India

સીમાંકન બિલ પર ઘમાસાણની તૈયારી: સંસદ સત્ર માટે સત્તા પક્ષ અને વિપક્ષે સાંસદોને જારી કર્યું વ્હિપ

By GS Team
29 Nov 20262 mins read
TukuTouch Logo
સંસદના વિશેષ સત્ર પહેલાં રાજકીય માહોલ ગરમાયો છે. કેન્દ્ર સરકાર 30 નવેમ્બરથી શરૂ થતા સત્રમાં 3 મહત્વપૂર્ણ બિલ રજૂ કરશે. 'બંધારણ (131મો સુધારો) બિલ, 2026', 'સીમાંકન (બીજું) બિલ, 2026' અને 'કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા (સુધારો) (બીજું) બિલ, 2026' પર તીખી ચર્ચા થશે. સત્તાધારી અને વિપક્ષ બંનેએ પોતાના સાંસદોને ગૃહમાં ફરજિયાત હાજર રહેવા માટે '3-લાઈન વ્હિપ' જારી કર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સીમાંકન બિલ પર ઘમાસાણની તૈયારી: સંસદ સત્ર માટે સત્તા પક્ષ અને વિપક્ષે સાંસદોને જારી કર્યું વ્હિપ

Parliament Special Session 2026 : સંસદના વિશેષ સત્ર પહેલાં દેશનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. કેન્દ્ર સરકાર 30 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સત્રમાં ત્રણ મહત્ત્વપૂર્ણ બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે, જેના પગલે સત્તા પક્ષ અને વિપક્ષ બંનેએ પોતાના લોકસભા સાંસદોને ગૃહમાં ફરજિયાત હાજર રહેવા માટે '3-લાઈન વ્હિપ' જારી કર્યું છે. આ સત્રમાં ‘બંધારણ (131મો સુધારો) બિલ, 2026’, ‘સીમાંકન (બીજું) બિલ, 2026’ અને ‘કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા (સુધારો) (બીજું) બિલ, 2026’ રજૂ થવાના છે, જેના પર તીખી ચર્ચા થવાની પૂરી શક્યતા છે.

વિપક્ષની એકજૂટતા: કોંગ્રેસ, સપા અને AAP સહિતના પક્ષોએ જારી કર્યા આદેશ

સરકારના આ બિલોનો વિરોધ કરવા માટે વિપક્ષી દળોએ કમર કસી છે. કોંગ્રેસના મુખ્ય દંડક કે. સુરેશ અને આમ આદમી પાર્ટી (AAP)ના રાજકુમાર ચબ્બેવાલે પોતાના સાંસદોને 30 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ગૃહમાં હાજર રહેવા વ્હિપ જારી કર્યું છે. સમાજવાદી પાર્ટીના ધર્મેન્દ્ર યાદવે પણ તમામ સાંસદોને સત્ર દરમિયાન હાજર રહીને ત્રણેય બિલ વિરુદ્ધ મતદાન કરવા સૂચના આપી છે. આ ઉપરાંત, શિવસેના (UBT)એ 29 નવેમ્બરની સાંજે રણનીતિ ઘડવા બેઠક બોલાવી છે, જ્યારે NCP (શરદ પવાર)ના સાંસદ અમોલ કોલ્હેએ પણ પક્ષના સાંસદોને ગૃહમાં હાજર રહેવા વ્હિપ જારી કર્યું છે.

સરકારના સમર્થનમાં JDU અને LJP, 370થી વધુ સાંસદોના સમર્થનનો દાવો

બીજી તરફ, સત્તાધારી ગઠબંધનના સહયોગી પક્ષો પણ સંપૂર્ણ એલર્ટ મોડમાં છે. જનતા દળ (યુનાઇટેડ) એટલે કે JDUએ 30 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી અને લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)એ પોતાના 5 સાંસદોને ગૃહમાં હાજર રહી સરકારનું સમર્થન કરવા '3-લાઈન વ્હિપ' જારી કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકસભામાં સરકાર પાસે 370થી વધુ સાંસદોનું સમર્થન છે, જેના આધારે સરકાર આ ત્રણેય મહત્ત્વપૂર્ણ બિલ સરળતાથી પસાર કરાવવા માટે સજ્જ છે.