NDMA Cell Broadcast Test: શનિવારે બપોરે અંદાજે 11:42 વાગ્યે ભારતમાં મોટાભાગના સ્માર્ટફોન અચાનક જોરદાર અવાજ સાથે ગુંજી ઉઠ્યા હતા. મોબાઇલ પર એક SOS સાઉન્ડ વાગવા લાગ્યો અને સાથે એક મેસેજ પણ ફ્લેશ થયો, જેનાથી ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ મેસેજ હિન્દી અને અંગ્રેજી ભાષામાં હતો, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ભારત સરકાર દ્વારા સ્વદેશી ટૅક્નોલૉજીનો ઉપયોગ કરીને 'સેલ બ્રોડકાસ્ટ સર્વિસ'નું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ એક ટ્રાયલ હોવાથી નાગરિકોએ કોઈ ગભરાવાની કે કોઈ ખાસ પગલાં લેવાની જરૂર નથી.
શું છે આ 'સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ'?
કેન્દ્ર સરકારના સંચાર મંત્રાલયના ટેલિકોમ વિભાગ(DoT) અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી(NDMA) દ્વારા સંયુક્ત રીતે આ સિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે. આ સિસ્ટમનો મુખ્ય હેતુ કુદરતી આપત્તિઓ જેવી કે વાવાઝોડું, પૂર કે ભૂકંપ સમયે નાગરિકો સુધી ઝડપથી ચેતવણી પહોંચાડવાનો છે. આ ટૅક્નોલૉજીને સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઑફ ટેલિમેટિક્સ(C-DOT) દ્વારા તૈયાર કરવામાં આવી છે, જે અત્યાર સુધીમાં 19થી વધુ ભાષાઓમાં 134 અબજથી વધુ SMS ઍલર્ટ મોકલી ચૂકી છે.
ઈઝરાયલ પણ કરે છે આ ટૅક્નોલૉજીનો ઉપયોગ
નોંધનીય છે કે ઈઝરાયલ જેવો દેશ પણ પોતાના નાગરિકોને મિસાઇલ, ડ્રોન કે રોકેટ હુમલાની ચેતવણી આપવા માટે આ જ ટૅક્નોલૉજીનો ઉપયોગ કરે છે. આ સિસ્ટમ દ્વારા મળતા ઍલર્ટને કારણે લોકોને સમયસર સુરક્ષિત સ્થળે કે બંકરમાં પહોંચવામાં મદદ મળે છે. ભારતમાં પણ હવે આ પ્રકારની સચોટ અને ઝડપી સિસ્ટમ કાર્યરત કરવામાં આવી રહી છે, જેથી કટોકટીના સમયે જાન-માલનું નુકસાન ઘટાડી શકાય.
આ પણ વાંચો: NDMA Alert: મોબાઇલમાં જોરદાર સાયરન વાગે તો ગભરાતા નહીં! સરકાર કરી રહી છે ખાસ ટેસ્ટિંગ
તમે ઇચ્છો તો ઍલર્ટ બંધ કરી શકો છો
જો કોઈ યુઝર આ પ્રકારના ટેસ્ટ ઍલર્ટ મેળવવા ન માંગતા હોય, તો તેઓ પોતાના ફોનમાં ફેરફાર કરી શકે છે. આ માટે મોબાઇલના સેટિંગ્સમાં જઈને 'સેફ્ટી ઍન્ડ ઇમરજન્સી'(Safety and Emergency) વિકલ્પમાં જવાનું રહેશે. ત્યાં 'વાયરલેસ ઇમરજન્સી ઍલર્ટ'(Wireless Emergency Alerts)માં જઈને 'ટેસ્ટ ઍલર્ટ' (Test Alerts)ને ઓન કે ઑફ કરી શકાય છે. જોકે, સુરક્ષાની દૃષ્ટિએ તેને ચાલુ રાખવું હિતાવહ છે.


