India

નરેન્દ્ર મોદીનું પર્યાવરણ માટે સમર્પણ 14 ગાડીના બદલે કાફલામાં 4 ગાડી !!

By GS Team
13 May 20262 mins read
નરેન્દ્ર મોદીનું પર્યાવરણ માટે સમર્પણ 14 ગાડીના બદલે કાફલામાં 4 ગાડી !!

- કરકસર માટે ઉત્કર્ષ ઉદાહરણ !!!

- યુદ્ધ ના અટક્યું તો ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઇ શકે : આરબીઆઇ ગવર્નરના સંકેત

- ભાજપ શાસિત રાજ્યોમાં મુખ્યમંત્રીઓનો પણ મોદીના રસ્તે ચાલવા નિર્ણય, કાફલામાં સામેલ વાહનોમાં 50 ટકાનો કાપ

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને સોનું ખરીદવાથી દૂર રહેવા અને પેટ્રોલ-ડીઝલની ખપત ઘટાડવા માટે અપીલ કરી હતી, જોકે નેતાઓ ક્યારે તેની શરૂઆત કરશે તેવા સવાલો ઉઠયા હતા, એવામાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ટોચના નેતાઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ પોતાના કાફલામાં સામેલ કારોની સંખ્યામાં મોટો ઘટાડો કર્યો છે. વડાપ્રધાન મોદીના કાફલામાં હવે માત્ર ચાર જ કાર ચાલશે. સામાન્ય રીતે મોદીના કાફલામાં ૧૪થી ૧૭ વાહનો ચાલતા હોય છે.  

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સોનું ના ખરીદવા, પેટ્રોલ-ડીઝલ તેમજ કૂકિંગ ઓઇલની વપરાશ ઘટાડવા અપીલ કરી હતી. જેની શરૂઆત હવે તેમણે પોતાનાથી કરી છે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, મંત્રીઓએ પણ મોદી બાદ પોતાના કાફલામાં વાહનોની સંખ્યા ઘટાડી છે. મોદીએ પોતાના કાફલામાં શક્ય હોય તો ઇલેક્ટ્રિક કારો પણ સામેલ કરવા કહ્યું છે. મોદીના નિર્ણયથી પ્રેરણા લઇને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના કાફલામાં સામેલ કારોમાં ૫૦ ટકાનો કાપ મુક્યો છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીએ પણ આ જ પ્રકારની જાહેરાત કરી હતી. દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશમાં પણ આ જ પ્રકારનો નિર્ણય લેવાઇ રહ્યો છે. 

વડાપ્રધાન મોદીએ બુધવારે કેબિનેટ મંત્રીઓને સમજી વિચારીને ખર્ચ કરવા કહ્યું હતું, સાથે જ ઇંધણનો ખર્ચ ઘટાડવાની સલાહ પણ આપી હતી. કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મંત્રી નિતિન ગડકરીએ મહારાષ્ટ્ર પોલીસને એક પત્ર લખીને જણાવ્યું છે કે હવેથી તેઓ વડાપ્રધાન મોદીની અપીલ પર હાઇવે પ્રોજેક્ટ્સની દેખરેખ માટે સરકારી બસો દ્વારા જ ટ્રાવેલિંગ કરશે. મારા મહારાષ્ટ્રના ટૂર દરમિયાન કાફલામાં સામેલ વાહનોની સંખ્યા ૫૦ ટકા ઘટાડવામાં આવે. આ સ્થિતિ વચ્ચે હવે ગમે ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઇ શકે છે. 

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા આરબીઆઇના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું છે કે જો ક્રૂડનો ભાવ વધશો રહેશે તો સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો કરી શકે છે. હાલમાં જે મિડલ ઇસ્ટમાં ઘર્ષણ ચાલી રહ્યું છે તે નહીં અટકે તો આગામી દિવસોમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો થઇ શકે છે, સરકાર લાંબા સમય સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવને સ્થિર નહીં રાખી શકે. 

જો ક્રૂડ ઓઇલનો ભાવ વધશે તો સ્વાભાવીક છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ સરકાર દ્વારા વધારો કરવામાં આવશે.