India

ભારત મુલાકાતે આવેલા પ્રિન્સ રહીમ આગા ખાન કોણ છે? સલ્તનત વગરના સુલતાનને લાખો લોકો માને છે મસીહા

By GS Team
12 Sep 20263 mins read
TukuTouch Logo
પ્રિન્સ રહીમ આગા ખાન 6 દિવસની ભારત મુલાકાતે આવ્યા છે. શિયા મુસ્લિમોના ઇસ્માઇલી સમુદાયના 50મા ઇમામ તરીકે, તેઓ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિતના ટોચના નેતાઓને મળ્યા. તેમની સંસ્થા 'આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક' (AKDN) દ્વારા ભારતમાં સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને સમાજસેવાના કાર્યોની સમીક્ષા કરવાનો તેમનો મુખ્ય હેતુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારત મુલાકાતે આવેલા પ્રિન્સ રહીમ આગા ખાન કોણ છે? સલ્તનત વગરના સુલતાનને લાખો લોકો માને છે મસીહા
AI તસવીર

Prince Rahim Aga Khan India Visit: અત્યારે નવી દિલ્હીમાં બ્રિક્સ સંમેલનને કારણે વિશ્વના મોટા દેશોના નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. દરમિયાન, એક એવી હસ્તી પણ ભારતની મુલાકાતે આવેલી છે જે કોઈ દેશના રાજા નથી, છતાં તેઓ ‘પ્રિન્સ’ છે. 'સલ્તનત વગરના સુલતાન' કહેવાતી આ હસ્તી એટલે પ્રિન્સ રહીમ આગા ખાન પંચમ. શાહી જીવનશૈલી, સામાજિક કાર્યો અને આધ્યાત્મિક પ્રભાવ માટે વિશ્વભરમાં જાણીતા પ્રિન્સ રહીમ આગા ખાનની જિંદગી ખૂબ જ રસપ્રદ છે. અમેરિકન ફેશન મોડલ સાથેના તેમના લગ્નથી લઈને લાખો લોકો માટે 'મસીહા' બનવા સુધીની તેમની સફર અને તેમની ભારત મુલાકાત વિશેની તમામ વિગતો જાણીએ.

પ્રિન્સ રહીમ આગા ખાન કોણ છે?

પ્રિન્સ રહીમ આગા ખાનનો જન્મ 12 ઓક્ટોબર 1971ના રોજ સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા શહેરમાં થયો હતો, અને તેમનું ઉચ્ચ શિક્ષણ અમેરિકામાં પૂરું થયું હતું. પેઢીઓથી ચાલ્યા આવતા શાહી વારસાને કારણે તેમને ‘પ્રિન્સ’ કહેવામાં આવે છે. તેમનું મૂળ નામ શાહ રહીમ અલ-હુસેની છે.

20260910442f.jpg

શિયા મુસ્લિમોમાં ઇસ્માઇલી સમુદાય બીજા ક્રમનો સૌથી મોટો સંપ્રદાય છે. આ સંપ્રદાય પયગંબર મુહમ્મદ સાહેબના જમાઈ ‘હઝરત અલી’ને પ્રથમ ઇમામ (ધાર્મિક વડા અને માર્ગદર્શક) માને છે. પયગંબર મુહમ્મદ સાહેબના પુત્રી ફાતિમા અને હઝરત અલીના વંશજો પરંપરાગત રીતે ઇમામ ગણાતા આવ્યા છે. એ રીતે પ્રિન્સ રહીમ આગા ખાન ઇસ્માઇલી મુસ્લિમ સમુદાયના 50મા ઇમામ છે. પિતા 'આગા ખાન ચોથા' વર્ષ 2025 માં અવસાન પામ્યા એ પછી તેમને 'પ્રિન્સ આગા ખાન પંચમ'નું બિરુદ વારસામાં મળ્યું હતું. વિશ્વભરમાં વસતા આશરે 1.5 કરોડ ઇસ્માઇલી મુસ્લિમો તેમને પોતાના માર્ગદર્શક માને છે.

ભારત મુલાકાતનું કારણ શું?

પ્રિન્સ આગા ખાન 6 દિવસ માટે ભારત આવ્યા છે. અત્યાર સુધીમાં તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અને વિદેશ મંત્રીના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી છે. તેમના પરિવારનો ભારત સાથેનો સાંસ્કૃતિક અને સામાજિક સંબંધ તેમના દાદા સુલતાન મુહમ્મદ શાહ આગા ખાનના સમયથી ચાલ્યો આવે છે. તેમના માર્ગદર્શન હેઠળ ચાલતી સંસ્થા 'આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક' (AKDN) દ્વારા ભારતના ઐતિહાસિક સ્થળોના નવીનીકરણનું સીમાચિહ્નરૂપ કામ કરવામાં આવ્યું છે, જેમાં દિલ્હીનો હુમાયુનો મકબરો, સુંદર નર્સરી અને નાગૌરના અહિચ્છત્રગઢ કિલ્લાનો સમાવેશ થાય છે. એ ઉપરાંત તેમની સંસ્થા દ્વારા સમાજસેવાના પ્રોજેક્ટ્સ પણ ચલાવવામાં આવે છે.

20260910264f.jpg

પ્રિન્સની આ મુલાકાતનો મુખ્ય હેતુ ભારતમાં ચાલી રહેલા સમાજસેવાના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવાનો અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણના કામનું મૂલ્યાંકન કરવાનો છે. ભારત સરકાર અને ઉદ્યોગ જગતના નેતાઓ સાથે તેઓ સામાજિક-આર્થિક વિકાસના મુદ્દાઓ પર પણ ચર્ચા કરી રહ્યા છે.

અમેરિકન મોડલ સાથેના લગ્ન લાંબું ન ટક્યા

પ્રિન્સ આગા ખાનનો પરિવાર અને તેમનું અંગત જીવન હંમેશા મીડિયાના આકર્ષણનું કેન્દ્ર રહ્યાં છે. વર્ષ 2013માં તેમણે પ્રખ્યાત અમેરિકન મોડલ કેન્દ્રા સ્પીયર્સ સાથે લગ્ન કર્યા હતા. કેન્દ્રા સ્પીયર્સે પ્રાદા, ચેનલ, લુઇસ વિટન અને વર્સાચે જેવી વિશ્વની સૌથી મોટી ફેશન બ્રાન્ડ્સ માટે રેમ્પ વોક કર્યું હતું. લગ્ન પછી કેન્દ્રા સ્પીયર્સે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. તેમને નવું નામ 'પ્રિન્સેસ સલવા આગા ખાન' આપવામાં આવ્યું હતું. આ દંપતીને પ્રિન્સ ઇરફાન અને પ્રિન્સ સિનાન નામના બે બાળકો છે. જોકે, ફેબ્રુઆરી 2022માં આ બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.

લોકો તેમને 'હીલર' કે મસીહા શા માટે માને છે?

ઇસ્માઇલી સમુદાય અને વિશ્વના અન્ય લોકો પ્રિન્સ આગા ખાનને આધ્યાત્મિક અને વ્યાવહારિક એમ બંને રીતે 'હીલર' (ઉપચારક) માને છે.

  • સમુદાયના લોકો માને છે કે તેમના ઇમામ પાસે દૈવી આશીર્વાદ છે, જે તેમના જીવનના દુઃખોને દૂર કરી તેમને સાચા માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે.
  • તેઓ માત્ર ધાર્મિક નેતા નથી, પરંતુ 'આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક' (AKDN) દ્વારા શિક્ષણ, આરોગ્ય અને ગ્રામીણ વિકાસ પાછળ વૈશ્વિક સ્તરે અબજો ડોલર ખર્ચે છે. જીનીવામાં રહીને તેમણે લાંબા સમય સુધી AKDNની પર્યાવરણ અને આબોહવા સમિતિનું અધ્યક્ષપદ પણ સંભાળ્યું હતું.
  • યુદ્ધગ્રસ્ત અને અત્યંત ગરીબ વિસ્તારોમાં તેમના દ્વારા ચલાવવામાં આવતી હોસ્પિટલો, શાળાઓ અને આપત્તિ રાહત કેન્દ્રો લાખો નિરાધાર લોકોના જીવનમાં મોટો સુધારો લાવી રહ્યા છે. તેમના સેવાકાર્યોને લીધે જ લોકો તેમને 'હીલર' માને છે.