India

સગીર બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધની તૈયારી, સરકારે સુપ્રીમ કોર્ટમાં આપી માહિતી

By GS Team
29 Sep 20263 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે, 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવતા રોકવા IT નિયમોમાં ફેરફાર કરાશે. 'જસ્ટ રાઈટ્સ ફોર ચિલ્ડ્રન અલાયન્સ' NGOની અરજી પર કેન્દ્રએ બાળકોની ઓનલાઈન સુરક્ષા અને ડેટા દુરુપયોગના જોખમોને ધ્યાને રાખી આ પગલું ભરવાનું નક્કી કર્યું છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે, આ માટે કાયદાકીય જોગવાઈ કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સગીર બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધની તૈયારી, સરકારે સુપ્રીમ કોર્ટમાં આપી માહિતી

Social Media Ban For Under 18 Proposed: બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગને લઈને કેન્દ્ર સરકાર હવે મોટું પગલું ભરવાની તૈયારીમાં છે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે, તે ઈન્ફોર્મેશન ટેકનોલોજીના ઈન્ટરમિડિયરી ગાઈડલાઈન્સ એન્ડ ડિજીટલ મીડિયા એથિક્સ કોડ (Intermediary Guidelines and Digital Media Ethics Code) રૂલ્સમાં ફેરફાર કરવા અંગે વિચારણા કરી રહી છે. જેના હેઠળ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનું એકાઉન્ટ બનાવતા રોકી શકાય છે. આ મામલો બાળકોની ઓનલાઈન સુરક્ષા સાથે જોડાયેલી એક અરજીની સુનાવણી દરમિયાન સામે આવ્યો. આ અરજી જસ્ટ રાઈટ્સ ફોર ચિલ્ડ્રન અલાઈન્સ (Just Rights for Children Alliance નામની NGO દ્વારા દાખલ કરવામાં આવી છે. સંસ્થાએ બાળકોના ડિજિટલ પ્લેટફોર્મ ઉપયોગ કરવા સાથે જોડાયેલા ઘણા સંભવિત જોખમો અંગે ચિંતા વ્યક્ત કરી છે.

18 વર્ષથી ઓછી ઉંમરના લોકોના એકાઉન્ટ પર રોકની તૈયારી

સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર તરફથી રજૂ થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે, સરકાર સોશિયલ મીડિયા ઈન્ટરમિડિયરી (Social Media Intermediaries) માટે એવી વ્યવસ્થા લાગુ કરવા તરફ આગળ વધશે, જેનાથી 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો આ પ્લેટફોર્મ પર એકાઉન્ટ બનાવી ન શકે. કોર્ટની સુનાવણી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સૂર્યા કાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચી તથા વી. મોહનાની બેંચ સમક્ષ થઈ હતી. સુનાવણી દરમિયાન એ મુદ્દો પણ ઉઠ્યો કે, સગીરો અને સોશિયલ મીડિયા કંપનીઓ વચ્ચે થતા આવા કરારોની કાનૂની સ્થિતિ શું છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું કે, સગીરો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા પરની રોકને માત્ર ગાઈડલાઈન સુધી સિમિત રાખવાને બદલે કાયદા કે નિયમોમાં સ્પષ્ટપણે સામેલ કરવી જોઈએ. આનાથી સોશિયલ મીડિયા કંપનીઓ માટે તેનું પાલન કરવું ફરજિયાત બનશે.

એજ્યુકેશનલ વેબસાઈટ્સ માટે અલગ વ્યવસ્થા

સુનાવણી દરમિયાન તુષાર મહેતાએ એ પણ કહ્યું કે, એજ્યુકેશનલ વેબસાઈટ્સની મેમ્બરશિપ માતા-પિતાની સંમતિથી લઈ શકાય છે. એટલે કે, પ્રસ્તાવિત વ્યવસ્થાનું ફોકસ ખાસ કરીને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રહેશે, જ્યારે શિક્ષણ સાથે જોડાયેલા ઓનલાઈન પ્લેટફોર્મ માટે પેરન્ટલ કન્સેન્ટ (વાલીઓની મંજૂરી) નો રસ્તો રાખી શકાય છે.

કોર્ટે ભારતીય કાયદા મુજબ ટેકનોલોજી બદલવાની વાત કહી

સુનાવણી દરમિયાન જસ્ટિસ જોયમાલ્ય બાગચી એ વાત પર સવાલ ઉઠાવ્યો કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ભારતમાં કામ કરતી વખતે બીજા દેશોમાં લાગુ ઉંમર સંબંધિત નિયમોનો ઉપયોગ કઈ રીતે કરી રહ્યા છે. કોર્ટે સરકારને એ પણ વિચારવા કહ્યું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પોતાની ટેકનોલોજી અને સોફ્ટવેરને ભારતીય કાયદા મુજબ બનાવે. આનો અર્થ એ થશે કે, માત્ર નિયમ બનાવવો જ પૂરતો નથી, પરંતુ પ્લેટફોર્મના સિસ્ટમમાં પણ એવી વ્યવસ્થા હોય જેનાથી નક્કી કરેલી ઉંમરથી નાના લોકો એકાઉન્ટ રજીસ્ટર ન કરી શકે. સોલિસિટર જનરલે કોર્ટને ખાતરી આપી કે, સોશિયલ મીડિયા મધ્યસ્થીઓએ ભારતીય કાયદાનું પાલન કરવું પડશે. તેમણે કહ્યું કે આ દિશામાં કેટલાક પગલાં ભરી શકાય છે, અને સરકાર આના પર કાર્યવાહી કરશે.

બાળકોની ઓનલાઈન સુરક્ષાનો મુદ્દો શા માટે ઉઠ્યો?

અરજી દાખલ કરનાર NGOએ બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગ સાથે જોડાયેલા ઘણા સંભવિત જોખમોનો મુદ્દો ઉઠાવ્યો છે. જેમાં ઓનલાઈન ગ્રૂમિંગ, જાતીય શોષણ, માનવ તસ્કરી, બાળકોની ઓનલાઈન પ્રવૃત્તિઓના આધારે વ્યવહાર સંબંધિત પ્રોફાઈલિંગ, વ્યક્તિગત ડેટાનો દુરુપયોગ, સાયબર બુલિંગ અને ઉંમર મુજબ અયોગ્ય કન્ટેન્ટ સુધી પહોંચ સામેલ છે. અરજીકર્તાનું કહેવું છે કે, બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવાની ઉંમર સાથે જોડાયેલા નિયમોને લાગુ કરવાનો કોઈ અસરકારક અને સમાન રસ્તો ન હોવાથી તેમની ઓનલાઈન સુરક્ષા પ્રભાવિત થઈ શકે છે.

હવે આગળ શું થશે?

હાલમાં 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રોક લગાવવાની વાત પ્રસ્તાવિત કાનૂની ફેરફાર તરીકે સામે આવી છે. કેન્દ્રે સુપ્રીમ કોર્ટમાં નિયમોમાં ફેરફાર કરીને આ પ્રકારના પ્રતિબંધને કાનૂની આધાર આપવાની વાત કહી છે. જો આ ફેરફાર લાગુ થાય છે, તો સોશિયલ મીડિયા કંપનીઓ માટે સગીરોને એકાઉન્ટ રજીસ્ટર કરતા રોકવાની જવાબદારી નક્કી થઈ શકે છે. આના માટે ઉંમરની ચકાસણી એટલે કે, એજ વેરિફિકેશન જેવી ટેકનિકલ વ્યવસ્થા પણ જરૂરી બની શકે છે. મામલો હજુ કાનૂની પ્રક્રિયા હેઠળ છે, અને આગળ કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત નિયમો અને સુપ્રીમ કોર્ટના નિર્દેશોના આધારે સ્થિતિ સ્પષ્ટ થશે.