'ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સિવાય કંઇ ચલાવી નહીં લેવાય...', PMની જાહેરાત બાદ પણ વિપક્ષ મક્કમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Paper Leak Row: દેશભરમાં પેપર લીક, શિક્ષણ વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર અને રોજગારીના મુદ્દે રોડથી લઈને સંસદ સુધી સંગ્રામ છેડાઈ ગયો છે. આ તમામ વિરોધ પ્રદર્શનો વચ્ચે પીએમ મોદીએ પેપર લીકમાં સંકળાયેલા દોષિતોને વહેલામાં વહેલી તકે કડકમાં કડક સજા અપાવવાનું વચન આપ્યું છે. સોશિયલ મીડિયા પર માહિતી આપતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે યુવાનોના ભવિષ્ય સાથે રમત રમનારા કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં અને આવા કેસોના ઝડપી નિકાલ માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટ્સની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, પીએમ મોદીના આ નિર્ણય બાદ પણ પ્રદર્શનકારીઓ અને વિરોધ પક્ષો પોતાની માગણીઓ પર અડગ રહ્યા છે.
CJP અને વિપક્ષી નેતાઓ પોતાની માગ પર કાયમ
વિદ્યાર્થી આંદોલનની આગેવાની કરી રહેલી કોકરોચ જનતા પાર્ટી(CJP) અને તેના સંસ્થાપક અભિજિત દીપકેએ આ નિર્ણય બાદ પણ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ દોહરાવી છે. બીજી તરફ, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર સીધો હુમલો કરતાં આરોપ લગાવ્યો હતો કે દેશની શિક્ષણ વ્યવસ્થાને બરબાદ કરવા અને યુવાનોના ભવિષ્યને નુકસાન પહોંચાડવા માટે પીએમ પોતે જવાબદાર છે. તેમણે શિક્ષણ મંત્રીને પદ પરથી હટાવવા, પીએમ વિદ્યાર્થીઓની માફી માંગે અને હિંસા કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગણીઓ ફરી રજૂ કરી હતી. આ સાથે જ કોંગ્રેસ નેતા જયરામ રમેશે પીએમ પર સંસદમાં ચર્ચાથી ભાગવાનો આરોપ લગાવ્યો હતો.
સમાજવાદી પાર્ટી અને પ્રિયંકા ગાંધીના સરકાર પર પ્રહારો
સમાજવાદી પાર્ટીના સાંસદ રામગોપાલ યાદવે સવાલ ઉઠાવ્યો હતો કે ભાજપના શાસનમાં કેટલા પેપર લીક થયા અને કેટલા લોકો સામે કાર્યવાહી થઈ? તેમણે નિર્દોષ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરનારાઓ સામે પણ વિરોધ નોંધાવ્યો હતો. આ સિવાય કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે દેશના હજારો વિદ્યાર્થીઓ દિલ્હીના જંતર-મંતર અને ઇન્ડિયા ગેટ પર વિરોધ કરી રહ્યા છે અને તેમનો સિસ્ટમ પરથી ભરોસો ઊઠી ગયો છે. જો સરકાર ખરેખર વિદ્યાર્થીઓની ચિંતા કરતી હોય તો તેમના પર લાઠીચાર્જ અને ટીયર ગેસ શા માટે છોડવામાં આવ્યા? સરકારે આ ડર છોડીને વિદ્યાર્થીઓ સાથે વાત કરવી જોઈએ અને તેના પ્રથમ પગલા રૂપે શિક્ષણ મંત્રીનું રાજીનામું લેવું જોઈએ.









