VIDEO : નાગાલેન્ડમાં કુદરતનો પ્રકોપ: ભૂસ્ખલનમાં 8ના મોત, અનેક લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nagaland Landslide : નાગાલેન્ડના મોન જિલ્લાની ડિફેન્સ કોલોનીમાં રવિવારે સવારે એક મોટી કુદરતી આપત્તિ સામે આવી છે. ભારે વરસાદને કારણે અહીં ભયાનક ભૂસ્ખલન થયું છે, જેમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં 13 મકાનો સંપૂર્ણપણે કાટમાળ નીચે દબાઈ ગયા છે અને અનેક લોકો હજુ પણ લાપતા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ
અકસ્માત સ્થળે SDRF, NDRF, આસામ રાઈફલ્સ, સ્થાનિક પોલીસ અને સેનાના જવાનો બચાવ કામગીરીમાં જોડાયા છે. કાટમાળમાંથી અત્યાર સુધીમાં 4 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં 3 મહિલાઓ અને 1 પુરુષ સામેલ છે. આ સિવાય 12 લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જો કે, સતત થઈ રહેલા વરસાદ, પહાડી ઢોળાવ અને પાણીના તીવ્ર પ્રવાહને કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલી પડી રહી છે.
મધ્યરાત્રિથી શરૂ થયો હતો કુદરતી પ્રકોપ
મોન જિલ્લાના ડેપ્યુટી કમિશનર વેન્યેઈ કોન્યાકે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, 'શનિવાર-રવિવારની મધ્યરાત્રિએ અંદાજે 1 વાગ્યે ભારે વરસાદ શરૂ થયો હતો. ત્યારબાદ સવારે 6 થી 7 વાગ્યાની આસપાસ અમને ભૂસ્ખલનની માહિતી મળી હતી. હાલમાં મોન ટાઉન અને તિજિત વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે. કાટમાળ નીચે હજુ પણ 4 લોકો દબાયેલા છે, જેમને શોધવાના પ્રયાસો ચાલુ છે.'
પીડિતોને આર્થિક સહાયની જાહેરાત
નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યુ રિયોએ આ ભયાનક અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે, 'રાજ્ય સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને તમામ એજન્સીઓ કાટમાળ હટાવવાના કામમાં લાગેલી છે.' આ સાથે જ મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારો માટે તત્કાલ વળતર અને પ્રભાવિત પરિવારોને તમામ જરૂરી રાહત સામગ્રી આપવાની જાહેરાત કરી છે.
નદી કિનારાના વિસ્તારોમાં એલર્ટ
ભારે વરસાદને કારણે મોન શહેરના અન્ય વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. નદી કિનારે જમીન ધોવાણના કારણે બીજા ઘણા મકાનો પર જોખમ ઊભું થયું છે, જેથી પ્રભાવિત પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં પણ ભારે વરસાદની ચેતવણીને જોતા વહીવટીતંત્રે લોકોને અપીલ કરી છે કે તેઓ જોખમી પહાડી ઢોળાવ, નદી કિનારા અને ભૂસ્ખલન થવાની સંભાવના હોય તેવા વિસ્તારોથી દૂર રહે.









