India

હવે આ રાજ્યમાં ‘ઓપરેશન લોટસ’ની ચર્ચા! 2થી વધીને સીધી 15 થઈ જશે ભાજપના ધારાસભ્યોની સંખ્યા

By GS Team
30 Aug 20262 mins read
TukuTouch Logo
મેઘાલયમાં 'ઓપરેશન લોટસ' તેજ બન્યું છે. UDPના 9 અને TMCના 4 ધારાસભ્યો ભાજપમાં જોડાશે તેવી શક્યતા છે. આ અંગે કેન્દ્રીય નેતૃત્વ સાથે વાતચીત ચાલી રહી છે. ભાજપના હાલના 2 ધારાસભ્યો સાથે આ સંખ્યા 15 થઈ શકે છે. પૂર્વ મુખ્યમંત્રી મુકુલ સંગમા પણ TMC જૂથમાં સામેલ છે. 2028ની ચૂંટણી પહેલાં ભાજપ પોતાનો પાયો મજબૂત કરી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે આ રાજ્યમાં ‘ઓપરેશન લોટસ’ની ચર્ચા! 2થી વધીને સીધી 15 થઈ જશે ભાજપના ધારાસભ્યોની સંખ્યા

Operation Lotus In Meghalaya: મેઘાલયના રાજકારણમાં મોટા ઉલટફેરની આશંકા સેવાઈ રહી છે. યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટી (UDP)ના 12 માંથી ઓછામાં ઓછા 9 ધારાસભ્યો અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના તમામ ચાર ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાવાની તૈયારી કરી રહ્યા છે.

મેઘાલયમાં BJPનું 'ઓપરેશન લોટસ'

મેઘાલયમાં ભાજપનું ‘ઓપરેશન લોટસ’ વેગ પકડી રહ્યું હોય તેમ લાગે છે. વિધાનસભામાં હાલમાં માત્ર બે ધારાસભ્યો ધરાવતી આ પાર્ટી અચાનક 15 ના આંકડા સુધી પહોંચી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર યુડીપીના નવ અને મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના ચાર સહિત કુલ 13 વર્તમાન ધારાસભ્યો ભગવા પક્ષમાં જોડાવા માટે તૈયાર છે. રાજ્ય ભાજપના નેતાઓએ પુષ્ટિ કરી છે કે, આ સંબંધમાં કેન્દ્રીય નેતૃત્વ સાથે વાતચીત ચાલી રહી છે. ટીએમસી જૂથમાં પૂર્વ મુખ્યમંત્રી ડો. મુકુલ સંગમા પણ સામેલ હોવાનું કહેવાય છે. 60 સભ્યોની વિધાનસભામાં યુડીપીના 12 અને ટીએમસીના ચાર ધારાસભ્યો છે. તેમાંથી કેટલાકે તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી.

કેબિનેટ ફેરબદલથી વધ્યો અસંતોષ

નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) ના નેતૃત્વ હેઠળની મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સ સરકારમાં સહયોગી યુડીપીની અંદર સપ્ટેમ્બર 2025ના કેબિનેટ ફેરબદલ પછી અસંતોષ ઊભો થયો હતો. પર્યટન મંત્રી પોલ લિંગદોહની જગ્યાએ પાર્ટી અધ્યક્ષ મેટબાહ લિંગદોહને કેબિનેટમાં સામેલ કરવામાં આવતા પક્ષમાં આંતરિક વિખવાદ ઘેરો બન્યો હતો. 2028ની વિધાનસભા ચૂંટણી પહેલાં આ તિરાડ વધુ સ્પષ્ટ થઈ છે. યુડીપીના એક સિનિયર નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, 'જો પાર્ટીનું વિભાજન થવાનું હશે તો થશે. પક્ષપલટા વિરોધી કાયદા (Anti-Defection Law) થી બચવા માટે પૂરતી સંખ્યા હોય તો કોઈ તેમને રોકી શકશે નહીં.'

ભાજપે વાતચીતની પુષ્ટિ કરી

મેઘાલયના એક વરિષ્ઠ ભાજપ નેતાએ જણાવ્યું કે, રાજ્ય એકમના અધ્યક્ષે યુડીપી ધારાસભ્યોને આમંત્રિત કર્યા હતા, પરંતુ હવે તેઓ સીધા કેન્દ્રીય નેતાઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. હાલમાં વિધાનસભામાં ભાજપના બે ધારાસભ્યો એવા અલેક્ઝાન્ડર લાલૂ હેક અને સનબોર શુલ્લાઈ છે. 2028ની ચૂંટણીમાં ભાજપનો લક્ષ્યાંક રાજ્યમાં પોતાના નેતૃત્વ હેઠળની સરકાર બનાવવાનો છે. તાજેતરમાં શિક્ષણ મંત્રી લાહકમેન રિમબુઈના નેતૃત્વમાં યુડીપીના આઠ સભ્યોના પ્રતિનિધિમંડળે અમિત શાહ અને પૂર્વોત્તર પ્રભારી સંબિત પાત્રા સાથે મુલાકાત કરી હતી. જેમાં વિવિધ સ્થાનિક મુદ્દાઓ સાથે સંભવિત વિલીનીકરણ અંગે પણ ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે.

આંકડાકીય સમીકરણો

જો 9 યુડીપી અને 4 ટીએમસી ધારાસભ્યો જોડાય છે, તો ભાજપને 13 ધારાસભ્યોનો સીધો ફાયદો થશે. પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ ગેરલાયક ઠરવાથી બચવા માટે વિલીનીકરણના ભાગરૂપે ઓછામાં ઓછા 8 યુડીપી અને 3 ટીએમસી ધારાસભ્યોએ સાથે આવવું જરૂરી છે. આમ થતાં ભાજપની સંખ્યા 15 થઈ જશે અને તે ગઠબંધનમાં બીજો સૌથી મોટો પક્ષ બની જશે.

હાલમાં NPP પાસે 33 ધારાસભ્યો છે, અને તે એકલી સરકાર ચલાવી શકે તેમ છે. જોકે 2028ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ રાજ્યમાં પોતાનો પાયો મજબૂત કરી રહ્યું છે.