‘દિલ્હીમાં પેલેટ ગન, બિહારમાં AK-47... વિદ્યાર્થીઓને કચડવા માંગે છે સિસ્ટમ’, રાહુલ ગાંધી ફરી સરકાર પર ભડક્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rahul Gandhi Siwan violence reaction : બિહારના સીવાનમાં 'બિહાર બંધ' દરમિયાન થયેલી હિંસા અને ફાયરિંગની ઘટના બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તીખા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે દેશમાં વિદ્યાર્થીઓ સામે આખી સિસ્ટમ જીવલેણ બની ચૂકી છે. તેમણે દાવો કર્યો છે કે, બિહારમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર AK-47થી ગોળીઓ ચલાવવામાં આવી છે અને સેંકડો વિદ્યાર્થીઓની ધરપકડ કરીને તેમના પર એફઆઈઆર નોંધવામાં આવી રહી છે.
રાહુલ ગાંધીએ PM પર ઉઠાવ્યા સવાલ
રાહુલ ગાંધીએ પીએમ મોદીને સવાલ કર્યો કે વિદ્યાર્થીઓ સામે કોઈ એફઆઈઆર ન નોંધવાના અને તેમને મુક્ત કરવાના વાયદાઓનું શું થયું? તેમણે કહ્યું કે સરકાર પોતાના વચનોથી પીછેહઠ કરી રહી છે અને વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. દિલ્હીથી લઈને બિહાર સુધી એક જ પેટર્ન જોવા મળી રહી હોવાનું જણાવી તેમણે માંગ કરી કે વડાપ્રધાને દેશના વિદ્યાર્થીઓ સામે માફી માંગવી જોઈએ અને હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

સીવાન હિંસા અને ફાયરિંગની ઘટના
શનિવારે બિહાર બંધ દરમિયાન સીવાનમાં આંદોલને હિંસક રૂપ ધારણ કર્યું હતું. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલી અથડામણ અને ફાયરિંગમાં ત્રણ પ્રદર્શનકારીઓ ઘાયલ થયા છે. ઘાયલોમાં આરિફ, બુલેટ કુમાર ગોંડ અને આકાશ કુમારનો સમાવેશ થાય છે, જેને વધુ સારવાર માટે પટના રીફર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પથ્થરમારા અને અથડામણમાં સીવાનના એસપી પૂરન કુમાર ઝા અને બે ડીએસપી સહિત 25 જેટલા પોલીસકર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. વિપક્ષી નેતા તેજસ્વી યાદવે પણ આ ઘટનાની આકરી નિંદા કરી છે.
સીવાન એસપીનો દાવો સ્થિતિ સ્પષ્ટ નથી
બીજી તરફ, સીવાનના એસપી પૂરન કુમાર ઝાએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓને કોની ગોળી વાગી છે તે હજુ સ્પષ્ટ નથી અને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 65 ઉપદ્રવીઓની અટકાયત કરવામાં આવી છે અને સ્થિતિ પર પોલીસ નજર રાખી રહી છે.









