India

VIDEO | 'હું હનુમાન ચાલીસાના પાઠ કરતો રહ્યો': PM મોદી સાથે વાતચીતમાં ભાવુક થયા પાઈલટ સ્મિત મચ્છર

By GS Team
2 Oct 20262 mins read
TukuTouch Logo
વડાપ્રધાન મોદીએ ફ્લાયદુબઈ ઘટનામાં 174થી વધુ લોકોના જીવ બચાવનાર ગુજરાતી પાઈલટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વીડિયો કોલ પર વાત કરી. PM મોદીએ તેમના સાહસની પ્રશંસા કરી અને ઝડપથી સ્વસ્થ થવા પ્રાર્થના કરી. સ્મિતે હુમલાની ભયાનક પળો યાદ કરતા કહ્યું કે, "હું હનુમાન ચાલીસા બોલી રહ્યો હતો અને હનુમાનજીએ જ અમને બચાવ્યા." પીએમ મોદીએ કહ્યું કે, "હિન્દુસ્તાનીઓ જીવ લેતા નથી, જીવ બચાવે છે."

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO | 'હું હનુમાન ચાલીસાના પાઠ કરતો રહ્યો': PM મોદી સાથે વાતચીતમાં ભાવુક થયા પાઈલટ સ્મિત મચ્છર

PM Modi Speaks to Hero Pilot Captain Smit Machchhar Over FlyDubai Incident | દુબઈથી ઈઝરાયલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં કો-પાઈલટે કરેલા ઘાતક હુમલા અને વિમાન ક્રેશ કરવાના પ્રયાસ વચ્ચે અડિખમ ઊભા રહીને 174થી વધુ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની જિંદગી બચાવનાર ભારતીય પાઈલટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વીડિયો કોલ પર વાતચીત કરી હતી.

વડાપ્રધાન મોદીએ સ્મિતના સાહસની પ્રશંસા કરી
વડાપ્રધાને આ ગુજરાતી પાઈલટના સાહસ અને સમયસૂચકતાની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. તેમજ તેઓ ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી. આ વાતચીત દરમિયાન કેપ્ટન સ્મિત અત્યંત ભાવુક થઈ ગયા હતા.

હુમલા બાદ હું નીચે ઢળી પડ્યો હતો, હનુમાન ચાલીસા બોલી રહ્યો હતો: સ્મિત મચ્છર

ઘટનાની ભયાનક પળોને યાદ કરતાં કેપ્ટન સ્મિત મચ્છરે પીએમ મોદીને જણાવ્યું કે, હું નીચે ઢળી પડ્યો હતો પણ મને એમ હતું કે હું લોકોને મરવા ના દઈ શકું. તે સમયે પણ હું હનુમાન ચાલીસા બોલી રહ્યો હતો અને હનુમાનજીએ જ અમને બચાવ્યા.

ગંભીર રીતે છરીના ઘા વાગ્યા હોવા છતાં, કેપ્ટન સ્મિતે પોતાની જિંદગીની પરવા કર્યા વિના કોકપિટનો દરવાજો ખોલીને મુસાફરોને મદદ માટે બોલાવ્યા હતા અને સંભવિત પ્લેન ક્રેશનું મોટું ષડયંત્ર નિષ્ફળ બનાવ્યું હતું.

હિન્દુસ્તાનીઓ જીવ લેતા નથી, જીવ બચાવે છે": પીએમ મોદી

વડાપ્રધાન મોદીએ કેપ્ટન સ્મિતની બહાદુરીને બિરદાવતા કહ્યું કે તમે આટલા લોકોના જીવ બચાવ્યા. આજે આખો દેશ ગર્વ લઈ રહ્યો છે કે અમે જીવ લેતા નથી, લોકોના જીવ બચાવીએ છીએ. પોતે ઈજાગ્રસ્ત થયા છતાં તમે પોતાની ચિંતા ના કરી અને મુસાફરોના જીવની ચિંતા કરી છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, હું તમારી માતાને પ્રણામ કરું છું કે તેમણે તમને આવા સંસ્કાર આપ્યા. સાવરકુંડલા અને વઢવાણમાં પણ અત્યારે ભાવુક માહોલ છે, દેશના મંદિરોમાં લોકો તમારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.

આ સિવાય પીએમ મોદીએ સાઉદી અરેબિયા સરકાર અને યુએઈ સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

જો આવું ન થયું હોત તો ભારતીય પાઈલટ્સ પર શું વીતત?

વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, જો તમે લોકોના જીવ બચાવ્યા ન હોત તો વિચારો કે ભારત પર શું વીતી હોત અને ભારતના તમામ પાઈલટ પર શું વીતી હોત? તમે બધાને બચાવ્યા અને તેથી હું તમારો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

'જય શ્રી કૃષ્ણ… ગુજરાતીમાં વાત કરી લઈએ?'

વાતચીતના અંતે વડાપ્રધાને કેપ્ટન સ્મિત અને તેમના પરિવાર અને બાળકો વિશે પૂછપરછ કરી. તેમણે કહ્યું કે, 'જય શ્રી કૃષ્ણ… ગુજરાતીમાં વાત કરી લઈએ? બાળકોને મળ્યા કે નહીં? ડૉક્ટરોએ મળવા દીધા કે નહીં? ગુજરાતી બોલો છો કે નહીં?

ઉલ્લેખનીય છે કે કેપ્ટન સ્મિત મચ્છરને શરૂઆતમાં સાઉદી અરેબિયાના તબુકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી અને ત્યારબાદ વધુ તબીબી સારવાર તથા રિકવરી માટે અબુધાબી શિફ્ટ કરવામાં આવ્યા છે.