાવાલાનો દાવો- કોઈ ઓર્ડર વિના મને હાઉસ અરેસ્ટ કરાયો

By GS Team
1 Aug 20263 mins read
TukuTouch Logo
સામાજિક કાર્યકર્તા તહેસીન પૂનાવાલાને દિલ્હી પોલીસે E20 પેટ્રોલ નીતિ સામેના વિરોધ માર્ચ અને અનશન પહેલા હાઉસ અરેસ્ટ કર્યા છે. પૂનાવાલાએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી દાવો કર્યો કે સરકાર તેમના વિરોધથી ડરી ગઈ છે. પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા સાવચેતીના પગલારૂપે આ કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું. પૂનાવાલા 100% પેટ્રોલ, E5 અને E10નો વિકલ્પ આપવાની માંગ કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈથેનોલ સામે આંદોલન: તહેસીન પૂનાવાલાનો દાવો- કોઈ ઓર્ડર વિના મને હાઉસ અરેસ્ટ કરાયો

E20 Petrol Policy: E20 પેટ્રોલ નીતિ સામે પ્રસ્તાવિત વિરોધ માર્ચ અને અનશન પહેલા સામાજિક કાર્યકર્તા તહેસીન પૂનાવાલાએ દિલ્હી પોલીસ પર તેમને હાઉસ અરેસ્ટ કરવાનો આરોપ લગાવ્યો છે. પૂનાવાલાએ શનિવારે સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો શેર કર્યા, જેમાં તેમના ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તહેનાત જોવા મળી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે, સરકાર મારા વિરોધ પ્રદર્શનથી ગભરાઈ ગઈ છે.

નિતિન ગડકરી E20 પેટ્રોલના વિરોધથી ડરી ગયા

તહેસીન પૂનાવાલાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે, 'દિલ્હી પોલીસની એક મોટી ટીમ, જેમાં મહિલા પોલીસકર્મીઓ પણ સામેલ છે, તેમણે મને ઘરની બહાર નીકળતા રોક્યો છે.' તેમણે આરોપ લગાવ્યો કે, 'કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી E20 પેટ્રોલના વિરોધથી ડરી ગયા છે.'

અન્ય એક વીડિયોમાં પૂનાવાલા પોલીસ અધિકારીને પૂછતા દેખાઈ રહ્યા છે કે, આખરે કયા આધારે તેમને રોકવામાં આવી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેમને કોઈ લેખિત ઓર્ડર કે દસ્તાવેજ બતાવવામાં નથી આવ્યો. વીડિયોમાં તેઓ કહે છે કે, 'કોઈ કાગળ નથી, કંઈ પણ નથી… મને ઘરમાં નજરકેદ કરી દેવામાં આવ્યો છે. સ્વતંત્રતા દિવસના 15 દિવસ પહેલા મને આ રીતે રોકવામાં આવી રહ્યો છે.'

પોલીસે કાયદા-વ્યવસ્થાનો હવાલો આપ્યો

પૂનાવાલાના સવાલો પર પોલીસ અધિકારીએ જવાબ આપ્યો કે, 'પ્રસ્તાવિત વિરોધ માર્ચથી કાયદો અને વ્યવસ્થા પ્રભાવિત થઈ શકે છે.' પોલીસે તેમને સહયોગ કરવાની અપીલ કરતા કહ્યું કે, 'સાવચેતીના ભાગરૂપે આ પગલું ભરવામાં આવ્યું છે.'

E20 પેટ્રોલ સામે અનશન અને માર્ચની કરી હતી જાહેરાત

તહેસીન પૂનાવાલાએ શુક્રવારે જાહેરાત કરી હતી કે, હું એકલા ગાંધી સ્મૃતિ સુધી પગપાળા માર્ચ કરીશ, ત્યાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરીશ અને E20 પેટ્રોલ નીતિ સામે ભૂખ હડતાળ શરૂ કરીશ. આ પહેલા 31 જુલાઈના રોજ સંસદ પાસે પ્રસ્તાવિત 'ગાડી માર્ચ' માટે મંજૂરી ન મળ્યા બાદ તેમણે વિરોધનો નવો કાર્યક્રમ જાહેર કર્યો હતો.

E20 પેટ્રોલને લઈને વધ્યો વિવાદ

છેલ્લા કેટલાક દિવસોમાં E20 પેટ્રોલ એટલે કે 20 ટકા ઈથેનોલ મિશ્રિત ઈંધણને લઈને વિવાદ વકર્યો છે. વિપક્ષી દળો અને અનેક ગ્રાહક સંગઠનોએ આ નીતિ સામે સવાલો ઉઠાવ્યા છે. અનેક જૂના વાહન માલિકોનો દાવો છે કે, 'વર્ષ 2023 પહેલા બનેલા વાહનોમાં E20 પેટ્રોલના ઉપયોગથી માઈલેજ ઘટ્યું છે અને મેન્ટેનન્સનો ખર્ચ વધ્યો છે.'

સરકારે શું કહ્યું?

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી પહેલા સ્વીકારી ચૂક્યા છે કે, 'E20 પેટ્રોલના ઉપયોગથી ઈંધણ ક્ષમતા (ફ્યુઅલ એફિશિયન્સી)માં લગભગ 2 થી 6% સુધીનો ઘટાડો આવી શકે છે.' જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે, વ્યાપક પરીક્ષણમાં એન્જિન ખરાબ થવાના કોઈ પુરાવા મળ્યા નથી. સંસદમાં આપેલા લેખિત જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, 'E20 પેટ્રોલથી વધુ સારું એક્સેલરેશન મળે છે અને E10ની સરખામણીમાં કાર્બન ઉત્સર્જનમાં આશરે 30% સુધીનો ઘટાડો આવે છે.'

100% પેટ્રોલ અને E5-E10 વિકલ્પની માગ

તહેસીન પૂનાવાલા અને તેમની સંસ્થા 'ટીમ ભારત'ની મુખ્ય માંગ છે કે ગ્રાહકોને 100% પેટ્રોલ, E5 અને E10 ઈંધણનો વિકલ્પ પણ પૂરો પાડવામાં આવે, જેથી વાહન માલિકો પોતાની જરૂરિયાત મુજબ ઈંધણ પસંદ કરી શકે.

પહેલા પણ કરી ચૂક્યા છે વિરોધ

તહેસીન પૂનાવાલાએ 5 જુલાઈના રોજ E20 પેટ્રોલ નીતિ સામે પ્રથમ જમીની પ્રદર્શન કર્યું હતું. તેમના પ્રસ્તાવિત 'ગાડી માર્ચ'ને દિલ્હી ટેક્સી એન્ડ ટ્રાન્સપોર્ટ ઓનર્સ એન્ડ ટૂર ઓપરેટર્સ એસોસિએશનનું પણ સમર્થન મળ્યું હતું. જોકે, 20 જુલાઈના રોજ વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસાના પુનરાવર્તનની આશંકાને પગલે વહીવટીતંત્રે સંસદ માર્ગ પાસે પ્રસ્તાવિત માર્ચની મંજૂરી આપી નહોતી, જેના કારણે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.