ગાંજાના નશામાં પાયલટ પ્લેન ઉડાડી રહ્યો હતો! એર ઈન્ડિયાની ફ્લાઈટ 300 ફૂટ નીચે આવી જતા 20 મુસાફરો થયા હતા ઘાયલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Air India Pilot Marijuana Test : એર ઈન્ડિયા ફરી એકવાર મોટા વિવાદમાં સપડાઈ છે. એર ઈન્ડિયાની ફ્લાઈટ AI2379 ના પાયલટ-ઈન-કમાન્ડનો કન્ફર્મેટરી લેબ ટેસ્ટ મારિજુઆના (ગાંજો) માટે પોઝિટિવ આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એ જ ફુકેત-દિલ્હી ફ્લાઈટ છે જે 4 ઓગસ્ટે અચાનક આશરે 300 ફીટ નીચે આવી ગઈ હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સત્તાવાર નિવેદન અનુસાર આ ઘટનામાં 20 મુસાફરો અને 4 કેબિન ક્રૂ સભ્યો સહિત કુલ 24 લોકો ઘાયલ થયા હતા.
4 ઓગસ્ટે થયો હતો ફ્લાઈટ અકસ્માત
એર ઈન્ડિયાની આ ફ્લાઈટના પાયલટ-ઈન-કમાન્ડનો મારિજુઆનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સૂત્રોએ મંગળવારે જણાવ્યું કે, પાયલટના સેમ્પલની કન્ફર્મેટરી લેબ તપાસમાં મારિજુઆનાની પુષ્ટિ થઈ છે. આ મામલો 4 ઓગસ્ટે આ ફ્લાઈટના અચાનક 300 ફીટ નીચે આવવાની ઘટનાના થોડા દિવસો બાદ સામે આવ્યો છે.
બંને પાયલટનું કરાવાયું હતું મેડિકલ ચેકઅપ
ઘટના બાદ વિમાનના બંને પાયલટોનું સાયકોએક્ટિવ સબ્સ્ટન્સ સ્ક્રીનિંગ કરાવવામાં આવ્યું હતું. કો-પાયલટની શરૂઆતી તપાસમાં એવું કશું સામે આવ્યું ન હતું. જોકે પાયલટ-ઈન-કમાન્ડનું પરિણામ એવું હતું કે, જે બાદ વિગતવાર તપાસની જરૂર પડી હતી. ત્યારબાદ સેમ્પલ લેબમાં મોકલવામાં આવતા ગાંજા માટેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
ફ્લાઈંગ રોસ્ટર પરથી હટાવાયા બંને પાયલટ
તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંને પાયલટોને ફ્લાઈંગ રોસ્ટર પરથી હટાવી દેવામાં આવ્યા છે, એટલે કે હાલ તેઓ વિમાન ઉડાડવાની ડ્યુટી પર નથી. હવે આગળની કાર્યવાહી તપાસ પૂર્ણ થયા બાદ અને સંબંધિત અધિકારીઓના નિષ્કર્ષના આધારે કરવામાં આવશે.
મંત્રાલયે ઘટના અંગે જારી કરી વિગતો
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું છે કે, ‘04.08.2026 ના રોજ ફુકેતથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની એરબસ A320 ફ્લાઈટ (VT-EXO / AI 2379) માં અચાનક આશરે 300 ફીટની ઊંચાઈમાં ફેરફાર થયો હતો. જોકે ત્યારબાદ વિમાન સ્થિર થઈ ગયું હતું અને દિલ્હીમાં સુરક્ષિત લેન્ડ થયું હતું. આ ઘટના સમયે વિમાનમાં 3 શિશુઓ સહિત 137 મુસાફરો અને 8 ક્રૂ મેમ્બર્સ (2 પાયલટ અને 6 કેબિન ક્રૂ) સવાર હતા, જેમાંથી 20 મુસાફરો અને 4 કેબિન ક્રૂ સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા.’
મુસાફરોના કાન અને ખભામાં થઈ હતી ઈજાઓ
ફ્લાઈટમાં ઉડાન દરમિયાન અચાનક ભારે ટર્બ્યુલન્સ થતાં મુસાફરોના કાન, ગરદન અને ખભાના ભાગે ઈજાઓ પહોંચી હતી. સવારે 11:07 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ થયા બાદ ઘાયલોને તાત્કાલિક એરપોર્ટ પરના મેડિકલ સેન્ટર અને હોસ્પિટલમાં સારવાર પૂરી પાડવામાં આવી હતી.
સરકારે એર ઈન્ડિયાના CEOને કર્યા સમન
આ સનસનાટીભર્યા ખુલાસા અને ઘટના બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા એર ઈન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સન (Campbell Wilson)ને બેઠક માટે બોલાવવામાં આવ્યા હતા. આ બેઠકમાં નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ (Ram Mohan Naidu), નાગરિક ઉડ્ડયન સચિવ, AAIB અને DGCA ના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
શું હોય છે એર ટર્બ્યુલન્સ?
આકાશમાં એર ટર્બ્યુલન્સ ત્યારે થાય છે જ્યારે હવાનો પ્રવાહ અસમાન અને અનિયમિત બની જાય છે. સામાન્ય રીતે હવા સ્થિર સ્તરોમાં વહે છે, પરંતુ ધરતી ગરમ થવાથી, પહાડો સાથે હવા ટકરાવાથી કે ઊંચાઈ પર પવનની ઝડપમાં તફાવત આવવાથી ટર્બ્યુલન્સ સર્જાય છે.









