Get The App

NEET કૌભાંડમાં મોટો ખુલાસો: નકલી વિદ્યાર્થીને બેસાડવા 40 લાખની ડીલ કર્યાની સોલ્વરની કબૂલાત

Updated: Jun 23rd, 2026

GS TEAM

Google News
Google News
NEET કૌભાંડમાં મોટો ખુલાસો: નકલી વિદ્યાર્થીને બેસાડવા 40 લાખની ડીલ કર્યાની સોલ્વરની કબૂલાત 1 - image


NEET-UG Re Exam Scam : બિહારમાં નીટ-યુજી રી-એક્ઝામ દરમિયાન સોલ્વર ગેંગનું એક મોટું નેટવર્ક સામે આવ્યું છે. લખીસરાઈ જિલ્લાના એક પરીક્ષા કેન્દ્ર પરથી શરૂ થયેલી તપાસ હવે નાલંદાની પાવાપુરી મેડિકલ કોલેજ સુધી પહોંચી ગઈ છે. બાયોમેટ્રિક ચેકિંગ દરમિયાન અસલી વિદ્યાર્થીની જગ્યાએ પરીક્ષા આપતા એક નકલી વિદ્યાર્થી (સોલ્વર)ને રંગેહાથ પકડી પાડવામાં આવ્યો છે.

બાયોમેટ્રિક વેરિફિકેશન દરમિયાન ભાંડો ફૂટ્યો

આ આખો મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પરીક્ષા કેન્દ્ર પર બાયોમેટ્રિક વેરિફિકેશન દરમિયાન અસલી ઉમેદવાર સંજીતની જગ્યાએ મંતોષ નામનો સોલ્વર પરીક્ષા આપતા પકડાયો હતો. પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને નકલી ઉમેદવાર, અસલી ઉમેદવાર સંજીત, તેના ભાઈ અને બાયોમેટ્રિક ટીમના 6 કર્મચારીઓ સહિત કુલ 14 લોકોની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો : ‘શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે તો...’ આંદોલન પર બેઠેલા કોકરોચ જનતા પાર્ટીના સમર્થકોનું અલ્ટીમેટમ

એક વિદ્યાર્થીની પરીક્ષા આપવા માટે 30થી 40 લાખની ડીલ

પોલીસ પૂછપરછમાં પકડાયેલા સોલ્વર મંતોષે ખુલાસો કર્યો છે કે, અન્ય વિદ્યાર્થીના નામે પરીક્ષામાં બેસવા માટે 30થી 40 લાખ રૂપિયાની મોટી ડીલ થઈ હતી. પાવાપુરી મેડિકલ કોલેજના 2022 બેચના વિદ્યાર્થી રવિશંકર ઉર્ફે સમ્રાટે તેને મોટી રકમની લાલચ આપીને આ કામ માટે તૈયાર કર્યો હતો.

મેડિકલ કોલેજના 3 વિદ્યાર્થીઓ ગાયબ

આ ખુલાસા બાદ પાવાપુરી મેડિકલ કોલેજ (VMIMS)માં પણ હડકંપ મચી ગયો છે. પોલીસે જ્યારે કોલેજ કેમ્પસમાં પહોંચીને MBBSના વિદ્યાર્થીઓની હાજરી ચેક કરી, ત્યારે મુખ્ય શંકાસ્પદ રવિશંકર ઉર્ફે સમ્રાટ સહિત 3 વિદ્યાર્થીઓ ગાયબ મળી આવ્યા હતા. આ ત્રણેય વિદ્યાર્થીઓના મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યા છે. પોલીસ હાલ આ ફરાર આરોપીઓને પકડવા માટે સતત દરોડા પાડી રહી છે.

આ પણ વાંચો : 12 દિવસના વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, જાણો ગુજરાતમાં ક્યારે થશે પધરામણી!