સીમાંકન બિલ મુદ્દે વિપક્ષમાં દોડધામ, પવાર-સ્ટાલિનને મનાવવા સોનિયા, રાહુલ અને ખડગે રુબરુ કરશે મુલાકાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Delimitation Bill : સીમાંકન બિલ (Delimitation Bill) ને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે અને વિપક્ષી ગઠબંધન 'INDIA' ની અંદર તણાવ તથા ટેન્શન વચ્ચે સાથી પક્ષોને મનાવવા માટે દોડધામ શરૂ થઈ ગઈ છે. બિલ પર એકમત અને સર્વસંમતિ સાધવાના પ્રયાસરૂપે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી આજે DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિન તથા NCP (SP) ના વડા શરદ પવાર સાથે મુલાકાત કરવાના છે. આ મહત્ત્વની બેઠકોમાં સોનિયા ગાંધી પણ જોડાઈ શકે છે.
બપોરે ચેન્નઈ, સાંજે મુંબઈ: કોંગ્રેસ નેતૃત્વની સઘન દોડધામ
સીમાંકન બિલના મુદ્દે સાથી પક્ષોના વલણને લઈને વિપક્ષી છાવણીમાં હલચલ વધી છે અને કોંગ્રેસના ટોચના નેતાઓ આજે વ્યસ્ત કાર્યક્રમ સાથે મેદાનમાં ઉતર્યા છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ કોંગ્રેસનું ટોચનું નેતૃત્વ બપોરે 2 વાગ્યે ચેન્નઈ પહોંચશે, જ્યાં મલ્લિકાર્જુન ખડગે તમિલનાડુના મુખ્યમંત્રી અને DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિન સાથે ચર્ચા કરશે.
ઉલ્લેખનીય છે કે શરદ પવારની એનસીપી અને સ્ટાલિનની ડીએમકે સીમાંકન બિલ મુદ્દે એનડીએને સમર્થન આપવાના સંકેત આપી ચૂક્યા છે. સ્ટાલિને તો જાહેરાત જ કરી દીધી હતી કે અમારી માગણીઓ પૂર્ણ થતાં અમે એનડીએને ટેકો આપીશું. તેને ધ્યાનમાં રાખીને જ હવે મહિલા અનામત અને સીમાંકન બિલ સરળતાથી પાસ થઈ જવાની તૈયારીમાં છે. એને રોકવા માટે જ સ્ટાલિન અને પવાર સાથે આજે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને ખડગે તેમની રુબરુ મુલાકાત લેવાના છે.
ચેન્નઈની બેઠક પૂર્ણ કર્યા બાદ કોંગ્રેસના નેતાઓ સાંજે મુંબઈ જવા રવાના થશે. મુંબઈમાં NCP (SP) ના પ્રમુખ શરદ પવાર સાથે તેમની નિર્ણાયક બેઠક યોજાશે, જેમાં સીમાંકન બિલ અને ગઠબંધનની આગળની રણનીતિ અંગે ગહન મંત્રણા થવાની શક્યતા છે.
મુખ્યમંત્રીઓ પણ જોડાઈ શકે છે
વિપક્ષી ગઠબંધનમાં સર્વસંમતિ બનાવવાના આ પ્રયાસો દરમિયાન કોંગ્રેસ શાસિત 3 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આ બેઠકોમાં સાથે જોડાઈ શકે છે. સીમાંકન બિલને લઈને સર્જાયેલી રાજકીય ગતિવિધિઓ વચ્ચે આજની બંને બેઠકો પર સૌની નજર મંડાયેલી છે.




