હોર્મુઝમાં ભારતીય ટેન્કરોને ‘નો એન્ટ્રી’ ! ઈરાને અધવચ્ચેથી પાછું મોકલ્યું, કારણ આવ્યું સામે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran Blocks Indian Tanker : મિડલ ઈસ્ટના હોર્મુઝ જળમાર્ગમાં ફરી ભારે તણાવની સ્થિતિ ઉભી થઈ છે. ઈરાનની સેનાએ એક ભારતીય તેલ ટેન્કરને અટકાવીને અધવચ્ચેથી જ પાછું મોકલી દીધું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય સંઘર્ષના કારણે આ આખો દરિયાઈ વેપાર માર્ગ અત્યારે યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયો છે.
ઓમાન કોરિડોરનો ઉપયોગ કરતા ભારતીય ટેન્કરને રોકાયું
ઈરાનની ન્યૂઝ એજન્સી ફાર્સે જણાવ્યું છે કે, 'હોર્મુઝ જળમાર્ગમાં ઓમાનના કોરિડોરથી પસાર થઈ રહેલા એક ભારતીય તેલ ટેન્કરને પાછું મોકલી દેવાયું છે.' આ આંતરરાષ્ટ્રીય રૂટ પર ઈરાની સેનાએ સખત વિરોધ નોંધાવ્યો હતો અને ભારતીય ટેન્કરને ત્યાંથી પાછા વળી જવા આદેશ આપ્યો હતો.
ઈરાનની ખુલ્લી ચેતવણી
ખરેખર તો ફસાયેલા જહાજોને નીકાળવા માટે યુએન અને ઓમાને જૂનમાં એક કામચલાઉ ઓમાન કોરિડોર બનાવ્યો હતો, જેની દેખરેખ અમેરિકા કરે છે. પરંતુ ફાર્સે જણાવ્યું કે, ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) રેડિયો દ્વારા સતત ચેતવણી આપી રહી છે કે, 'જહાજો ઓમાન કોરિડોરના બદલે ઈરાન દ્વારા નક્કી કરાયેલા કોરિડોરનો જ ઉપયોગ કરે.'
ગુજરાત આવી રહેલા જહાજ પર ડ્રોન એટેક
આ અગાઉ મંગળવારે કતારથી LNG ગેસ લઈને ભારત આવી રહેલા એક મોટા જહાજ પર ડ્રોન હુમલો થયો હતો. આ જહાજ ગુજરાત આવી રહ્યું હતું ત્યારે જ હોર્મુઝ પાસે તેના એન્જિન રૂમમાં આગ લાગી ગઈ હતી. જહાજ પર 4 ભારતીય સહિત કુલ 29 ક્રૂ મેમ્બર્સ સવાર હતા અને સદનસીબે તમામ સુરક્ષિત છે. સાઉદી અરેબિયાના અન્ય એક ટેન્કર 'વાડિયાન' પર પણ હુમલો થયો હતો, જેના માટે કંપનીએ કહ્યું કે 'કાર્ગો સુરક્ષિત છે અને જહાજ સમુદ્રમાં ચાલવા લાયક સ્થિતિમાં છે.'
અમેરિકાનો ઈરાન પર પ્રચંડ હુમલો
કમર્શિયલ જહાજો પર થઈ રહેલા હુમલાના જવાબમાં અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે (CENTCOM) ઈરાની ઠેકાણાઓ પર જોરદાર એરસ્ટ્રાઈક કરી છે. CENTCOM ના જણાવ્યા અનુસાર, 'અમેરિકી સેનાએ સચોટ નિશાન લગાવતા હથિયારોથી ઈરાનના 80 થી વધુ લશ્કરી ઠેકાણાઓને તોડી પાડ્યા છે.' આ હુમલામાં ઈરાનની 60 થી વધુ સ્પીડ બોટ પણ નષ્ટ કરી દેવામાં આવી છે. તેના વળતા પ્રહારમાં ઈરાને પણ બુધવારે કુવૈત અને બહેરીન પર હુમલા કર્યા છે.









