પાકિસ્તાની મહિલા જાસૂસના હનીટ્રેપમાં ફસાયો નૌસેનાનો જવાન, લીક કરી ગુપ્ત માહિતી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Indian Navy Espionage : આંધ્રપ્રદેશ પોલીસની કાઉન્ટર ઈન્ટેલિજન્સ (CI) સેલે ભારતીય નૌસેનાના જવાન પ્રદીપ મુખર્જીની કોયમ્બતુરથી ધરપકડ કરી છે. તેના પર પાકિસ્તાની મહિલા જાસૂસને સંરક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલી સંવેદનશીલ માહિતી આપવાનો આરોપ છે. એક અખબારના અહેવાલ અનુસાર, મહિલા એજન્ટે જવાનને હનીટ્રેપમાં ફસાવ્યો હતો.
સોશિયલ મીડિયા પર હનીટ્રેપ અને જાસૂસીની જાળ
પ્રદીપ કોયમ્બતુરના રેડ ફિલ્ડ્સ સ્થિત ઈન્ડિયન નેવલ શિપ (INS) અગ્રણીમાં મેનેજમેન્ટ ડેવલપમેન્ટ કોર્સ કરી રહ્યો હતો. થોડા મહિના પહેલાં મહિલા એજન્ટે સોશિયલ મીડિયા મારફતે પ્રદીપનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેણે ધીમે-ધીમે મિત્રતા કેળવી અને વિશાખાપટ્ટનમ નેવલ બેઝ સાથે જોડાયેલી માહિતી મેળવી હોવાનો આરોપ છે.
કાઉન્ટર ઈન્ટેલિજન્સ ટીમની કાર્યવાહી અને ટ્રાન્ઝિટ વોરંટ
કાઉન્ટર ઈન્ટેલિજન્સની વિશેષ ટીમે શનિવારે સવારે INS અગ્રણી ખાતે પહોંચીને પ્રદીપ મુખર્જીને કસ્ટડીમાં લીધો હતો. આ ધરપકડ અંગે સ્થાનિક પોલીસ અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તપાસ એજન્સીઓએ પ્રદીપને સ્થાનિક મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યો હતો અને ટ્રાન્ઝિટ વોરંટ મેળવ્યું હતું. સાંજે તેને વધુ પૂછપરછ માટે વિજયવાડા સ્થિત કાઉન્ટર ઈન્ટેલિજન્સ મુખ્યાલય લઈ જવામાં આવ્યો હતો.
ડેટા લીક અને નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ
હાલમાં તપાસ એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, સંરક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલી કેટલી અને કેવા પ્રકારની સંવેદનશીલ માહિતી લીક કરવામાં આવી હતી. આ ઉપરાંત, માહિતી શેર કરવાના બદલામાં પ્રદીપને હવાલા અથવા ડિજિટલ પેમેન્ટ દ્વારા કોઈ નાણાં ચૂકવવામાં આવ્યાં હતાં કે કેમ, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.




