‘વિચિત્ર હેરસ્ટાઈલવાળા વિદ્યાર્થીઓને...’ મહિલા મંત્રીના વિવાદાસ્પદ નિવેદનથી રાજકારણ ગરમાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Tamil Nadu News : તમિલનાડુ સરકારના મહિલા મંત્રી જગદીશ્વરીના એક વિવાદાસ્પદ નિવેદનથી રાજ્યના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે. વિરુધુનગર જિલ્લાના એક સરકારી પ્રાથમિક શાળાના કાર્યક્રમમાં પહોંચેલા મંત્રીએ સ્કૂલના બાળકોના વિચિત્ર હેરસ્ટાઇલ સામે સખત વાંધો ઉઠાવ્યો હતો અને આવા વિદ્યાર્થીઓનું માથું સંપૂર્ણ મુંડાવી દેવા સલાહ આપી હતી.
વિદ્યાર્થીઓ ગુંડા જેવા દેખાય છે: મંત્રી
વિરુધુનગર જિલ્લા કલેક્ટર સરન્યા અરી અને સાથી મંત્રી વન્નિયારાસુની હાજરીમાં બોલતા મંત્રી જગદીશ્વરીએ વિદ્યાર્થીઓના પર્સનલ લુક અને ફેશન પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આજકાલના બાળકો એવા અજીબોગરીબ હેરસ્ટાઇલ રાખે છે કે જેથી તેઓ શાળાએ જતા વિદ્યાર્થી જેવા નહીં પણ ગુંડા-બદમાશ જેવા દેખાય છે. બાળકોનું વર્તન અને દેખાવ શિસ્તબદ્ધ હોવા જરૂરી છે.
વાળ સરખા ન હોય તો માથું મુંડાવી દો
પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરતા મંત્રીએ જણાવ્યું હતું કે તેઓ વિદ્યાર્થીઓને પોતાના બાળકો સમજીને આ વાત કહી રહ્યા છે. જો કોઈ બાળક યોગ્ય અને મર્યાદિત હેરસ્ટાઇલ ન રાખે, તો તેનું માથું સાવ ટકો કરી દેવું જોઈએ જેથી તેઓ ભવિષ્યમાં યોગ્ય રીતે વાળ કપાવે.
માતા-પિતાની જવાબદારી પર ઉઠાવ્યા સવાલ
બાળકોમાં શિસ્તના અભાવ પાછળ માતા-પિતા પણ જવાબદાર હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમના મતે ઘરમાંથી જ અનુશાસનહીનતાની શરૂઆત થાય છે, કારણ કે વાલીઓ જ બાળકોને નાની ઉંમરે અતિશય મોર્ડન ફેશન અને છૂટછાટ આપતા હોય છે.
સાથી મંત્રીઓએ કર્યો બચાવ
વિવાદ વધતાં તમિલનાડુ સરકારના અન્ય મંત્રીઓએ જગદીશ્વરીના નિવેદનનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે મંત્રીના નિવેદનમાં કોઈ દુર્ભાવના નથી પરંતુ એક માતાનો પ્રેમ અને વિદ્યાર્થીઓમાં શિસ્ત લાવવાની સાચી ચિંતા છે, તેથી લોકોએ તેમના નિવેદનનો ખોટો અર્થ ન કાઢવો જોઈએ.




