India

NEET પેપર લીક કેસ : CBI દ્વારા NTAના 3 નિષ્ણાતો સહિત 13 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ

By GS Team
28 Jul 20263 mins read
TukuTouch Logo
NEET UG પેપર લીક કેસમાં CBIએ દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટમાં 13 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. આ કાર્યવાહી CBIની આર્થિક અપરાધ શાખા દ્વારા કરાઈ છે. NTAના 3 વિષય નિષ્ણાતો સહિત 13 આરોપીઓ જેલમાં છે. CBIએ 360 સાક્ષીઓ અને 43 પુરાવા રજૂ કર્યા છે. તપાસ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

NEET પેપર લીક કેસ : CBI દ્વારા NTAના 3 નિષ્ણાતો સહિત 13 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ

NEET Paper Leak CBI Files Chargesheet : NEET UG પરીક્ષા પેપર લીક કેસમાં CBIએ મોટી કાર્યવાહી કરી છે. CBIએ મંગળવારે દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટમાં આ કેસમાં 13 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી દીધી છે. આ ચાર્જશીટ CBIની આર્થિક અપરાધ શાખા તરફથી રજૂ કરવામાં આવી છે. CBI સૂત્રોના જણાવ્યા અનુસાર, ચાર્જશીટને આગળની સુનાવણી માટે પેપર લીકના કેસો માટે ગઠિત વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. કેસમાં ધરપકડ કરાયેલા તમામ 13 આરોપીઓ હાલમાં જેલમાં છે.

કોની કોની સામે ચાર્જશીટ?

CBIએ જે આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે, તેમાં યશ યાદવ, મંગલીલાલ બિવાલ, દિનેશ બિવાલ, વિકાસ બિવાલ, શુભમ ખેરનાર, ધનંજય લોખંડે, પ્રહલાદ કુલકર્ણી, તેજસ હર્ષદ કુમાર, ડો. મનોજ શિરુરે, શિવરાજ રઘુનાથ મોટેગાવકર, મનીષા વાઘમારે, મનીષા મંધારે અને મનીષા સંજય હવાલેદાર સામેલ છે. CBIએ પોતાની ચાર્જશીટમાં 360 સાક્ષીઓ, 422 દસ્તાવેજો અને 43 મહત્વપૂર્ણ પુરાવાઓ ઉમેર્યા છે. તપાસ એજન્સીનું કહેવું છે કે, તપાસ દરમિયાન પેપર લીકની આખી કડી શોધી કાઢવામાં આવી છે.

ચાર્જશીટમાં ક્યા 13 આરોપીઓના નામ?

મનીષા મંધારે – NTA બાયોલોજી નિષ્ણાત
પ્રહલાદ વિઠ્ઠલરાવ કુલકર્ણી – NTA કેમિસ્ટ્રી નિષ્ણાત
મનીષા સંજય હવાલેદાર – NTA ફિઝિક્સ નિષ્ણાત
મનીષા સંજય વાઘમારે – વચેટિયા (દલાલ)
ધનંજય નિવૃત્તિ લોખંડે – વચેટિયા (દલાલ)
શુભમ મધુકર ખેરનાર – વચેટિયા (દલાલ)
યશ યાદવ – વચેટિયા (દલાલ)
મંગલીલાલ બિવાલ – વચેટિયા (દલાલ)
વિકાસ બિવાલ – વચેટિયા (દલાલ)
દિનેશ બિવાલ – વચેટિયા (દલાલ)
ડો. મનોજ ભગવાનરાવ શિરુરે – વચેટિયા (દલાલ)
શિવરાજ રઘુનાથ મોટેગાવકર – RCC કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ, લાતુરના માલિક
તેજસ હર્ષદકુમાર શાહ – APMA કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ, પુણેમાં ફિઝિક્સ ફેકલ્ટી અને COO

ચાર્જશીટમાં 360 સાક્ષીઓ અને 43 મહત્વપૂર્ણ પુરાવા

એજન્સીએ એવો પણ દાવો કર્યો છે કે, લીક થયેલા પ્રશ્નપત્રના સ્ત્રોત અને તેને ઉમેદવારો સુધી પહોંચાડનારા લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. CBIના જણાવ્યા અનુસાર, આરોપીઓ સામે ગુનાહિત કાવતરું, છેતરપિંડી, વિશ્વાસઘાત, પુરાવાનો નાશ કરવો, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને પબ્લિક એક્ઝામિનેશન એક્ટ, 2024 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં BNS 2023ની વિવિધ કલમો, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 અને પબ્લિક એક્ઝામિનેશન એક્ટ, 2024 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

CBIના જણાવ્યા અનુસાર, આ કેસ 3 મે 2026ના રોજ યોજાયેલી NEET UG પરીક્ષામાં પેપર લીકના આક્ષેપો બાદ સામે આવ્યો હતો. આ પછી કેન્દ્ર સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગે 12 મે 2026ના રોજ CBIને ફરિયાદ આપી હતી. આ ફરિયાદના આધારે તે જ દિવસે FIR નોંધીને તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ માટે CBIએ 72 અધિકારીઓ અને 8 સાયબર ફોરેન્સિક નિષ્ણાતોની ઘણી ટીમો બનાવી હતી.

આરોપીઓના બેંક ખાતા અને ડીમેટ ખાતા સીલ કરાયા

એજન્સીએ મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં 92 સ્થળોએ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન CBIએ મોબાઈલ ફોન, લેપટોપ, ડિજિટલ ડિવાઈસ, દસ્તાવેજો અને અન્ય મહત્વપૂર્ણ પુરાવા જપ્ત કર્યા હતા, જેની ફોરેન્સિક તપાસ કરાવવામાં આવી હતી. CBI મુજબ, આ કેસમાં પહેલી ધરપકડ 13 મે 2026ના રોજ થઈ હતી. અત્યાર સુધીમાં કુલ 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) સાથે જોડાયેલા કેમિસ્ટ્રી, બાયોલોજી અને ફિઝિક્સના 3 વિષય નિષ્ણાતો પણ સામેલ છે. તપાસમાં ઘણા વચેટિયાઓની ઓળખ થઈ છે. એવો પણ આક્ષેપ છે કે, આ લોકોએ લીક થયેલું પ્રશ્નપત્ર મેળવીને આગળ ઉમેદવારો સુધી પહોંચાડ્યું હતું. CBIએ બે કોચિંગ સંસ્થાઓ સાથે જોડાયેલા લોકોની પણ ધરપકડ કરી છે, જેમના પર લીક પેપર ખરીદવા અને તેનો ઉપયોગ કરવાનો આરોપ છે. CBIએ તપાસ દરમિયાન આરોપીઓના બેંક ખાતા, બેંક લોકર અને એક ડીમેટ ખાતું પણ ફ્રીઝ (સીલ) કરી દીધું છે. એજન્સીને ડિજિટલ ફોરેન્સિક રિપોર્ટ, હેન્ડરાઇટિંગ એક્સપર્ટનો અભિપ્રાય અને વિષય નિષ્ણાતોના રિપોર્ટ મળ્યા છે. CBIનું કહેવું છે કે, આ રિપોર્ટોથી પુષ્ટિ થઈ છે કે, પરીક્ષા પહેલાં જ લીક થયેલા પ્રશ્નોનો પ્રસાર કરવામાં આવ્યો હતો.

ફોરેન્સિક રિપોર્ટના આધારે આગળ પણ થશે કાર્યવાહી

CBIએ જણાવ્યું કે, કેસની તપાસ હજુ ચાલુ છે. એજન્સીનું કહેવું છે કે, ફોરેન્સિક વિશ્લેષણ અને સામે આવનારા નવા તથ્યોના આધારે આગળ પણ કાર્યવાહી થઈ શકે છે. ચાર્જશીટ દાખલ થયા પછી હવે કેસની સુનાવણી ખાસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે. અદાલતમાં રજૂ કરાયેલા પુરાવા અને સાક્ષીઓના આધારે આગળની ન્યાયિક પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.