પંજાબમાં શાંતિ ડહોળવાનો પાક.નો પ્રયાસ, હથિયારો સાથે એક ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવી દિલ્હી: તહેવારો પહેલા પંજાબમાં પાકિસ્તાનની એજન્સી આઇએસઆઇએ મોટા હુમલાનું કાવતરું ઘડયું હતું. જેને સુરક્ષાદળો અને પોલીસ દ્વારા નિષ્ફળ બનાવાયું છે. પાકિસ્તાન તરફથી ઘૂસાડવામાં આવેલા હથિયારોને ગુપ્ત સ્થળે લઇ જતો એક શખ્સ ઝડપાયો છે. આરોપીની પાસેથી હથિયારો ઉપરાંત હેન્ડ ગ્રેેનેડ, કારતૂસ, મેગઝીન મળી આવ્યા છે. આરોપીના મોબાઇલમાંથી પણ અનેક મહત્વના પુરાવા મળી આવ્યા છે.
બોર્ડર રેન્જના આઇજી ગુરપ્રીતસિંહ ભુલ્લરે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ તરનતારન જિલ્લાના રહેવાસી નવજોત સિંઘ તરીકે થઇ છે. તેની પાસેથી એક એકે-૪૭, બે હેન્ડ ગ્રેનેડ, એક મેગઝીન અને નવ કારતૂસ મળી આવ્યા છે. આરોપી વ્યવસાયે ટ્રક ચાલક છે, હથિયારોની સાથે તે ડ્રગ્સ તસ્કરીમાં પણ સામેલ હતો, ડ્રગ્સ તસ્કરીમાં તેને ત્રણથી પાંચ હજાર રૂપિયા આપવામાં આવતા હતા, આ વખતે તેને હથિયારોને અન્ય સ્થળે ખસેડવાનું કામ સોંપવામાં આવ્યું હતું, બદલામાં મોટી રકમ આપવાની લાલચ પણ આપી હતી.
પોલીસના જણાવ્યા મુજબ દુબઇમાં સક્રિય આઇએસઆઇનો કથિત હેન્ડલર સુખબીર હાલ ઝડપાયેલા નવજોતના સંપર્કમાં હતો. હથિયારોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાના તેને ૫૦ હજાર રૂપિયા આપવાના હતા. બીજી તરફ જમ્મુ કાશ્મીરના જંગલોમાં આતંકવાદીઓ પોતાની સારવાર માટે આયુર્વેદિક ટ્રીટમેન્ટ લઇ રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. તાજેતરમાં જ પહલગામ હુમલાનો આરોપી આતંકી હાશીમ મૂસા માર્યો ગયો હતો, મૂસા અગાઉ પણ એક સૈન્ય કાર્યવાહીમાં ઘાયલ થયો હતો, તેને જંગલમાં ઓપરેશન દરમિયાન ગોળી વાગી હતી. જોકે ગોળી વાગવાથી ઘાયલ થયેલા મૂસાએ આયુર્વેદની મદદથી સારવાર કરી હતી. મૂસાએ પોતાના શરીર પરના ગોળીના ઘા વહેલા ઠીક કરવા માટે આયુર્વેદિક મધનો ઉપયોગ કર્યો હતો. મૂસા અગાઉ રાજોરી વિસ્તારના જંગલોમાં સૈન્યના ઓપરેશન દરમિયાન ઘાયલ થયો હતો. જંગલની બહાર સુરક્ષાકર્મીઓ તૈનાત હતા, તેથી તેણે આયુર્વેદિક સારવાર લીધી હતી.




