વડાપ્રધાન મોદીની સંપત્તિ રૂ. 2.28 કરોડ, ચાર વર્ષમાં રૂ. 75 લાખનો વધારો

- વડાપ્રધાનની પોસ્ટમાં બચત રૂ. 4.34 લાખ, સ્ટેટ બેંકમાં રૂ. 11.30 લાખ, ફિક્સ ડિપોઝીટ 1.08 કરોડ અને 1.38 લાખના સોનાના ઘરેણાં
નવી દિલ્હી, તા. 18 સપ્ટેમ્બર 2018, મંગળવાર
દેશમાં વધુને વધુ લોકો ડિજિટલ વ્યવહારો કરે એ માટે ભારત સરકાર સતત પ્રયત્નશીલ છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેની રોકડ રકમમાં પણ ૬૭ ટકાનો ઘટાડો થયો છે.
ગયા વર્ષે તેમની પાસે રૂ. દોઢ લાખની રોકડ હતી, જે ચાલુ વર્ષે ૩૧મી માર્ચ સુધી રૂ. ૪૮,૯૪૪ થઈ ગઈ છે. વડાપ્રધાન કાર્યાલયે જાહેર કરેલી વિગતોમાં આ વાત બહાર આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંપત્તિની વિગતો આપતા આ અહેવાલમાં કહેવાયું છે કે, હાલ વડાપ્રધાન મોદીની કુલ સંપત્તિ રૂ. ૨.૨૮ કરોડ છે, જ્યારે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં તેની કુલ સંપત્તિ રૂ. ૧,૫૧,૫૭,૫૮૨ હતી. આમ ચારેક વર્ષમાં તેમની સંપત્તિમાં આશરે રૂ. ૭૫ લાખનો વધારો થયો છે.
વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાન મોદી પાસે રૂ. ૨૯ હજારની રોકડ હતી, જ્યારે ૨૦૧૮માં રૂ. આ આંકડો ૪૮,૯૪૪ છે. આ ઉપરાંત પોસ્ટમાં તેમની પાસે રૂ. ૪,૩૪,૦૩૧ની બચત હતી. હાલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં તેમના ખાતામાં કુલ રૂ. ૧૧,૨૯,૬૯૦ જમા છે. ફિક્સ ડિપોઝીટ પણ ૨૦૧૪માં રૂ. ૪૪,૨૩,૩૮૩ હતી, જે ૨૦૧૮માં વધીને રૂ. ૧,૦૭,૯૬,૨૮૮એ પહોંચી છે. વર્ષ ૨૦૦૨માં તેમણે ૩,૫૩૧.૪૫ સ્ક્વેર ફિટની સંપત્તિ ખરીદી હતી.
વડાપ્રધાન મોદી સોનાના ઘરેણાંની પણ માલિકી ધરાવે છે. તેઓ પાસે ૨૦૧૪માં રૂ. ૧.૩૫ લાખના દાગીના હતા, જ્યારે ૨૦૧૮માં તેમની પાસે રૂ. ૧.૩૮ લાખના ઘરેણાં છે. જોકે, વડાપ્રધાન બન્યા પછી તેમણે ક્યારેય સોનું ખરીદ્યું નથી અને તેમની માલિકીનું કોઈ વાહન પણ નથી. ૨૦૧૪માં વ્યાજના રૂપમાં તેમને કુલ રૂ. ૧,૧૫,૪૬૮ મળ્યા હતા, જ્યારે ૨૦૧૮માં રૂ. ૧,૫૯,૨૮૧ એલઆઈસીના રૂપમાં છે.




