Online Gaming Authority: ભારત સરકાર આગામી 1 મેથી 'ઓનલાઇન ગેમિંગ ઑથોરિટી ઑફ ઇન્ડિયા'(OGAI)ની સ્થાપના કરવા જઈ રહી છે. આ ઑથોરિટી દેશમાં ઝડપથી વિકસી રહેલા ઓનલાઇન ગેમિંગ સેક્ટર પર નજર રાખશે અને તેના માટે કાયદાકીય માળખું તૈયાર કરશે. લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાઓ અને સ્ટેકહોલ્ડર્સ સાથેની બેઠકો બાદ હવે આ ક્ષેત્રને શિસ્તબદ્ધ કરવા માટે એક સ્વતંત્ર બોડી કાર્યરત થશે.
ઑથોરિટી પાસે શું હશે સત્તા?
આ નવી ઑથોરિટીનું મુખ્ય કામ ગેમિંગ પ્લેટફોર્મ્સનું રજિસ્ટ્રેશન કરવાનું અને તેઓ નિયમોનું પાલન કરે છે કે નહીં તે જોવાનું રહેશે. ખાસ કરીને 'ગેમ ઑફ સ્કિલ' (કૌશલ્યની રમત) અને 'ગેમ ઑફ ચાન્સ' (નસીબની રમત) વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવામાં આવશે.
આ ઉપરાંત, પ્લેટફોર્મ્સ પર યુઝર્સની સુરક્ષા, જવાબદાર ગેમિંગ અને નાણાકીય લેવડદેવડમાં પારદર્શિતા લાવવા પર ભાર મૂકવામાં આવશે. જે કંપનીઓ નિયમોનું ઉલ્લંઘન કરશે, તેમની સામે દંડનીય કાર્યવાહી કરવાની સત્તા પણ આ ઑથોરિટી પાસે રહેશે.
ઓનલાઇન ગેમિંગ ઉદ્યોગમાં નિયમો કડક બનશે
આ નિર્ણયથી ઓનલાઇન ગેમિંગ ઉદ્યોગમાં કાયદેસરતા આવશે, જેનાથી રોકાણકારોનો વિશ્વાસ વધશે. યુઝર્સ માટે આ એક સુરક્ષિત વાતાવરણ પૂરું પાડશે, જ્યાં છેતરપિંડી કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લગાવી શકાશે.
આ પણ વાંચો: પેટ્રોલ ભૂલી જાઓ! 85 ટકા ઈથેનોલથી દોડશે ગાડીઓ, E85 ફ્યુઅલનો નિયમ લાવવાની તૈયારીમાં સરકાર
જોકે, ગેમિંગ કંપનીઓએ હવે કડક કેવાયસી (KYC) પ્રક્રિયા અને ટેક્સના નિયમોનું પાલન કરવું અનિવાર્ય બનશે. આ પગલું ભારતીય ગેમિંગ ઈકોસિસ્ટમને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્ત્વનું માનવામાં આવે છે.


