Get The App

‘ઈઝરાયલ પ્રવાસ વખતે PM મોદીને ઈરાન પર હુમલાની જાણ હતી?’ જાણો સંસદમાં સરકારનો જવાબ

Updated: Apr 2nd, 2026

GS TEAM

Google News
Google News
‘ઈઝરાયલ પ્રવાસ વખતે PM મોદીને ઈરાન પર હુમલાની જાણ હતી?’ જાણો સંસદમાં સરકારનો જવાબ 1 - image

US Iran War: મધ્ય પૂર્વ યુદ્ધ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈઝરાયલ મુલાકાત અને ત્યારબાદ ઈરાન પર થયેલા હુમલાને લઈને ઉઠેલા સવાલો પર હવે ભારત સરકારે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે જણાવ્યું હતું કે, ઈરાન પર થયેલા હુમલા અંગે ઈઝરાયલ દ્વારા ભારત સાથે કોઈ પૂર્વ ચર્ચા કરવામાં આવી ન હતી. એટલે કે આ કાર્યવાહીની જાણકારી ભારત સરકારને અગાઉથી ન હતી.

ભારતને હુમલાની જાણકારી ન હતી

ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરીમાં PM મોદીની ઈઝરાયલ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે અનેક દ્વિપક્ષીય કરારો થયા હતા. તેના થોડા સમય બાદ 28 ફેબ્રુઆરીએ ઈઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ (USA) દ્વારા ઈરાન પર સંયુક્ત હુમલો કરવામાં આવ્યો હતો, જેના પગલે એવા સવાલો ઊભા થયા હતા કે શું ભારતને આ અંગે અગાઉથી જાણ કરવામાં આવી હતી.

ઈરાનની પરમાણુ ક્ષમતા હવે સંપૂર્ણપણે ખતમ: ટ્રમ્પ

સરકારની આ સ્પષ્ટતાને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે આ પ્રથમ વખત છે જ્યારે ભારતે ઈરાન યુદ્ધને લઈને પોતાની જાણકારી અને ભૂમિકા અંગે સ્પષ્ટ વલણ રજૂ કર્યું છે. ઈઝરાયલ અને અમેરિકાના હુમલાથી ઈરાનમાં ભારે તબાહીના દૃશ્યો સામે આવ્યા છે. આ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાનની પરમાણુ ક્ષમતા હવે સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે અને આગામી થોડા દિવસોમાં આ યુદ્ધ સમાપ્ત થઈ શકે છે. ઈરાન તરફથી સીઝફાયર (યુદ્ધવિરામ) માટે વિનંતી કરવામાં આવી છે.

ઈરાન કોઈના દબાણ હેઠળ ઝૂકવાનું નથી!

જો કે ઈરાને ટ્રમ્પના આ દાવા ધરમૂળથી ફગાવી દીધા છે અને સ્પષ્ટ કર્યું છે કે તે કોઈ પણ દબાણ હેઠળ ઝૂકવાનું નથી. તેહરાનના આ વલણની વચ્ચે 'સ્ટ્રેટ ઑફ હોર્મુઝ' બંધ થવાને કારણે વૈશ્વિક ઊર્જા સંકટ ઘેરાયું છે, કારણ કે વિશ્વના મોટા ભાગનો તેલનો પુરવઠો આ માર્ગ પરથી પસાર થાય છે.

નાટો તરફથી ટ્રમ્પને સમર્થન નથી

બીજી તરફ આ યુદ્ધમાં અમેરિકાને તેના સાથી NATO દેશોનું અપેક્ષિત સમર્થન મળી રહ્યું નથી. યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ અને સ્પેન સહિતના અનેક દેશોએ ખુલ્લેઆમ સાથ આપવાની મનાઈ કરી દીધી છે. આ પરિસ્થિતિઓમાં ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરતા& ત્યાં સુધી કહી દીધું છે કે તેઓ નાટોમાંથી બહાર નીકળવા પર પણ વિચાર કરી રહ્યા છે, જેનાથી વૈશ્વિક રાજકારણ અને સુરક્ષા સમીકરણોમાં વધુ અનિશ્ચિતતા વધી શકે છે.