NTPC Fly Ash Eco-Friendly House: વર્તમાન સમયમાં વધતી જતી મોંઘવારી વચ્ચે સામાન્ય માણસ માટે ઘર બનાવવું એક સપનું બની ગયું છે, પરંતુ NTPC(નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન) દ્વારા રજૂ કરવામાં આવેલી નવી ટૅક્નોલૉજી આ સ્થિતિમાં મોટો બદલાવ લાવી શકે છે. NTPC એ કોલસાની રાખ એટલે કે 'ફ્લાય એશ'માંથી બનાવેલા ખાસ ઈકો-ફ્રેન્ડલી ઘરનું સફળ પ્રદર્શન કર્યું છે. 'સુખ'(Sukh) નામનું આ આધુનિક આવાસ માત્ર 1.5 લાખના બજેટમાં તૈયાર કરી શકાય છે. ખાસ વાત એ છે કે, આ ઘરના નિર્માણમાં પરંપરાગત ઈંટ, રેતી કે સિમેન્ટના સ્થાને 80% જેટલી ફ્લાય એશ વાપરવામાં આવી છે, જે પર્યાવરણની જાળવણીમાં પણ મહત્ત્વનું યોગદાન આપે છે.
શું છે ફ્લાય એશ ટૅક્નોલૉજી?
ફ્લાય એશ એ વાસ્તવમાં પાવર પ્લાન્ટમાં કોલસો સળગાવવાથી નીકળતી રાખ છે. અત્યાર સુધી તેને કચરો માનવામાં આવતી હતી, પરંતુ હવે તેમાં ચૂનો અને જીપ્સમ ભેળવીને અત્યંત મજબૂત બ્લોક્સ તૈયાર કરવામાં આવ્યા છે. આ ટૅક્નોલૉજીમાં 'પ્રી-ફેબ્રિકેટેડ' પદ્ધતિનો ઉપયોગ થાય છે, જેમાં ઘરના ભાગોને પઝલની જેમ એકબીજા સાથે જોડી દેવામાં આવે છે. આ પદ્ધતિથી જે ઘર બનાવતા મહિનાઓ લાગતા હતા, તે હવે માત્ર 15થી 20 દિવસમાં તૈયાર થઈ જાય છે. આ કારણે મજૂરી ખર્ચમાં પણ મોટી બચત થાય છે.
આવાસ યોજનાઓ માટે 'ગેમ-ચેન્જર' ટૅક્નોલૉજી
મજબૂતીની વાત કરીએ તો, રાખમાંથી બનેલા આ ઘર પર ભૂકંપ કે ખરાબ હવામાનની કોઈ ખાસ અસર થતી નથી. સામાન્ય લાલ ઈંટની સરખામણીએ ફ્લાય એશના બ્લોક્સ હલકા અને અગ્નિરોધક હોય છે, જે આગ સામે વધુ રક્ષણ આપે છે. આ ઉપરાંત, તેમાં ભેજ લાગવાની કે દિવાલ પર પોપડા ઉખડવાની સમસ્યા પણ નહિવત રહે છે. આ ટૅક્નોલૉજી ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો અને 'પ્રધાનમંત્રી આવાસ યોજના' માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે તેમ છે, કારણ કે તે કુદરતી સંસાધનોની બચત કરવાની સાથે સામાન્ય લોકોને સસ્તું અને સુરક્ષિત ઘર પૂરું પાડે છે.


