Get The App

NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ્રશ્નો કેવી રીતે ફરતા થયા તે અંગે ચોંકાવનારા ખુલાસા

Updated: May 15th, 2026

GS TEAM

Google News
Google News
NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ્રશ્નો કેવી રીતે ફરતા થયા તે અંગે ચોંકાવનારા ખુલાસા 1 - image

NEET UG 2026 Paper Leak: NEET-UG 2026 પેપર લીક કેસમાં CBIને મોટી સફળતા મળી છે. CBIએ આ મામલાના કિંગપિન એટલે કે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ પી. વી. કુલકર્ણી તરીકે થઈ છે, જે કેમિસ્ટ્રીનો લેક્ચરર છે અને NTAની પરીક્ષા પ્રક્રિયા સાથે જોડાયેલો હતો. CBI તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે મુખ્ય આરોપી પી. વી. કુલકર્ણી, જે મૂળ લાતૂરનો રહેવાસી છે, તે પૂણેમાં કેમિસ્ટ્રી લેક્ચરર છે. તે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) વતી પરીક્ષા પ્રક્રિયામાં સામેલ હતો, જેના કારણે તેની પહોંચ સીધી પ્રશ્નપત્રો સુધી હતી.

કોચિંગ ક્લાસ ચલાવ્યા હતા

કુલકર્ણી લાતૂરની દયાનંદ કૉલેજમાં કેમિસ્ટ્રી પ્રોફેસર તરીકે કાર્યરત હતો. હવે તે નિવૃત્ત થઈ ચૂક્યો છે. આરોપી મનીષા વાઘમારેની પૂછપરછ બાદ CBI કુલકર્ણી સુધી પહોંચી હતી. લાંબી પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. તપાસ એજન્સી મુજબ, એપ્રિલ 2026ના છેલ્લા અઠવાડિયામાં કુલકર્ણીએ અન્ય એક આરોપી મનીષા વાઘમારેની મદદથી વિદ્યાર્થીઓને એકઠા કર્યા અને પૂણે સ્થિત પોતાના ઘરે સ્પેશિયલ કોચિંગ ક્લાસ ચલાવ્યા. મનીષા વાઘમારેની CBI દ્વારા અગાઉ 14 મે 2026ના રોજ ધરપકડ કરવામાં આવી છે.

નક્કી થયેલા પ્રશ્નો વિદ્યાર્થીઓને કોપીમાં લખાવ્યા

આ ક્લાસમાં તેણે પ્રશ્નો, તેના વિકલ્પો અને સાચા જવાબો વિદ્યાર્થીઓને લખાવ્યા (ડિક્ટેટ કર્યા) હતા. વિદ્યાર્થીઓ તે પ્રશ્નો પોતાની કોપીમાં લખતા હતા. બાદમાં તપાસમાં જાણવા મળ્યું કે તે પ્રશ્નો 3 મે 2026ના રોજ લેવાયેલી NEET-UG પરીક્ષાના અસલી પેપર સાથે સંપૂર્ણપણે મળતા આવે છે.

CBIએ શરૂ કર્યો છે તપાસનો ધમધમાટ

ઉલ્લેખનીય છે કે CBIએ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. આ દરમિયાન ઘણા મહત્ત્વના દસ્તાવેજો, ઈલેક્ટ્રોનિક ઉપકરણો અને મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. હાલમાં આ જપ્ત કરાયેલી સામગ્રીની ફોરેન્સિક અને ટેકનિકલ તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે CBIએ આ કેસ 12 મે 2026ના રોજ શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગની લેખિત ફરિયાદના આધારે નોંધ્યો હતો. ફરિયાદમાં NEET-UG 2026 પરીક્ષાના કથિત પેપર લીકનો આરોપ લગાવવામાં આવ્યો હતો. કેસ નોંધાતાની સાથે જ ખાસ તપાસ ટીમો બનાવવામાં આવી અને દેશભરમાં દરોડા શરૂ કરવામાં આવ્યા.

અગાઉ 7 આરોપીઓની થઈ ચૂકી છે ધરપકડ

આ પહેલા આ કેસમાં જયપુર, ગુરુગ્રામ, નાસિક, પૂણે અને અહિલ્યાનગરથી કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચુકી છે. જેમાંથી 5 આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 7 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. જ્યારે ગુરુવારે ધરપકડ કરાયેલા અન્ય બે આરોપીઓને ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે પૂણેની કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે અને તેમને દિલ્હી લાવવામાં આવશે. મુખ્ય સૂત્રધાર પી. વી. કુલકર્ણીની ધરપકડ કરી વધુ પૂછપરછ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ‘હાર્દિકની ગેરહાજરીમાં મુંબઈના ખેલાડીઓ વધુ ખુશ દેખાય છે..’ ટીમ ઈન્ડિયાના દિગ્ગજનો ચોંકાવનારો દાવો

લાખો રૂપિયા લીધા

CBIનું કહેવું છે કે તપાસમાં હવે કેમિસ્ટ્રી પેપર લીકના અસલી સ્ત્રોત અને તે વચેટિયાઓની જાણકારી મળી ગઈ છે, જેમણે લાખો રૂપિયા લઈને વિદ્યાર્થીઓને આ સ્પેશિયલ કોચિંગ ક્લાસ સુધી પહોંચાડ્યા હતા. એજન્સીએ જણાવ્યું કે આ મામલાની નિષ્પક્ષ, વ્યાપક અને સઘન તપાસ હજુ પણ ચાલુ રહેશે.