Om Birla No Confidence Motion: લોકસભામાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સામે મોરચો માંડતા તેમના વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ રજૂ કરી છે. વિપક્ષી નેતાઓએ લોકસભાના નિયમ 94(C)નો હવાલો આપી સ્પીકરને પદમુક્ત કરવાની માંગ સાથે લોકસભાના મહાસચિવને આ નોટિસ સોંપી છે.
આ દરખાસ્ત પર કોંગ્રેસ, સપા, ડાબેરી પક્ષો અને આરજેડી સહિતના કુલ 118 સાંસદોએ સહી કરી છે. જોકે, તૃણમૂલ કોંગ્રેસે(TMC) એ દૂરી જાળવી રાખી છે, જે વિપક્ષી ગઠબંધનમાં આંતરિક મતભેદ હોવાના સંકેત આપે છે.
પક્ષપાતી વલણનો આક્ષેપ
વિપક્ષનો આરોપ છે કે સ્પીકર ગૃહની કાર્યવાહીમાં પક્ષપાતી વલણ અપનાવી રહ્યા છે અને વિપક્ષનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ અંગે આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, 'સરકારના દબાણને કારણે સ્પીકર પદની ગરિમા જળવાતી નથી અને તેમણે વડાપ્રધાનના બચાવમાં સફાઈ આપવી પડે છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે.'
સંસદના નિયમો મુજબ, સ્પીકરને હટાવવાનો પ્રસ્તાવ પસાર કરવા માટે ઓછામાં ઓછા 50 સાંસદોનું સમર્થન જરૂરી હોય છે અને નોટિસ આપ્યાના 14 દિવસ બાદ તેના પર ચર્ચા હાથ ધરવામાં આવે છે. જ્યારે આ પ્રસ્તાવ વિચારાધીન હોય, ત્યારે સ્પીકર પોતે ગૃહનું સંચાલન કરી શકતા નથી.
ઓમ બિરલા વિરુદ્ધનો પ્રસ્તાવ પસાર થવો અત્યંત મુશ્કેલ
જોકે, આંકડાકીય દૃષ્ટિએ જોતાં ઓમ બિરલા વિરુદ્ધનો આ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થવો અત્યંત મુશ્કેલ જણાય છે. ભલે વિપક્ષ પાસે 220થી વધુ સાંસદોનું સંખ્યાબળ હોય અને તેઓ પ્રસ્તાવ લાવી શકે તેમ હોય, પરંતુ લોકસભામાં પ્રસ્તાવને અંતિમ મંજૂરી આપવા માટે બહુમતીની જરૂર પડે છે. હાલમાં ગૃહમાં NDA પાસે સ્પષ્ટ બહુમતી હોવાથી વિપક્ષ માટે આ પ્રસ્તાવને સફળ બનાવવો એક મોટો પડકાર છે. તેમ છતાં, વિપક્ષના આ પગલાએ બ્રિટિશ સંસદીય પ્રણાલીની જેમ ભારતીય રાજકારણમાં પણ ગરમાવો લાવી દીધો છે.


