NTA Clarifies Abu Dhabi Exam Centre Controversy : NEET UG 2026ની રી-એક્ઝામ પહેલા નાગપુરના એક વિદ્યાર્થીને મહારાષ્ટ્રના બદલે અબુ ધાબી પરીક્ષા કેન્દ્ર મળવાના વિવાદ પર નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ સ્પષ્ટતા કરી છે. NTAનું કહેવું છે કે, કેન્દ્રની પસંદગી વિદ્યાર્થીના લોગિન દ્વારા જ કરવામાં આવી હતી, તેમ છતાં વિદ્યાર્થીની વિનંતી પર કેન્દ્ર બદલીને નાગપુર કરવામાં આવ્યું છે. NEET UG 2026 રી-એક્ઝામ 21 જૂન માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવ્યા પછી, NTAએ વિદ્યાર્થીઓની સુવિધા માટે પરીક્ષા શહેર (Exam City) સુધારણા વિન્ડો ફરીથી ખોલી હતી. આનો ઉદ્દેશ્ય એવા ઉમેદવારોને તક આપવાનો હતો, જેઓ પોતાનું પરીક્ષા શહેર બદલવા માંગતા હતા. તાજેતરમાં નાગપુરના એક વિદ્યાર્થીને અબુ ધાબી સેન્ટર મળવાનો મામલો ચર્ચામાં આવ્યા બાદ NTAએ આ સત્તાવાર સ્પષ્ટતા જાહેર કરી છે.
NTA એ જણાવ્યું કે, પરીક્ષા શહેર સુધારણા વિન્ડોનો મોટાપાયે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આશરે 3.2 લાખ ઉમેદવારોએ આ સુવિધાનો લાભ લીધો અને એજન્સીએ તેમાંથી 99.5 ટકાથી વધુ વિદ્યાર્થીઓને તેમની પસંદગીનું પરીક્ષા શહેર ફાળવ્યું. એજન્સીના જણાવ્યા અનુસાર આ પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ અને પારદર્શક હતી.
અબુ ધાબીની પસંદગી કેવી રીતે થઈ?
NTAએ સ્પષ્ટ કર્યું કે, સંબંધિત વિદ્યાર્થીના કિસ્સામાં ઉપલબ્ધ વેબ-એક્ટિવિટી રેકોર્ડ દર્શાવે છે કે, પરીક્ષા શહેરમાં ફેરફાર વિદ્યાર્થીના પોતાના રજિસ્ટર્ડ લોગિન આઈડી દ્વારા જ કરવામાં આવ્યો હતો. સિસ્ટમમાં એક જ યુઝર દ્વારા સતત એક્સેસની પેટર્ન જોવા મળી છે, જે દર્શાવે છે કે આ ફેરફાર ઉમેદવારના ક્રેડિશિયલ્સનો ઉપયોગ કરીને જ થયો હતો. આ કોઈ ટેકનિકલ ખામી કે સિસ્ટમની ભૂલ નહોતી.
પછી નાગપુર કેન્દ્ર કેવી રીતે મળ્યું?
NTAના જણાવ્યા મુજબ, 19 જૂનની સાંજે (પરીક્ષાના લગભગ 48 કલાક પહેલા) એજન્સીને અનૌપચારિક વિનંતી મળી હતી કે, વિદ્યાર્થીનું કેન્દ્ર અબુ ધાબીના બદલે નાગપુર કરવામાં આવે. પરીક્ષા ખૂબ જ નજીક હોવા છતાં, NTAના અધિકારીઓએ તાત્કાલિક પગલાં લીધા અને તે જ સાંજે વિદ્યાર્થીના પિતાનો સંપર્ક કરીને સત્તાવાર પ્રક્રિયા પૂરી કરી કેન્દ્ર બદલી આપ્યું હતું.

NTA એ શું રેકોર્ડ શેર કર્યા?
એજન્સીએ જણાવ્યું કે, તેના રેકોર્ડમાં કુલ ત્રણ એવા પુરાવા નોંધાયા છે જે, આ મામલા સાથે જોડાયેલા છે. એકવાર ઉમેદવારના લોગિનથી કેન્દ્ર બદલીને અબુ ધાબી કરવામાં આવ્યું હતું, જ્યારે અન્ય બે પ્રસંગોએ અબુ ધાબી કેન્દ્રની માહિતીનું પ્રિવ્યૂ કરવામાં આવ્યું હતું. NTAએ પુનરાવર્તન કર્યું કે, તેમનો ઉદ્દેશ્ય એ છે કે, કોઈ પણ વિદ્યાર્થી વહીવટી મૂંઝવણ અથવા તકનીકી વિવાદને કારણે પરીક્ષાથી વંચિત ન રહે.


