હિમાલયમાં વિનાશના નવા સંકેત, બરફ પર જામેલી પ્રદૂષણની ચાદર મોટી આફતનું બની શકે કારણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Himalaya and Pollution News : હિમાલયના ગ્લેશિયરો જે એક સમયે એકદમ સફેદ અને સ્વચ્છ દેખાતા હતા, તે હવે વાહનોના ધુમાડા, કોલસાના પ્લાન્ટ્સ અને ફેક્ટરીઓમાંથી નીકળતા પ્રદૂષણને કારણે કાળા પડી રહ્યા છે. વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે ગ્લેશિયર પર જામી રહેલી આ કાળી પરત (બ્લેક કાર્બન) ને કારણે બરફ સૂર્યની ગરમી વધારે પ્રમાણમાં સોષી રહ્યો છે, જેનાથી ગ્લેશિયરો ઝડપથી પીગળી રહ્યા છે.
ગરમી સોષવાની ક્ષમતામાં વધારો
કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર માર્કો ટેડેસ્કોના જણાવ્યા મુજબ, સ્વચ્છ અને ઊંચાઈ પર આવેલો બરફ સૂર્યના કિરણોને 90% સુધી પરાવર્તિત (રિફ્લેક્ટ) કરી દે છે. પરંતુ જ્યારે કાળી મેશ અને પ્રદૂષકો બરફ પર જમા થાય છે, ત્યારે આ પરાવર્તન કરવાની ક્ષમતા ઘટી જાય છે. પરિણામે બરફ વધુ ગરમી સોષે છે અને ઝડપથી પીગળવા લાગે છે.
1/3 નુકસાન માટે 'બ્લેક કાર્બન' જવાબદાર
ચાઇનીઝ એકેડેમી ઓફ સાયન્સિસના એક અભ્યાસ અનુસાર, 2007 થી 2016 દરમિયાન હિમાલયમાં ગ્લેશિયરને થયેલા કુલ નુકસાનમાં દક્ષિણ એશિયાના 'બ્લેક કાર્બન'નો હિસ્સો એક તૃતીયાંશ (1/3) સુધીનો હતો. બરફ પીગળીને અંદર ઊંડી સુરંગો બનાવે છે, જેનાથી ગ્લેશિયર અસ્થિર થઈને તૂટી પડે છે અને ભૂસ્ખલન તથા પૂર જેવી હોનારતો સર્જાય છે.
COVID-19 લોકડાઉન દરમિયાન જોવા મળ્યો સુધારો
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટિયોરોલોજીના 2023 ના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે 2020 ના COVID-19 લોકડાઉન દરમિયાન પ્રદૂષણમાં ઘટાડો થવાથી બરફની સપાટી ચમકદાર બની હતી. તે સમયે હિમાલયમાં બરફ પીગળવાની પ્રક્રિયામાં 40% સુધીનો ઘટાડો નોંધાયો હતો, જે દર્શાવે છે કે પ્રદૂષણ નિયંત્રિત કરવું કેટલું જરૂરી છે.
નેપાળે તાજેતરના પૂરને 'હિમાલયન સુનામી' ગણાવ્યું
નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલે તાજેતરમાં ભોટેકોશી નદીમાં આવેલી ભયાનક પૂરની હોનારતને 'હિમાલયન સુનામી' ગણાવી હતી. તેમણે ચીન, અમેરિકા અને ભારત જેવા મોટા ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જક દેશો સામે અપીલ કરતા કહ્યું હતું કે નેપાળ જેવા સંવેદનશીલ દેશોને પ્રકૃતિના રક્ષણ અને નુકસાન માટે વળતર આપવું એ આ દેશોની ઐતિહાસિક જવાબદારી છે.




