નીતિન ગડકરીના ડ્રીમ પ્રોજેક્ટને ઝટકો! સેટેલાઇટ દ્વારા ટોલ ટેક્સનો પ્લાન કેમ ખોટકાયો?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nitin Gadkari News : કેન્દ્ર સરકારની બહુપ્રતીક્ષિત સેટેલાઇટ દ્વારા ટોલ ટેક્સ વસૂલવાની મહત્ત્વકાંક્ષી યોજના હાલમાં મોકૂફ રાખવામાં આવી છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ વાહનોમાં ટ્રેકિંગ ડિવાઇસ (OBU) લગાવવાથી જાસૂસીની આશંકા અને સામાન્ય લોકોની વ્યક્તિગત ગોપનીયતા (Privacy) સાથે સમાધાન થવાની ચિંતા છે.
ગોપનીયતા અને રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતા
રાષ્ટ્રીય ધોરીમાર્ગોને ટોલ પ્લાઝા મુક્ત કરવા અને 'જેટલું અંતર, તેટલો ટોલ ટેક્સ'ના સિદ્ધાંત પર આધારિત GNSS(સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ)ને હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષા અને નાગરિકોની ગોપનીયતાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
શું હતો પ્લાન?
આ ટૅક્નોલૉજી હેઠળ, દરેક વાહનમાં ઓન-બોર્ડ યુનિટ (OBU) ટ્રેકિંગ ડિવાઇસ લગાવવું ફરજિયાત હતું. તેનાથી વાહનના રૂટ, સ્ટોપેજ, ગતિ અને ગંતવ્ય જેવી માહિતી સતત રૅકોર્ડ થતી રહેતી. અધિકારીના જણાવ્યા અનુસાર, આ ડેટાના દુરુપયોગથી સામાન્ય નાગરિકોના ખાનગી જીવનમાં દખલ અને VIP મૂવમેન્ટની માહિતી લીક થવાનો ખતરો હતો, જે સુરક્ષાની દૃષ્ટિએ ગંભીર જોખમ છે.
હવે ANPR ટૅક્નોલૉજી પર કામગીરી
સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના સચિવ વી. ઉમાશંકરે જણાવ્યું કે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન યોજના સ્થગિત કરી દેવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે આ ટૅક્નોલૉજીથી વાહનના લોકેશન અને ડ્રાઇવરનો ડેટા ટ્રેક કરવો શક્ય હતો. હવે મંત્રાલય ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) યોજના પર કામ કરી રહ્યું છે, જેમાં કોઈ ડિવાઇસની જરૂર પડશે નહીં.
શું છે કારણ?
આ યોજના હેઠળ, હાઇવે પર લગાવેલા કેમેરા નંબર પ્લેટ વાંચીને હાલના ફાસ્ટેગ વોલેટમાંથી સીધી ટોલની રકમ કાપી લેશે. સરકારે અગાઉ બેંગ્લોર-મૈસૂર એક્સપ્રેસવે અને હરિયાણાના કેટલાક ભાગોમાં સેટેલાઇટ ટોલ સિસ્ટમનો ટ્રાયલ કર્યો હતો. જોકે, ગોપનીયતાની ચિંતાઓને કારણે આ યોજનાને હાલ પડતી મૂકાયાની ચર્ચા છે.








