India

રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો ન્યાય; આરોપીને પરીક્ષા માટે મળ્યા જામીન

By GS TEAM
17 Feb 20262 mins read
TukuTouch Logo
દિલ્હીના દ્વારકા વિસ્તારમાં ગત 3 ફેબ્રુઆરીના રોજ એક અકસ્માત સર્જાયો હતો, જેમાં 23 વર્ષીય યુવક સાહિલ ધનેશ્રાનું મોત નીપજ્યું છે. આ ઘટના દ્વારકા સાઉથ પોલીસ સ્ટેશન હેઠળના લાલ બહાદુર શાસ્ત્રી કોલેજ પાસે બની હતી. એક પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો કારે સાહિલની બાઇકને એટલી જોરદાર ટક્કર મારી હતી કે કાર બેકાબૂ બનીને રસ્તાની બાજુમાં ઉભેલી એક ટેક્સી સાથે પણ અથડાઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો ન્યાય; આરોપીને પરીક્ષા માટે મળ્યા જામીન

Delhi Accident: દિલ્હીના દ્વારકા વિસ્તારમાં ગત 3 ફેબ્રુઆરીના રોજ એક અકસ્માત સર્જાયો હતો, જેમાં 23 વર્ષીય યુવક સાહિલ ધનેશ્રાનું મોત નીપજ્યું છે. આ ઘટના દ્વારકા સાઉથ પોલીસ સ્ટેશન હેઠળના લાલ બહાદુર શાસ્ત્રી કોલેજ પાસે બની હતી. એક પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો કારે સાહિલની બાઇકને એટલી જોરદાર ટક્કર મારી હતી કે કાર બેકાબૂ બનીને રસ્તાની બાજુમાં ઉભેલી એક ટેક્સી સાથે પણ અથડાઈ હતી. 

પરીક્ષા માટે આરોપીના વચગાળાના જામીન

આ અકસ્માતમાં સાહિલનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે ટેક્સી ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે સ્કોર્પિયો ચાલક માત્ર 17 વર્ષનો સગીર હતો અને તેની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ નહોતું. આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ બોર્ડની પરીક્ષા આપવા માટે તેને વચગાળાના જામીન મળી ગયા છે.

રીલ બનાવવાની લ્હાયમાં લેવાયો જીવ

આ અકસ્માત બાદ સાહિલની માતા ઇન્ના માકને સોશિયલ મીડિયાના માધ્યમથી ન્યાયની માંગ કરી છે અને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. સાહિલની માતાના જણાવ્યા અનુસાર, આ માત્ર અકસ્માત નથી પણ એક ગુનાહિત પ્રવૃત્તિ છે. તેમણે આક્ષેપ કર્યો છે કે સ્કોર્પિયો ચાલક પોતાની બહેન સાથે મળીને રસ્તા પર રીલ બનાવી રહ્યો હતો અને સ્ટંટ કરી રહ્યો હતો. 

આ કાર રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે દોડી રહી હતી અને બસની સામે સ્ટંટ કરવાના ચક્કરમાં સાહિલની બાઇકને ઉડાવી દીધી હતી. માતાએ દુઃખ સાથે જણાવ્યું કે, 'મેં મારા દીકરાને 23 વર્ષ સુધી સિંગલ મધર તરીકે એકલા હાથે ઉછેર્યો હતો અને આ લોકોએ મનોરંજન માટે રીલ બનાવવાના ચક્કરમાં મારા દીકરાનો જીવ લીધો.'

આ પણ વાંચો: ભારતના ઈતિહાસની સૌથી મોટી ડિફેન્સ ડીલ પર વાગશે મહોર! મેક્રોનની ભારત મુલાકાત પર દુનિયાભરની નજર

સ્કોર્પિયો પર ઓવર-સ્પીડિંગના 13 ચલણ

વધુમાં જાણવા મળ્યું છે કે જે સ્કોર્પિયો કારથી અકસ્માત સર્જાયો હતો તેના પર અગાઉથી જ ઓવર-સ્પીડિંગના 13 જેટલા ચલણ ફાટેલા હતા. સાહિલની માતાએ સવાલ ઉઠાવ્યો છે કે આટલા બધા ચલણ હોવા છતાં પિતાએ પોતાના સગીર દીકરાને કાર કેમ ચલાવવા આપી? તેમણે પોલીસ પાસે નિષ્પક્ષ તપાસની માંગ કરતા કહ્યું છે કે અમીર માબાપના બાળકો રસ્તા પર ગમે તે કરી શકે તેવી માનસિકતા સમાજ માટે જોખમી છે. હાલમાં આ મામલે સોશિયલ મીડિયા પર સાહિલ માટે ન્યાયની માંગ તેજ બની છે અને લોકો બેદરકારીપૂર્વક વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.