હવે 21 વર્ષની ઉંમરે બની શકાશે MP અને MLA? તેલંગાણા સરકાર લાવવા જઈ રહી છે નવો પ્રસ્તાવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Telangana Govt Proposal : રાજકારણના મોટા-મોટા દિગ્ગજોના પરસેવા છોડાવનારી Gen-Zના હાથમાં હવે માત્ર પ્લેકાર્ડ્સ નહીં, પરંતુ દેશ ચલાવવાની સાચી કમાન પણ આવી શકે છે. દિલ્હીના રસ્તાઓથી લઈને સત્તાના ગલિયારા સુધી, જ્યારે યુવાનોનો અવાજ ગૂંજ્યો ત્યારે સત્તાના ઉચ્ચ વર્તુળોમાં અફરાતફરી મચી ગઈ. હવે 21 વર્ષની નાની ઉંમરે જ દેશનો યુવાન ચૂંટણીના મેદાનમાં ઉતરીને સીધો વિધાનસભાનો દરવાજો ખટખટાવી શકશે. તેલંગાણાની રેવંત રેડ્ડી સરકાર આ અંગેની તૈયારી કરી રહી છે.
તેલંગાણા સરકાર ઓગસ્ટમાં યોજાનારા વિધાનસભા સત્રમાં એક ઐતિહાસિક પ્રસ્તાવ પસાર કરવા જઈ રહી છે. આ વિધેયક દ્વારા વિધાનસભા અને લોકસભા ચૂંટણી લડવાની ન્યૂનતમ વય મર્યાદા 25 વર્ષથી ઘટાડીને 21 વર્ષ કરવાની ભલામણ કેન્દ્ર સરકારને કરવામાં આવશે. જો આ પ્રસ્તાવ અમલમાં આવશે, તો 21 વર્ષના યુવાનો પણ ચૂંટણી જીતીને વિધાનસભા અને સંસદ સુધી પહોંચી શકશે.
દેશની 30% વસ્તી, પણ સંસદમાં 1% થી પણ ઓછું પ્રતિનિધિત્વ
મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ આ પગલાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, દેશમાં 1998 થી 2012 વચ્ચે જન્મેલા યુવાનો એટલે કે Gen-Zની વસ્તી લગભગ 30 ટકા છે, પરંતુ સંસદમાં તેમનું પ્રતિનિધિત્વ 1 ટકાથી પણ ઓછું છે. રેવંત રેડ્ડીએ કહ્યું કે યુવાનોની શક્તિને નજરઅંદાજ કરી શકાય નહીં. તેમણે 2021ના કિસાન આંદોલનનું ઉદાહરણ આપતાં કહ્યું કે, જ્યારે યુવાનો અને જનતા રસ્તા પર ઉતરે છે ત્યારે મોટામાં મોટી સરકારોએ પણ પોતાના નિર્ણયો પાછા ખેંચવા પડે છે.
દિલ્હીમાં પ્રદર્શન અને વિદ્યાર્થીઓની જીતનો ઉલ્લેખ
દિલ્હીના જંતર-મંતર પર થયેલા તાજેતરના વિદ્યાર્થી પ્રદર્શનો અને દેશના રાજકીય ઘટનાક્રમો સાથે જોડતાં મુખ્યમંત્રીએ કહ્યું, 'આજે મને મારા Gen-Z ભાઈઓ અને બહેનોના ચહેરા પર જીતનું સ્મિત દેખાઈ રહ્યું છે. યુવાનોના બુલંદ ઈરાદાઓએ શિક્ષણ મંત્રીને પણ રાજીનામું આપવા મજબૂર કરી દીધા.' જોકે, તેમણે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને કેન્દ્ર સરકાર પર દિલ્હીમાં પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ સાથેના વ્યવહારને લઈને તીખા પ્રહારો કર્યા હતા.
યુવાનોના હાથમાં હશે રાજકારણની કમાન
તેલંગાણા સરકારના આ પગલાને દેશભરના યુવાનો માટે એક ક્રાંતિકારી પહેલ માનવામાં આવી રહી છે. દિલ્હીથી લઈને હૈદરાબાદ સુધીના વિદ્યાર્થી આંદોલનોની અસરે સાબિત કરી દીધું છે કે, યુવાનો હવે મુકપ્રેક્ષક બનવા તૈયાર નથી. 21 વર્ષની ઉંમરે ધારાસભ્ય કે, સાંસદ બનવાનો હક મળવાથી દેશના મુખ્યધારાના રાજકારણમાં યુવાનોની ભૂમિકા કાયમ માટે બદલાઈ શકે છે.
કેન્દ્ર સરકાર અને PM મોદીને અપીલ
મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ પીએમ નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે, તેઓ સંસદમાં સીટ પરિસીમન બેઠકોનો વધારો અને મહિલા અનામતની સાથે સાથે યુવાનો માટે ચૂંટણી લડવાની ઉંમર 21 વર્ષ કરવાનો કેન્દ્રીય વિધેયક પણ રજૂ કરે. તેમણે માંગ કરી હતી કે, આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા બાળકોના પરિવારોને કેન્દ્ર સરકાર વળતર આપે, અને વિદ્યાર્થીઓ સામે નોંધાયેલા તમામ કેસો તરત જ પાછા ખેંચવામાં આવે.









