‘પ્રધાનને હટાવીને PMને બચાવાયા, વર્તમાનમાં ઇમરજન્સી કરતાં પણ ખરાબ સ્થિતિ’ સંસદમાં અખિલેશના પ્રહાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Akhilesh Yadav On PM Modi : લોકસભામાં પેપર લીક અંગે રજૂ કરવામાં આવેલા સુધારા વિધેયક પર ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કન્નૌજના સાંસદ અખિલેશ યાદવે શિક્ષણ વ્યવસ્થા, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) અને દેશમાં સતત થઈ રહેલી પરીક્ષાઓના પેપર લીકના મુદ્દે સરકારની દાનત સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
રામ મંદિર અને પેપર લીક મુદ્દે સરકાર પર અખિલેશના પ્રહાર
અખિલેશ યાદવે સંસદમાં તીખો સવાલ કરતાં કહ્યું કે, 'જે લોકો રામ મંદિરમાં ચઢાવાની ચોરી નથી રોકી શક્યા, તે પેપર લીક (NTA Paper Leak) કેવી રીતે રોકી શકશે?' તેમણે આરોપ લગાવ્યો કે, સરકારની દાનત શિક્ષણ સુધારવાની બિલકુલ નથી. તેમણે ઉમેર્યું કે ધાર્મિક સ્થળો પર ગુપ્ત દાનની પણ ચોરી થઈ રહી છે અને આવી બાબતો માટે ભગવાન પણ માફ નહીં કરે.
પ્રાથમિક શાળાઓ બંધ કરવાનો અને NTA પર આરોપ
તેમણે દાવો કર્યો કે, સરકારી આંકડા મુજબ 1 લાખથી વધુ પ્રાથમિક શાળાઓ બંધ કરી દેવામાં આવી છે, જેથી દલિત અને પછાત વર્ગના બાળકો આગળ ન વધી શકે. NTA અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મહત્ત્વની સંસ્થાઓમાં આઉટસોર્સિંગ કરવામાં આવી રહ્યું છે, જે ખૂબ જ જોખમી છે. તેમણે સવાલ કર્યો કે NTAમાંથી જે લોકોને હટાવવામાં આવ્યા છે તે કોણ હતા અને તેમની નિમણૂક કેવી રીતે થઈ હતી તેની સ્પષ્ટતા સરકારે કરવી જોઈએ.
NEET પીડિતો માટે 1 કરોડ રૂપિયાના વળતરની માંગ
NEET પેપર લીક વિવાદમાં કેટલાક વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કરતાં અખિલેશ યાદવે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે મૃતક બાળકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને માંગ કરી હતી કે 'સરકારે પીડિત બાળકોના દરેક પરિવારને 1-1 કરોડ રૂપિયાનું વળતર આપવું જોઈએ.'
ઇમરજન્સી કરતાં પણ ખરાબ સ્થિતિનો દાવો
દેશની વર્તમાન પરિસ્થિતિની સરખામણી ઇમરજન્સી સાથે કરતાં તેમણે કહ્યું કે, આજનો અન્યાય ઇમરજન્સી કરતાં પણ વધુ ખતરનાક છે. તેમણે આરોપ લગાવ્યો કે યુવા આંદોલનોને દબાવવા માટે આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે. આ સાથે તેમણે ઉત્તર પ્રદેશ સરકાર પર મૌલાના જૌહર યુનિવર્સિટીને તોડી પાડવાનો પ્રયાસ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.
‘પ્રધાનને હટાવીને વડાપ્રધાનને બચાવી લીધા’
શિક્ષણ પ્રધાનના મુદ્દે કટાક્ષ કરતાં અખિલેશ યાદવે કહ્યું કે 'સરકારે એક પ્રધાનને હટાવીને વડાપ્રધાનને બચાવી લીધા છે.' તેમણે યુવાનોની તાકાતના વખાણ કરતાં કહ્યું કે દેશની નવી પેઢીએ સાબિત કરી દીધું છે કે અહંકારી સરકારને પણ ઝુકાવી શકાય છે. જો શિક્ષણ સાચું હશે તો જ દેશની પ્રગતિ ચોક્કસ થશે.









