'જ્ઞાનેશજી નહીં, ગણેશજી કરે છે BJP ની મદદ': વિપક્ષના વિરોધ વચ્ચે ભાજપનો કોંગ્રેસને જવાબ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sambit Patra Press conference Form 6 Controversy : ભારતીય જનતા પાર્ટીના સાંસદ સંબિત પાત્રાએ ફોર્મ-6 અંગે દિલ્હી મુખ્યાલય ખાતે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. મુખ્ય ચૂંટણી આયુક્ત (CEC) જ્ઞાનેશ કુમાર અને SIR વિરુદ્ધ 'ઇન્ડિયા' ગઠબંધન દ્વારા દિલ્હીમાં સંસદ ભવનથી ચૂંટણી પંચના મુખ્યમથક સુધીના માર્ચના આયોજન પહેલા સંબિત પાત્રાએ આ નિવેદન આપ્યું હતું. તેમણે કટાક્ષ કરતા જણાવ્યું કે, "ભાજપની મદદ જ્ઞાનેશજી નહીં, પરંતુ ગણેશજી કરી રહ્યા છે."
'અરાજકતા ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે'
સંબિત પાત્રાએ આરોપ લગાવ્યો કે છેલ્લા કેટલાક સપ્તાહો અને મહિનાઓથી ચૂંટણી પંચ પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. અગાઉ સેના, સુપ્રીમ કોર્ટ, HAL અને EVM પર નિશાન સાધવામાં આવ્યું હતું અને હવે ચૂંટણી પંચનો ઉપયોગ કરીને દેશમાં અરાજકતાનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે ગણેશજી જ્ઞાન અને બુદ્ધિના દેવતા છે, તેથી ભાજપને બુદ્ધિથી મદદ મળી રહી છે. જનતા પરિવારવાદ અને ભ્રષ્ટાચારને સમર્થન આપનારાઓને સારી રીતે ઓળખે છે અને તેમને ચૂંટણીમાં નકારી કાઢ્યા છે.
રાહુલ ગાંધીની રી-લૉન્ચિંગ પર સવાલ
સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર સીધો પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ પક્ષ દ્વારા સતત વર્ષોથી બંધારણીય સંસ્થાઓ પર હુમલા કરવામાં આવી રહ્યા છે. અનેક પ્રયાસો છતાં રાહુલ ગાંધીને લૉન્ચ કે રી-લૉન્ચ કરવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી છે, જેના કારણે હવે ભારતના લોકતંત્ર પર જ હુમલા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
રાહુલ ગાંધી સામે પૂછવામાં આવ્યા પ્રશ્નો
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સંબિત પાત્રાએ રાહુલ ગાંધી સમક્ષ મહત્વપૂર્ણ સવાલો ઉઠાવ્યા હતા:
- શું મૃતકોના નામ મતદાર યાદીમાંથી ન હટાવવા જોઈએ?
- શું રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ વોટ ચોરીથી સાંસદ બન્યા છે?
- શું કર્ણાટક, કેરળ, તેલંગાણા અને હિમાચલ પ્રદેશની સરકારો વોટ ચોરીથી બની છે?
- શું ચૂંટણી જીતે ત્યારે ચૂંટણી પંચ સાચું અને હારે ત્યારે 'હાય-હાય' કરવાનો વિરોધ યોગ્ય છે?
- અરાજકતા ફેલાવીને શું રાહુલ ગાંધીનું રી-લૉન્ચિંગ કરવાનો પ્રયાસ છે?




