ઓપરેશન સિંદૂર: 22 મિનિટનો સમય હોવા છતાં પાકિસ્તાન કેમ વળતો હુમલો ન કરી શક્યું? ભારતીય વાયુસેનાના પાઇલટે જણાવ્યું કારણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Operation Sindoor: 7 મે 2025ના રોજ ભારતીય ફાઈટર જેટ્સ પાકિસ્તાનમાં ઘૂસ્યા, આતંકવાદીઓનો સફાયો કર્યો અને સુરક્ષિત રીતે પાછા ફર્યા. ભારતીય વાયુસેનાનું એ સાહસિક મિશન 'ઓપરેશન સિંદૂર' માત્ર 22 મિનિટમાં પૂરું થઈ ગયું હતું. આ મિશન પર બનેલી ડોક્યુમેન્ટરી 'Declassified: Operation Sindoor' 15 ઓગસ્ટના રોજ OTT પ્લેટર્ફોમ પર રિલીઝ થઈ અને ત્યારથી એણે ભારે ચર્ચા જગાવી છે. બે ભાગમાં બનેલી આ ડોક્યુમેન્ટરી રિલીઝ થતાં જ પાકિસ્તાની સેનાની ઊંઘ હરામ થઈ ગઈ છે અને તેમણે રાત્રે 2 વાગ્યે સોશિયલ મીડિયા પર આ અંગે નિવેદન પણ આપવું પડ્યું. ચાલો જાણીએ જે એ 22 મિનિટમાં ભારતીય જાંબાઝોએ કેવો ખેલ પાર પાડ્યો હતો.
ઓપરેશન સિંદૂર: પહલગામ હુમલાનો બદલો
એપ્રિલ 2025 માં જમ્મુ-કાશ્મીરના પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર એક કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ ધર્મ પૂછીપૂછીને હિન્દુઓને ગોળીઓ મારી હતી. આ હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય સુરક્ષા એજન્સીઓ અને વાયુસેના દ્વારા 'ઓપરેશન સિંદૂર' હાથ ધરવામાં આવ્યું હતું. 7 મેની મધ્યરાત્રિએ ભારતીય વાયુસેનાના Su-30MKI વિમાનોએ ઘાતક હુમલા કર્યા. આ મિશનનો ભાગ રહેલા ભારતીય વાયુસેનાના એક પાઇલટે તાજેતરમાં જણાવ્યું હતું કે પાકિસ્તાની વાયુસેનાનો પ્રતિભાવ ખૂબ જ ધીમો હતો. તેમના મતે, હુમલા માટેની 'લોન્ચ વિન્ડો' લગભગ 22 મિનિટ સુધી ખુલ્લી રહી હતી.
ઝડપી પ્રતિભાવ આપવામાં પાકિસ્તાન નિષ્ફળ રહ્યું
આ 22 મિનિટના સમયગાળા દરમિયાન, ભારતીય વિમાનોએ તેમનું મિશન પૂર્ણ કર્યું અને કોઈપણ નુકસાન વિના સુરક્ષિત રીતે પાછા ફર્યા. બીજી બાજુ, પાકિસ્તાન અસરકારક રીતે કોઈ જ જવાબ આપવામાં અસમર્થ રહ્યું. પાઇલટના મતે, ભારતીય વિમાન હુમલો કરે, લક્ષ્યને નષ્ટ કરે અને પાછા ફરવાનું શરૂ કરે ત્યાં સુધી પાકિસ્તાની વાયુસેના સંપૂર્ણપણે સક્રિય પણ થઈ શકી ન હતી. આધુનિક હવાઈ યુદ્ધમાં 22 મિનિટનો વિલંબ ઘણો લાંબો સમય માનવામાં આવે છે. આ ઘટના દર્શાવે છે કે આધુનિક લડાઇમાં સમય અને પ્રતિક્રિયા જ વિજય કે હાર નક્કી કરે છે.
આટલો ધીમો પ્રતિભાવ શા માટે?
સામાન્ય રીતે ‘રડાર દ્વારા દુશ્મન વિમાનની શોધ કરવી’, ‘એ અંગેની ચેતવણી જાહેર કરવી’ અને ‘ઇન્ટરસેપ્ટર એરક્રાફ્ટે ઉડાન ભરવી’ એ બધું ખૂબ જ ઝડપથી થવું જોઈએ. જો પ્રતિભાવમાં વિલંબ થાય તો હુમલો કરનાર વિમાન પોતાનું મિશન પૂરું કરીને સલામત વિસ્તારમાં પાછા ફરી જાય છે. આ કિસ્સામાં પાકિસ્તાની વાયુસેનાના ધીમા પ્રતિભાવ પાછળ ઘણા કારણો હોઈ શકે છે.
- ભારતીય પક્ષે ઇલેક્ટ્રોનિક યુદ્ધ (Electronic Warfare) અને જામિંગનો ઉપયોગ કરીને પાકિસ્તાનની ચીન નિર્મિત સિસ્ટમોને અસ્થાયી રૂપે વિક્ષેપિત કરી દીધી હતી.
- ઉપરાંત, પાકિસ્તાનના કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમમાં વિલંબ અને ઓપરેશનલ તૈયારીઓનો અભાવ પણ જોવા મળ્યો હતો.
Su-30MKI ની તાકાત અને સ્વદેશી સિસ્ટમની સફળતા
Su-30MKI ને ભારતીય વાયુસેનાની કરોડરજ્જુ માનવામાં આવે છે. બે સીટ ધરાવતા આ મલ્ટિરોલ ફાઇટર જેટમાં થ્રસ્ટ વેક્ટરિંગ, લાંબા અંતરની મિસાઇલો અને અદ્યતન એવિઓનિક્સ છે, જે તેને એર-ટુ-એર (હવાથી હવા) અને એર-ટુ-લેન્ડ (હવાથી જમીન) એમ બંને પ્રકારના જટિલ મિશન પાર પાડવા સક્ષમ બનાવે છે. ઓપરેશન સિંદૂરમાં માત્ર ફાઈટર જેટ્સ જ નહીં, પરંતુ ડ્રોન, બ્રહ્મોસ મિસાઇલો, આકાશ મિસાઇલ સિસ્ટમ અને અન્ય આધુનિક ટેકનોલોજીનો પણ સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો હતો. માત્ર વિમાનની ક્ષમતાઓ જ નહીં, પરંતુ પાઇલટ્સની સઘન તાલીમ, ગુપ્ત માહિતીને આધારે કરાયેલું મિશનનું આયોજન અને સંકલન જેવા પરિબળોને લીધે ‘ઓપરેશન સિંદૂર’માં ભવ્ય સફળતા મળી હતી.
હવાઈ યુદ્ધમાં સમય અને આયોજનનું મહત્ત્વ
જ્યારે એક પક્ષનું વિમાન દુશ્મનના ક્ષેત્રમાં પ્રવેશ કરે છે, ત્યારે બીજી બાજુ તાત્કાલિક ચેતવણી મળવી જોઈએ અને રડાર સિસ્ટમોએ લક્ષ્યને ટ્રેક કરવું જોઈએ. પરંતુ ભારતીય વાયુસેનાના શ્રેષ્ઠ મિશન આયોજન, પરિસ્થિતિગત જાગૃતિ અને સચોટ માહિતીના કારણે પાકિસ્તાન કંઈ જ સમજી શક્યું નહીં. પાકિસ્તાની વાયુસેના પાસે પણ અદ્યતન વિમાનો અને સિસ્ટમો છે, પરંતુ ચોક્કસ સમયે તેનો અસરકારક ઉપયોગ કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા.
ભારતની સફળતા, પાકિસ્તાન માટે શીખ
‘ઓપરેશન સિંદૂર’ની સફળતાએ ભારતીય સૈન્ય દળોનો આત્મવિશ્વાસ વધાર્યો છે. તો સામે પક્ષે પાકિસ્તાને મોટી શીખ આપી છે કે, આધુનિક યુદ્ધમાં ફક્ત શસ્ત્રો હોવા પૂરતા નથી, પરંતુ યોગ્ય સમયે યોગ્ય રીતે તેનો ઉપયોગ કરવાની ક્ષમતા જ પરિણામ નક્કી કરે છે.









