Business

Explainer: વૈશ્વિક શેર બજારોમાં તેજી, પરંતુ ભારતનું માર્કેટ હાંફી રહ્યું છે... જાણો 5 મુખ્ય કારણ

By GS Team
2 Oct 20264 mins read
TukuTouch Logo
વૈશ્વિક બજારોમાં તેજી છતાં ભારતીય શેરબજારમાં રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાઈ રહ્યા છે. AI ક્રાંતિમાં ભારત માત્ર 'યુઝર' હોવાથી વિદેશી રોકાણકારો 'Sell India, Buy South Korea' ટ્રેન્ડ અપનાવી રહ્યા છે. રૂપિયાના કડાકા, FIIsની વેચવાલી, ક્રૂડના ભાવવધારાથી ફુગાવો અને US ટ્રેઝરી યીલ્ડમાં વધારો ભારતીય બજારના ઘટાડાના મુખ્ય કારણો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: વૈશ્વિક શેર બજારોમાં તેજી, પરંતુ ભારતનું માર્કેટ હાંફી રહ્યું છે... જાણો 5 મુખ્ય કારણ
AI તસવીર

Why India's Market is Falling While Global Stocks Rise: વિશ્વભરના શેરબજારો અત્યારે ઐતિહાસિક તેજીના માર્ગે આગળ વધી રહ્યા છે. ખાસ કરીને જાપાન અને દક્ષિણ કોરિયા જેવા એશિયન દેશોના રોકાણકારો જંગી નફો કમાઈ રહ્યા છે, તો બીજી તરફ અમેરિકન બજારો પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) અને ટૅક્નોલૉજી ક્ષેત્રની કંપનીઓના સહારે નવી ઊંચાઈઓ સ્પર્શી રહ્યા છે. જો કે, આ વૈશ્વિક ઉત્સાહ વચ્ચે ભારતીય શેરબજારના રોકાણકારો માટે ભારે નિરાશાનો માહોલ છે. વિદેશી બજારો રોકાણકારોની સંપત્તિમાં વધારો કરી રહ્યા છે, તો ભારતના સેન્સેક્સ અને નિફ્ટી સતત તૂટી રહ્યા છે અને રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાઈ રહ્યા છે.

વૈશ્વિક બજારોનો દબદબો: જાપાન, કોરિયા અને અમેરિકામાં ધૂમ તેજી

છેલ્લા બે વર્ષના આંકડા પર નજર કરીએ તો વૈશ્વિક બજારોએ રોકાણકારોને ઉત્કૃષ્ટ વળતર આપ્યું છે. જેમ કે…

  • અમેરિકા(Nasdaq & S&P 500): ટેક-ઓરિએન્ટેડ Nasdaq ઇન્ડેક્સ 18,120થી વધીને 27,068 (106%નો ઉછાળો) થયો છે, જ્યારે S&P 500 ઇન્ડેક્સ 5,738થી વધીને 7,743(35%નો વધારો) સુધી પહોંચ્યો છે.
  • જાપાન (Nikkei 225): ઇન્ડેક્સ 39,829થી કૂદકો મારીને 67,034ની સપાટીએ પહોંચ્યો (68.30%નો વધારો).
  • દક્ષિણ કોરિયા (KOSPI): ઇન્ડેક્સ 2,650થી વધીને 6,890 પર પહોંચ્યો (લગભગ 160%નું તોતિંગ વળતર).

ભારતીય શેરબજારની ચિંતાજનક સ્થિતિ

વૈશ્વિક બજારોના શાનદાર પ્રદર્શન સામે છેલ્લા બે વર્ષમાં ભારતીય બજારનું વળતર નકારાત્મક રહ્યું છે.

  • Nifty 50: 26,179ની સપાટીથી ઘટીને 22,807 પર આવી ગયો છે (12.88%નો ઘટાડો).
  • BSE Sensex: 85,571થી તૂટીને 73,734 સુધી ગગડ્યો છે (13.83%નો ઘટાડો).
  • Bank Nifty: માત્ર બૅંકિંગ સેક્ટરે થોડો સાથ આપ્યો છે, જે 53,834થી વધીને 55,390 થયો છે (2.89%નો મામૂલી વધારો).
    હાલની સ્થિતિએ, સતત ચોથા સત્રમાં બજાર તૂટ્યું હતું, જે સાપ્તાહિક ધોરણે છેલ્લા 25 વર્ષમાં ઘટાડાનો સૌથી લાંબો દોર છે. એક જ દિવસમાં Nifty 0.88% (22,421.95) અને Sensex 0.79% (71,909.70) તૂટતા રોકાણકારોના આશરે રૂ. 9 લાખ કરોડ ધોવાઈ ગયા હતા.

ભારતીય શેરબજારમાં નિરાશાના 5 મુખ્ય કારણ

  1. Global AI ટ્રેન્ડ: 'Sell India, Buy South Korea'
    PACE 360ના ચીફ ગ્લોબલ સ્ટ્રેટેજિસ્ટ અમિત ગોયલના જણાવ્યા અનુસાર, વિશ્વ અત્યારે AI પાછળ ઘેલું થયું છે. વિદેશી રોકાણકારો માને છે કે AI ક્રાંતિમાં ભારત માત્ર એક 'યુઝર' (User) છે, જ્યારે દક્ષિણ કોરિયા અને તાઇવાન (TSMC અને Samsung જેવી કંપનીઓ સાથે) તેના 'સર્જક' (Creator) છે. આ સ્થિતિમાં 'Sell India, Buy South Korea'નો ટ્રેન્ડ જોરમાં છે, જેથી વિદેશી મૂડી ભારતમાંથી નીકળીને તાઈવાન અને કોરિયા તરફ જઈ રહી છે.
  2. રૂપિયામાં ઑલ-ટાઇમ કડાકો (Currency Depreciation)
    દેશના અનેક નિષ્ણાતોના મતે, ડૉલર સામે ભારતીય રૂપિયો ગગડીને 96.31ની નીચલી સપાટીએ પહોંચી ગયો છે. FII (વિદેશી રોકાણકારો) ડૉલરમાં રોકાણ કરતાં હોવાથી, રૂપિયો નબળો પડતાં તેમનું ચોખ્ખું વળતર ઘટે છે, જેથી તેઓ નાણાં પાછા ખેંચી રહ્યા છે.
  3. વિદેશી રોકાણકારો(FIIs)ની આક્રમક વેચવાલી
    મોંઘા ભારતીય મૂલ્યાંકન (Valuations) માંથી નફો બુક કરવા વિદેશી સંસ્થાકીય રોકાણકારો સતત વેચવાલી કરી રહ્યા છે. તાજેતરમાં તેમણે એક જ દિવસમાં $1 બિલિયન (રૂ. 10,148 કરોડથી વધુ)નું વેચાણ કર્યું હતું. આ વર્ષે અત્યાર સુધીમાં FIIની કુલ વેચવાલી $27.8 બિલિયનની રૅકોર્ડ સપાટીએ પહોંચી છે.
  4. ક્રૂડ ઓઈલના ભડકાથી ફુગાવાની ચિંતા
    ઈરાન અને મધ્ય-પૂર્વમાં ભૌગોલિક તણાવને કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ બેરલ દીઠ $100ની નજીક પહોંચી ગયો છે. ભારત પોતાની જરૂરિયાતનું 80% તેલ આયાત કરતું હોવાથી, મોંઘા તેલને કારણે ઈમ્પોર્ટ બિલ વધે છે, ફુગાવો વધે છે અને FMCG તથા ઓટોમોબાઇલ જેવા સેક્ટર્સના નફા પર સીધી અસર પડે છે.
  5. યુએસ ટ્રેઝરી યીલ્ડ(US Bond Yield)માં વધારો
    અમેરિકાના 10-વર્ષના ટ્રેઝરી બોન્ડ પર મળતું વ્યાજ વધીને 5.2%થી 5.3%ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે. આ રિસ્ક-ફ્રી(જોખમ વગરનું) વળતર હોવાથી, રોકાણકારો ભારત જેવા ઉભરતા બજારોમાંથી મૂડી પાછી ખેંચીને અમેરિકન સરકારી બોન્ડ્સમાં રોકાણ કરી રહ્યા છે. ઉપરાંત, ફુગાવાના કારણે RBI દ્વારા વ્યાજદરમાં વધારો થવાની આશંકાએ પણ માર્કેટ સેન્ટિમેન્ટ બગાડ્યું છે.

પાકિસ્તાનના KSE 100 માં 100%થી વધુનો ઉછાળો કેમ?

ચોંકાવનારી વાત એ છે કે છેલ્લા બે વર્ષમાં પાકિસ્તાનનું શેરબજાર (KSE 100) 81,000થી ઉછળીને 1,70,000ની સપાટીએ પહોંચી ગયું છે (આશરે 110% વળતર). છેલ્લા એક વર્ષમાં જ્યાં Nifty 7% તૂટ્યો છે, ત્યાં KSE 100માં 5%નો વધારો થયો છે. નિષ્ણાતોના મતે, પાકિસ્તાન બજારના આ ઉછાળા પાછળ IMF પાસેથી મળેલી $7 અબજની લોન અને તેનાથી આવેલી આર્થિક સ્થિરતા મુખ્ય કારણ છે. લોન મળ્યા બાદ ત્યાંની સેન્ટ્રલ બૅંકે વ્યાજદરોમાં ઘટાડો કર્યો, જેનાથી અર્થતંત્રમાં માંગ-પુરવઠાનું સંતુલન સુધર્યું છે અને તેના શેરબજારને નવી ઊર્જા મળી છે.

ભારતીય શેરબજારનું ભવિષ્ય શું?

વૈશ્વિક સ્તરે AI ક્રાંતિ, ઊંચા અમેરિકન વ્યાજદરો, મોંઘું ક્રૂડ અને રૂપિયાની નબળાઈને કારણે હાલ પૂરતો વિદેશી રોકાણકારોનો પ્રવાહ ભારતથી દૂર થયો છે. જો કે, ભારતીય અર્થતંત્રના મૂળભૂત પાયા (Fundamentals) હજુ પણ મજબૂત છે. પરંતુ જ્યાં સુધી વૈશ્વિક પરિબળો અને મેક્રો-ઇકોનોમિક સ્થિતિ શાંત ન થાય, ત્યાં સુધી રોકાણકારોએ ભારતીય માર્કેટમાં ખૂબ જ સાવચેતીપૂર્વક આગળ વધવું જરૂરી છે.