Get The App

નરેન્દ્ર મોદી સૌથી લાંબો સમય સરકાર ચલાવનારા નેતા બન્યા, 8931 દિવસ પૂર્ણ કર્યા, પવન ચામલિંગને પણ પાછળ છોડ્યા

Updated: Mar 22nd, 2026

GS TEAM

Google News
Google News
નરેન્દ્ર મોદી સૌથી લાંબો સમય સરકાર ચલાવનારા નેતા બન્યા, 8931 દિવસ પૂર્ણ કર્યા, પવન ચામલિંગને પણ પાછળ છોડ્યા 1 - image

PM Modi Record : ભારતના રાજકીય ઇતિહાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે દેશમાં સૌથી લાંબા સમય સુધી સરકારના વડા તરીકે સેવા આપનારા નેતા બની ગયા છે. તેમણે સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગનો 8,930 દિવસનો રેકોર્ડ તોડીને આ સિદ્ધિ હાંસલ કરી છે. પીએમ મોદીના નામે હવે સરકારના વડા તરીકે કુલ 8,931 દિવસ નોંધાયા છે, જે એક મોટું માઇલસ્ટોન માનવામાં આવે છે.

ગુજરાતથી શરૂ થઇ સફર

પીએમ મોદીની આ યાત્રા 7 ઓક્ટોબર 2001ના રોજ શરૂ થઈ હતી, જ્યારે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. વર્ષ 2001 થી 2014 સુધી સતત ગુજરાતની કમાન સંભાળી. આ દરમિયાન રાજ્યમાં અનેક ચૂંટણીઓ આવી, પરંતુ તેઓ ક્યારેય હાર્યા નહીં. 2014માં ઐતિહાસિક જીત સાથે વડાપ્રધાન પદ સંભાળ્યું અને ત્યારબાદ 2019 અને 2024માં પણ સતત જનસમર્થન મેળવીને સત્તા પર યથાવત રહ્યા.

આ પણ વાંચો : 24 કેરેટ ગોલ્ડ કોઈન પર ચમકશે ટ્રમ્પસ, કાયદાકીય વિવાદો વચ્ચે અમેરિકાના સ્થાપના દિવસે કરાશે લૉન્ચ

પડકારો વચ્ચે ઘડાયેલું નેતૃત્વ

પીએમ મોદીએ પોતાના સંઘર્ષના દિવસો યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું કે જ્યારે તેમણે 2001માં ગુજરાતની જવાબદારી સંભાળી ત્યારે રાજ્ય ભૂકંપ, વાવાઝોડું અને દુષ્કાળ જેવી કુદરતી આફતો તેમજ રાજકીય અસ્થિરતા સામે ઝઝૂમી રહ્યું હતું. આ પડકારોએ જ તેમને મજબૂત બનાવ્યા. તેમણે પોતાની માતાની શીખને યાદ કરતા કહ્યું કે, "ગરીબો માટે કામ કરવું અને ક્યારેય લાંચ ન લેવી" એ જ તેમના જીવનનો માર્ગદર્શક સિદ્ધાંત રહ્યો છે.

11 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીરેખાથી બહાર

વડાપ્રધાન તરીકેના પોતાના કાર્યકાળના રિપોર્ટ કાર્ડ અંગે તેમણે દાવો કર્યો કે, છેલ્લા 11 વર્ષમાં દેશના 25 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. ભારત આજે વિશ્વની મજબૂત અર્થવ્યવસ્થાઓમાં સ્થાન પામ્યું છે. તેમણે નારી શક્તિ, યુવા શક્તિ અને ખેડૂતોના સશક્તિકરણને વિકસિત ભારતના લક્ષ્ય માટે અનિવાર્ય ગણાવ્યા હતા.

અમિત શાહ અને રાજનાથ સિંહે પાઠવ્યા અભિનંદન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ઉપલબ્ધિને નવા ભારતના નિર્માણની પાયાની ઈંટ ગણાવી હતી. તેમણે કહ્યું કે, પીએમ મોદી છેલ્લા 24 વર્ષથી એક પણ રજા લીધા વિના દેશની સેવા કરી રહ્યા છે. બીજી તરફ, રક્ષામંત્રી રાજનાથ સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, આ રેકોર્ડ પીએમ મોદીની નેશન ફર્સ્ટની વિચારધારા અને પ્રામાણિકતાનું પ્રતીક છે.