| (IMAGE - IANS) |
New LPG Rules from May 1: વેસ્ટ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિને કારણે ક્રૂડ ઓઇલ અને ગેસના આયાત પર અસર પડી છે. આ સ્થિતિને પહોંચી વળવા અને સ્થાનિક સ્તરે ગેસના ભાવ પર નિયંત્રણ મેળવવા માટે સરકારે એલપીજી બુકિંગ અને ડિસ્ટ્રિબ્યુશનના નિયમોમાં ફેરફાર કર્યો છે. 1 મેથી અમલી બનેલા નવા નિયમ મુજબ, જો કોઈ ગ્રાહકના ઘરે PNG(પાઇપલાઇન ગેસ) કનેક્શન હશે, તો તેણે પોતાનું LPG કનેક્શન સરેન્ડર કરવું પડશે. જો તમે PNG હોવા છતાં LPG સિલિન્ડર રાખશો, તો ઓઇલ કંપનીઓ તમને ગેસનો સપ્લાય આપશે નહીં.
e-KYC વેરિફિકેશન વગર નહીં મળે ગેસ રિફિલ
નવા નિયમો મુજબ હવે દરેક ગ્રાહકે આધાર કાર્ડ આધારિત e-KYC કરાવવું ફરજિયાત છે. જે ગ્રાહકોનું વેરિફિકેશન અધૂરું હશે, તેમને સિલિન્ડરની ડિલિવરી રોકી દેવામાં આવશે. ખાસ કરીને એવા ગ્રાહકો કે જેમણે જૂન 2025 પહેલા ગેસ રિફિલ કરાવ્યો હતો, તેમને ઇનએક્ટિવ ગ્રાહક માનવામાં આવશે અને જ્યાં સુધી તેઓ વેરિફિકેશન પૂર્ણ નહીં કરે ત્યાં સુધી નવા સિલિન્ડરનો ઓર્ડર આપી શકશે નહીં. આ ઉપરાંત, હવે સિલિન્ડરની ડિલિવરી સમયે OTP(વન ટાઈમ પાસવર્ડ) વેરિફિકેશન પણ ફરજિયાત બની રહ્યું છે.
ડબલ કનેક્શન અને સબસિડી પર કાપ
તેલ કંપનીઓ હવે PNG અને LPG ડેટાબેઝનું ક્રોસ ચેકિંગ કરી રહી છે. જે ઘરોમાં બેવડા ઇંધણના જોડાણો હશે તેમને હવે સબસિડીવાળા સિલિન્ડરની સુવિધા મળશે નહીં. આ પગલાનો હેતુ સબસિડીવાળા સિલિન્ડરનો વ્યાવસાયિક ઉપયોગ અટકાવવાનો અને કાળાબજારી ઘટાડવાનો છે. કંપનીઓ હવે બે ગેસ બુકિંગ વચ્ચેના લઘુત્તમ અંતરને પણ વધારી રહી છે જેથી ગેસનો સંગ્રહ અટકાવી શકાય.
ગ્રાહકોએ શું ધ્યાન રાખવું જોઈએ?
- જો તમે તમારા રસોડામાં ગેસનો પુરવઠો યથાવત રાખવા માંગતા હોવ, તો નીચેની બાબતોનું પાલન કરવું મહત્ત્વનું છે:
- તમારા ગેસ એજન્સી પર જઈને આધાર આધારિત e-KYC પ્રક્રિયા તત્કાલ પૂર્ણ કરો.
- ગેસ એજન્સીમાં તમારો મોબાઈલ નંબર અપડેટ કરાવો જેથી OTP મેળવવામાં સરળતા રહે.
- તમારું આધાર કાર્ડ બેન્ક ખાતા સાથે જોડાયેલું છે કે નહીં તેની તપાસ કરી લો, જેથી સબસિડીમાં કોઈ અડચણ ન આવે.
- જો ઘરમાં બે કે તેથી વધુ કનેક્શન હોય અથવા PNG આવી ગયું હોય, તો વધારાનું LPG કનેક્શન બંધ કરાવો.


