Get The App

વડાપ્રધાન મોદીએ બજેટ 2026ને ઐતિહાસિક ગણાવ્યું, કહ્યું- ભારત ‘રિફોર્મ એક્સપ્રેસ’ પર સવાર

Updated: Feb 1st, 2026

GS TEAM

Google News
Google News
વડાપ્રધાન મોદીએ બજેટ 2026ને ઐતિહાસિક ગણાવ્યું, કહ્યું- ભારત ‘રિફોર્મ એક્સપ્રેસ’ પર સવાર 1 - image


PM Modi Reaction on Budget 2026 : નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટ પર પોતાની પ્રતિક્રિયા આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને 'પાથ બ્રેકિંગ' ગણાવ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, "આજનું ભારત 'રિફોર્મ એક્સપ્રેસ' પર સવાર છે અને આ બજેટ તેને નવી ઊંચાઈઓ પર લઈ જશે. આ માત્ર એક આંકડાકીય દસ્તાવેજ નથી, પરંતુ 1.4 અબજ ભારતીયોના સપના અને આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે." તેમણે ઉમેર્યું કે આ બજેટ ભારતની ગ્લોબલ ભૂમિકાને વધુ મજબૂત બનાવશે.

યુવાઓ અને નારી શક્તિ પર ધ્યાન

વડાપ્રધાને બજેટમાં કરવામાં આવેલા સુધારાઓની પ્રશંસા કરતા કહ્યું કે, જે રીતે આ બજેટમાં મહિલાઓ અને યુવાઓ માટે જોગવાઈઓ કરવામાં આવી છે, તે અભૂતપૂર્વ છે. તેમણે કહ્યું, "બજેટમાં દેશની નારી શક્તિનું પ્રતિબિંબ દેખાય છે. સાથે જ, જે 'પાથ બ્રેકિંગ રિફોર્મ્સ' કરવામાં આવ્યા છે, તે ભારતના પ્રતિભાશાળી યુવાનોને ઉડવા માટે ખુલ્લું આકાશ પૂરું પાડે છે." પીએમ મોદીના મતે, આ બજેટ રોજગારના અપાર અવસરોનો 'રાજમાર્ગ' છે.

આ પણ વાંચો: ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, નવો IT એક્ટ 1 એપ્રિલથી થશે લાગુ

વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવાનો સંકલ્પ

વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું કે ભારત હવે માત્ર સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા હોવાથી સંતુષ્ટ નથી. દેશવાસીઓનો સંકલ્પ ભારતને જલ્દીથી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનો છે. તેમણે કહ્યું કે આ બજેટ વિશ્વાસ આધારિત શાસન (Trust-based Governance) અને માનવ-કેન્દ્રી આર્થિક માળખાના વિઝનને દર્શાવે છે. બજેટમાં રાજકોષીય ખાધ ઘટાડવા અને મોંઘવારી પર અંકુશ મેળવવા વચ્ચે જે સંતુલન જાળવવામાં આવ્યું છે તેની પણ તેમણે પ્રશંસા કરી હતી.

મેક ઇન ઇન્ડિયા અને ટ્રેડ ડીલ્સનો ફાયદો

તાજેતરમાં યુરોપિયન યુનિયન સાથે થયેલી વેપાર સમજૂતીઓનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, "ભારતે જે 'મધર ઓફ ઓલ ડીલ્સ' કરી છે, તેનો મહત્તમ લાભ દેશના યુવાનો અને લઘુ-મધ્યમ ઉદ્યોગોને મળે તે દિશામાં બજેટમાં મોટા કદમ ઉઠાવવામાં આવ્યા છે." તેમણે કહ્યું કે 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત' અભિયાનને નવી રફ્તાર આપવા માટે આ બજેટમાં મહત્વાકાંક્ષી રોડમેપ રજૂ કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો: સંરક્ષણથી ટેક્સ અને રેલવેથી હેલ્થ સુધી... બજેટ 2026ની 15 મોટી વાતો