યોગી અને ભાજપ હાઈકમાન્ડ વચ્ચે 'પાવર'ની લડાઈ!, રામ મંદિર દાન ચોરી મામલે અખિલેશ યાદવનો આરોપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Akhilesh Yadav Slams BJP Govt Over Ram Mandir Donation : સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સોમવારે ભારતીય જનતા પાર્ટી પર પરોક્ષ રીતે આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, રામ મંદિરના કથિત દાન ચોરી કેસની તપાસ સીબીઆઈ (CBI) જેવી કેન્દ્રીય એજન્સીઓના બદલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને સોંપવામાં આવી છે, કારણ કે પક્ષની અંદર 'આંતરિક સત્તા સંઘર્ષ' ચાલી રહ્યો છે.
તેમની પાસે સત્તાના બે કેન્દ્રો
અખિલેશ યાદવે ભાજપનું નામ લીધા વિના સંકેત આપ્યો કે, તેની પાસે સત્તાના બે કેન્દ્રો છે, એક લખનૌમાં અને બીજું દિલ્હીમાં. તેમણે આરોપ લગાવ્યો કે, તપાસ સંભાળવાની રીત આ આંતરિક પ્રતિદ્વંદ્વિત્તાથી પ્રભાવિત હતી.
આ લોકો જનતાના આક્રોશથી ડરેલા છે
અખિલેશે કહ્યું કે, 'ચઢાવા, દાન અને યોગદાન ચોરોના એક ટોળકીના હાથમાં આવી ગયું છે. તેઓ જનતાના ગુસ્સાનો સામનો કરવાની હિંમત નથી જુટાવી શકતા. જેમ તમે ઉલ્લેખ કર્યો છે તેમ, તેઓ જનતાના આક્રોશથી ડરેલા છે, જેના કારણે તેઓ ઘરોની અંદર છુપાયેલા છે.'
SIT શું છે? તેનો રિપોર્ટ કોને સોંપવામાં આવ્યો?
જ્યારે પત્રકારોએ ઈડી (ED), સીબીઆઈ (CBI) અને આવકવેરા (ઇન્કમ ટેક્સ) વિભાગ જેવી કેન્દ્રીય એજન્સીઓનો ઉલ્લેખ કર્યો, ત્યારે અખિલેશ યાદવે પોતાની વાતને વધુ વિગતવાર સમજાવતા કહ્યું કે, 'તમે ED, CBI અને ઇન્કમ ટેક્સ સાથે જોડાયેલી વાતને બરાબર સમજ્યા નથી. હું સત્તા સંઘર્ષની વાત કરી રહ્યો હતો. જો ED, CBI કે ઇન્કમ ટેક્સ આમાં સામેલ હોત, તો તપાસની કમાન કોના હાથમાં હોત? દિલ્હી નેતૃત્વ કોઈ પણ પગલું ભરે, તે પહેલા લખનૌ જૂથે બધું પોતાના નિયંત્રણમાં લઈ લીધું. શું તમે આટલી નાની વાત પણ નથી સમજી શકતા? આ SIT શું છે? તેનો અહેવાલ કોને સોંપવામાં આવ્યો? તમે આ સાદા સત્યને પણ સમજી શકતા નથી.'
પૈસા જોઈને આ લોકો ભાન ભૂલ્યા
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ આગળ આરોપ લગાવ્યો કે, 'તપાસ એજન્સીની પસંદગી સત્તાધારી પક્ષની અંદરના આંતરિક રાજકીય સમીકરણો દર્શાવે છે. પૈસા જોઈને લોકો સંપૂર્ણપણે પોતાનું ભાન ભૂલી ગયા છે. અમારું માનવું છે કે, જે કોઈ પણ ભગવાન રામના જીવનનો અભ્યાસ કરે છે, તે 'લક્ષ્મણ રેખા' વિશે જાણે છે, છતાં અહીં દરેક વ્યક્તિએ 'મર્યાદા'ની સીમાઓ ઓળંગી દીધી છે.'
ભાજપનો પલટવાર
આ દરમિયાન, રામ મંદિર દાન વિવાદને લઈને ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર પર સતત થઈ રહેલા હુમલાઓ અંગે ભાજપે સપા પ્રમુખ પર આકરો પલટવાર કર્યો છે. અખિલેશ યાદવની ટીકાનો જવાબ આપતા ડેપ્યૂટી સીએમ (ઉપમુખ્યમંત્રી) બ્રજેશ પાઠકે આ ઘટનાને અત્યંત કમનસીબ ગણાવી હતી, પરંતુ સાથે જ વિપક્ષી પક્ષો પર લોકોની આસ્થા સાથે જોડાયેલા આ મુદ્દા પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો.
આ ઘટના અત્યંત કમનસીબ
બ્રજેશ પાઠકે કહ્યું, 'આ ઘટના અત્યંત કમનસીબ છે. જોકે, આ દેશના લોકો અને સનાતન ધર્મના દરેક અનુયાયી જાણે છે કે, સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે હંમેશા રામ મંદિરનો વિરોધ કર્યો છે. તેઓ તો એવો પણ દાવો કરતા હતા કે, ભગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો હતો કે નહીં તે પણ નક્કી નથી. તેમણે સુપ્રીમ કોર્ટ સમક્ષ પણ દલીલ કરી હતી કે, રામલલાનું જન્મસ્થળ સાબિત થયું નથી.'
ઉપમુખ્યમંત્રીએ આગળ દાવો કર્યો કે, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને આ મુદ્દે સવાલ ઉઠાવવાનો કોઈ અધિકાર નથી. તેમણે કહ્યું કે આ પક્ષોએ ભગવાન રામ વિરુદ્ધ અનેક ટિપ્પણીઓ કરી છે, જેને ભગવાન રામ ક્યારેય નહીં ભૂલે અને તેમણે પોતાના નિવેદનોનું પરિણામ ભોગવવું પડશે.









