India

'સોરી મમ્મી-પપ્પા.. ફરી NEET આપવાની હિંમત નથી...', વધુ એક વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાધો

By GS Team
4 Jun 20262 mins read
TukuTouch Logo
દેશભરમાં ચકચારી બનેલા NEET UG 2026 પેપર લીક અને પરીક્ષા રદ થવાના મામલાએ હવે એક વિદ્યાર્થિનીનો ભોગ લીધો છે. મધ્યપ્રદેશના નવગઠિત જિલ્લા મઉગંજના મગનિયા ગામમાં NEETની તૈયારી કરી રહેલી એક તેજસ્વી વિદ્યાર્થિની આકાંક્ષા ચતુર્વેદીએ પોતાના ઘરમાં પંખા સાથે ફાંસી લગાવીને જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો છે અને પીડિત પરિવાર ઊંડા સદમામાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'સોરી મમ્મી-પપ્પા.. ફરી NEET આપવાની હિંમત નથી...', વધુ એક વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાધો

NEET UG 2026 Paper Leak | દેશભરમાં ચકચારી બનેલા NEET UG 2026 પેપર લીક અને પરીક્ષા રદ થવાના મામલાએ હવે એક વિદ્યાર્થિનીનો ભોગ લીધો છે. મધ્યપ્રદેશના નવગઠિત જિલ્લા મઉગંજના મગનિયા ગામમાં NEETની તૈયારી કરી રહેલી એક તેજસ્વી વિદ્યાર્થિની આકાંક્ષા ચતુર્વેદીએ પોતાના ઘરમાં પંખા સાથે ફાંસી લગાવીને જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો છે અને પીડિત પરિવાર ઊંડા સદમામાં છે.

પરિવારજનોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં લેવાયેલી પરીક્ષામાં આકાંક્ષાને 650 જેટલા સારા માર્ક્સ આવવાની પૂરી આશા હતી અને તે ડૉક્ટર બનવાની ખૂબ નજીક હતી. પરંતુ પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ થતાં તે ભારે માનસિક તણાવ અને ડિપ્રેશનમાં સરી પડી હતી.

પિતાએ કૂકની નોકરી કરી, લોન લઈને દીકરીને ભણાવી હતી

આકાંક્ષાના પરિવારની આર્થિક સ્થિતિ ઘણી નબળી હતી. તેમ છતાં, દીકરીને ડૉક્ટર બનાવવાનું સપનું પૂરું કરવા માટે પિતા કૃષ્ણ કુમાર ચતુર્વેદીએ કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) પર 3 લાખ રૂપિયાની લોન લીધી હતી. આકાંક્ષા નાગપુરમાં એક ખાનગી કોચિંગમાં ભણી રહી હતી. દીકરીના ભણતરનો ખર્ચ ઉપાડવા માટે તેના પિતા નાગપુરમાં જ એક હોટલ/ઘરમાં કૂક (રસોઈયા) તરીકે નોકરી કરવા લાગ્યા હતા. સમગ્ર પરિવારને આશા હતી કે આ વખતે આકાંક્ષા સફળ થશે અને પરિવારના દિવસો બદલાશે, પરંતુ પેપર લીકની ઘટનાએ પરિવારની ખુશીઓ છીનવી લીધી.

સુસાઈડ નોટ: 'મેં તમને બરબાદ કરી દીધા...'

ઘટનાસ્થળેથી પોલીસને એક અત્યંત ભાવુક સુસાઈડ નોટ મળી આવી છે. આકાંક્ષાએ લખ્યું હતું કે  "સોરી મમ્મી-પપ્પા, તમને ભરોસો હતો કે તમારી દીકરી ભણીને ડૉક્ટર બનશે, પણ હવે ફરીથી NEETની પરીક્ષા આપવાની મારામાં હિંમત નથી. મેં આપ બંનેને બરબાદ કરી દીધા. બીજી વખત પરીક્ષા સારી જ જશે, તેની કોઈ ગેરંટી નથી."

NEET UG 2026 વિવાદની પૃષ્ઠભૂમિ

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મેના રોજ લેવાયેલી NEET UG પરીક્ષામાં મોટા પાયે અનિયમિતતા અને પેપર લીકની આશંકા સામે આવી હતી. ત્યારબાદ 12 મેના રોજ આ પરીક્ષા સત્તાવાર રીતે રદ કરવામાં આવી હતી. શિક્ષણ મંત્રાલય અને NTA દ્વારા 21 મેના રોજ ફરીથી પરીક્ષા (Re-exam) યોજવાની જાહેરાત કરાઈ હતી. હાલમાં આ સમગ્ર કૌભાંડની તપાસ CBI કરી રહી છે અને અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

બીજી તરફ, સુપ્રીમ કોર્ટમાં પરીક્ષા પદ્ધતિ બદલવા (પેન-પેપરના બદલે કમ્પ્યુટર આધારિત ટેસ્ટ) માટે સતત અરજીઓ થઈ રહી છે. પરંતુ આ સરકારી અને કાનૂની પ્રક્રિયાઓની વચ્ચે, વ્યવસ્થાની ખામીના કારણે એક હોનહાર વિદ્યાર્થીનીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.

નોંધ : જો તમે અથવા તમારી ઓળખાણની કોઈ વ્યક્તિ માનસિક તણાવ, ડિપ્રેશન કે આત્મહત્યાના વિચારોથી ઝઝૂમી રહી હોય, તો કૃપા કરીને તબીબી સહાય લો અથવા માન્ય હેલ્પલાઈન પર સંપર્ક કરો.