India

હવે PF વિવાદો થશે ખતમ! EPFOએ શરૂ કરી જોરદાર સ્કીમ, મોટી રાહત આપવાનો નિર્ણય

By GS Team
4 Sep 20263 mins read
TukuTouch Logo
EPFO એ જૂના PF વિવાદો પતાવવા 'VISHWAS 2026' યોજના શરૂ કરી છે. આ અંતર્ગત, પાત્ર કંપનીઓ અને નોકરીદાતાઓને PF જમા કરાવવામાં થયેલા વિલંબના કેસો એકસાથે પતાવવાની તક મળશે. આ યોજનામાં પેનલ્ટીમાં મોટો ઘટાડો કરાયો છે. અરજી કરવાની છેલ્લી તારીખ 28 ડિસેમ્બર 2026 છે. આ માટે ઓનલાઈન અરજી કરી શકાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે PF વિવાદો થશે ખતમ! EPFOએ શરૂ કરી જોરદાર સ્કીમ, મોટી રાહત આપવાનો નિર્ણય

EPFO New Scheme VISHWAS 2026 : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા જૂના પ્રોવિડન્ટ ફંડ (PF) વિવાદોનો કાયમી ઉકેલ લાવવા માટે એક નવી 'VISHWAS 2026' સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત પાત્ર કંપનીઓ અને નોકરીદાતાઓને પીએફ જમા કરાવવામાં થયેલા વિલંબના જૂના કેસો એક સાથે પતાવવાની મોટી તક મળી રહી છે. આ સ્કીમની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના હેઠળ વસૂલવામાં આવતી પેનલ્ટીમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે.

અરજી કરવાની છેલ્લી તારીખ 28 ડિસેમ્બર 2026

EPFO દ્વારા તમામ પાત્ર નોકરીદાતાઓને આ રાહત યોજનાનો તાત્કાલિક લાભ લેવા અપીલ કરવામાં આવી છે. VISHWAS 2026 સ્કીમ હેઠળ અરજી કરવાની અંતિમ તારીખ 28 ડિસેમ્બર 2026 નક્કી કરવામાં આવી છે. સંસ્થાના જણાવ્યા અનુસાર આ મુદતમાં હવે પછી કોઈ વધારો થવાની શક્યતા નથી, જેથી સમયમર્યાદામાં જ પતાવટ કરી લેવી હિતાવહ છે.

પેનલ્ટીના દરમાં મોટો ઘટાડો

સામાન્ય રીતે પીએફ જમા કરાવવામાં મોડું થાય ત્યારે નુકસાની પેટે વસૂલાતી પેનલ્ટી વાર્ષિક 37 ટકા જેટલી ઊંચી પહોંચી જતી હતી. VISHWAS 2026 હેઠળ આ દરમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. હવે જો પીએફ ભરવામાં 2 મહિના સુધીનો વિલંબ થયો હોય તો નુકસાનીનો દર દર મહિને 0.25 ટકા રહેશે. 2 થી 4 મહિનાના વિલંબ પર દર મહિને 0.50 ટકા અને 4 મહિનાથી વધુ સમયના વિલંબ પર દર મહિને માત્ર 1 ટકા પેનલ્ટી લેવામાં આવશે.

હાઈકોર્ટે પણ સ્કીમને આવકારી, જૂના કેસો પતાવવા આપ્યા આદેશ

દેશની વિવિધ વડી અદાલતોએ પણ જૂના કેસોનો ઝડપી નિકાલ લાવવા માટે આ યોજનાને ખૂબ જ અસરકારક ગણાવી છે. બોમ્બે હાઈકોર્ટની પુણે બેંચે એક નોકરીદાતાને આ યોજના હેઠળ અરજી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત મદ્રાસ હાઈકોર્ટે નોકરીદાતાની સંમતિ બાદ કેસ બંધ કર્યો હતો, જ્યારે કેરળ હાઈકોર્ટે પણ 19 અલગ-અલગ કેસોમાં નોકરીદાતાઓને VISHWAS 2026 સ્કીમનો લાભ લેવા નિર્દેશ આપ્યા છે.

કયા કેસોમાં મળશે યોજનાનો લાભ?

આ સ્કીમનો લાભ 14 જૂન 2024 પહેલાં પીએફ ચુકવણીમાં વિલંબ થયો હોય તેવા તમામ પાત્ર કેસોને મળશે. જેમાં કોર્ટ અથવા ટ્રિબ્યુનલમાં પેન્ડિંગ હોય તેવા કેસો, પેનલ્ટી ઓર્ડર પછી રિકવરી બાકી હોય તેવા કેસો, પેન્ડિંગ પેનલ્ટી નોટિસ વાળા મામલાઓ તેમજ વિલંબ નોંધાયો હોય પરંતુ હજુ સુધી પેનલ્ટી નોટિસ જારી ન થઈ હોય તેવા કિસ્સાઓનો સમાવેશ થાય છે.

ઓનલાઈન અરજી પ્રક્રિયા અને સેટલમેન્ટ સર્ટીફિકેટ

યોજનાનો લાભ મેળવવા માટે નોકરીદાતાએ સૌથી પહેલાં વિલંબ પરનું બાકી વ્યાજ ચૂકવવું પડશે. ત્યારબાદ EPFO Employer Portal પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. પોર્ટલ આપમેળે નવી ગણતરી મુજબ પેનલ્ટી નક્કી કરશે, જેને ચૂકવવા માટે 15 દિવસનો સમય આપવામાં આવશે. જરૂર પડ્યે વધુ 15 દિવસની વધારાની મુદત પણ મળી શકશે. ચુકવણી પૂર્ણ થતાં જ EPFO દ્વારા ડિજિટલી સાઈન કરેલું સેટલમેન્ટ સર્ટીફિકેટ અપાશે, જેના આધારે કોર્ટ કે ટ્રિબ્યુનલના કેસ બંધ થઈ શકશે. આ સહાય માટે EPFO ની 153 પ્રાદેશિક કચેરીઓમાં ખાસ VISHWAS સેલ અને હેલ્પડેસ્ક પણ શરૂ કરવામાં આવ્યા છે.