Get The App

પહેલગામ આતંકી હુમલાની પ્રથમ વરસી: CM ઓમર અબ્દુલ્લા થયા ભાવુક, કહ્યું- 'આતંકવાદનો અંત નજીક'

Updated: Apr 22nd, 2026

GS TEAM

Google News
Google News
પહેલગામ આતંકી હુમલાની પ્રથમ વરસી: CM ઓમર અબ્દુલ્લા થયા ભાવુક, કહ્યું- 'આતંકવાદનો અંત નજીક' 1 - image


Pahalgam Attack Anniversary : પહેલગામમાં થયેલા દર્દનાક આતંકી હુમલાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આજનો દિવસ આપણા સૌ માટે ઘણો દુઃખદ છે. તેમણે નિર્દોષ પ્રવાસીઓને યાદ કર્યા જેઓ રજાઓ માણવા આવ્યા હતા અને આતંકીઓની ગોળીઓનો શિકાર બન્યા હતા.

CM અબ્દુલ્લાની પાકિસ્તાનને ચેતવણી

મુખ્યમંત્રીએ પાકિસ્તાનનો ઉલ્લેખ કરતાં સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે, ‘જો પાકિસ્તાન ઇચ્છે તો પણ અમે હવે આવા હુમલા થવા દઈશું નહીં. અમારો પૂરેપૂરો પ્રયાસ રહેશે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ક્યારેય ન બને. અમે રાજ્યમાં શાંતિ જાળવી રાખવા માટે કટિબદ્ધ છીએ.’

આ પણ વાંચો : VIDEO: હાઈવે પર ઉતર્યા ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ્સ, જુઓ IAFનું મહાપરાક્રમ

ટૂરિઝમ અને સુરક્ષા

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા(Jammu Kashmir CM Omar Abdullah)એ સ્વીકાર્યું કે, ગયા વર્ષના હુમલાની પ્રવાસન પર થોડી અસર પડી છે, પરંતુ હવે સ્થિતિ સુધરી રહી છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આગામી સીઝનમાં અમરનાથ યાત્રા, માતા વૈષ્ણોદેવીના દર્શન અને પ્રવાસન માટે મોટી સંખ્યામાં લોકો જમ્મુ-કાશ્મીર આવશે.

ઈરાન-અમેરિકા વિવાદ પર પણ આપી પ્રતિક્રિયા

વૈશ્વિક પરિસ્થિતિ પર બોલતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઈરાન પર જે હુમલો થયો તે ખોટો હતો અને હવે આ યુદ્ધનો અંત આવવો જોઈએ. આ જંગને કારણે ઓઇલના ભાવ વધી રહ્યા છે અને સપ્લાય ખોરવાઈ રહ્યો છે, જેની અસર દરેક દેશ પર પડી રહી છે. જોકે, તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો કે પડોશી દેશોની સરખામણીએ ભારતમાં સ્થિતિ ઘણી સારી અને નિયંત્રણમાં છે. 

આ પણ વાંચો : પહલગામ હુમલાની વરસી પર PM મોદીએ અર્પી શ્રદ્ધાંજલિ, કહ્યું- આતંકવાદીઓના નાપાક મનસૂબા ક્યારેય સફળ નહીં થાય