નડ્ડાએ કહ્યું - વિદ્યાર્થીઓ પર પોલીસની કાર્યવાહી યોગ્ય હતી, રાજ્યસભામાં ખડગે સાથે શાબ્દિક યુદ્ધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jantar Mantar student protest : સંસદના મોનસૂન સત્રમાં NEET પેપર લીક અને દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીને લઈને બંને ગૃહમાં ભારે હોબાળો જોવા મળ્યો છે. આ મુદ્દે રાજ્યસભામાં ગૃહના નેતા અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા તથા વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વચ્ચે તીખી ચર્ચા થઈ હતી. NEET પેપર લીકના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર દિલ્હી પોલીસની કાર્યવાહી અંગે ગૃહ મંત્રી અમિત શાહના નિવેદનની માંગણી સાથે વિપક્ષી સાંસદોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જેના કારણે રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી.
મલ્લિકાર્જુન ખડગેનો સરકાર પર પ્રહાર
રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા(SFI)ના વિદ્યાર્થીઓની ધરપકડના પ્રયાસોને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ પહેલાં CPI(M)ના સાંસદ જ્હોન બ્રિટાસે દિલ્હીમાં માકપા (CPM)ની ઑફિસમાં દિલ્હી પોલીસના પ્રવેશ અને જેએનયુએસયુ(JNUSU)ના પૂર્વ અધ્યક્ષ આઈશી ઘોષની ધરપકડના પ્રયાસનો મુદ્દો ઉઠાવ્યો હતો.
બ્રિટાસે પણ કર્યા પ્રહાર
બ્રિટાસે જણાવ્યું કે, સાદા કપડામાં આવેલી દિલ્હી પોલીસની એક ટીમે 2021ના જેએનયુ પ્રદર્શન સંબંધિત કેસમાં આઈશી ઘોષની ધરપકડ કરવા માટે પાર્ટી કાર્યાલયમાં પ્રવેશ કર્યો હતો. તેમણે આ કાર્યવાહીને હાલના વિદ્યાર્થી આંદોલન સાથે જોડતાં કહ્યું કે, આઈશી ઘોષનો માત્ર એટલો જ વાંક હતો કે તેમણે જંતર-મંતર પર થયેલા પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ મુદ્દે સરકારને ઘેરતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, "આજે લોકશાહી ખતરામાં છે. બ્રિટાસે જે મુદ્દો ઉઠાવ્યો છે તે ખૂબ જ શરમજનક છે. જો પોલીસ કોઈ નેશનલ પાર્ટીની ઑફિસમાં ઘૂસીને ધરપકડ કરવાની વાતો કરે, તો શું લોકશાહી ખતરામાં નથી?" તેમણે આ કાર્યવાહી માટે જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી.
જેપી નડ્ડાનો પલટવાર: "એક્ટિવિઝમ કરવું હોય તો જેલ જવા પણ તૈયાર રહેવું પડે"
ખડગેના નિવેદન પર પલટવાર કરતાં કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું કે, તેઓ પોતે પણ પોતાના વિદ્યાર્થીકાળમાં આંદોલનોનો ભાગ રહ્યા છે અને તેમણે પણ જેલ જવું પડ્યું હતું. જેપી નડ્ડાએ બચાવ કરતાં જણાવ્યું કે, "આ એકદમ સામાન્ય બાબત છે. હું પોતે સ્ટુડન્ટ એક્ટિવિસ્ટ રહ્યો છું. ઇમરજન્સી દરમિયાન મને ઘણી વખત ક્લાસરૂમમાંથી પકડીને લઈ જવામાં આવ્યો હતો. ત્યારે કોંગ્રેસની સરકાર હતી અને મારી પણ ધરપકડ થઈ હતી." તેમણે ઉમેર્યું કે, "સ્ટુડન્ટ એક્ટિવિસ્ટને જેલ જવું જ પડે છે. જ્યારે કોઈ કાયદો હાથમાં લે છે ત્યારે પોલીસે કાર્યવાહી કરવી જ પડે છે. આ બાબતને સન્સનાટીભરી ન બનાવો. જો કોઈ વિદ્યાર્થીએ એક્ટિવિઝમ કરવું હોય તો તેણે આ બધું સહન કરવા તૈયાર રહેવું પડશે."
રાજ્યસભાની કામગીરી ઠપ
આ તીખી ચર્ચા અને વિપક્ષના ભારે હંગામાને પગલે રાજ્યસભાની કાર્યવાહી પહેલા 12 વાગ્યા સુધી અને ત્યારબાદ ફરી હોબાળો થતાં બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. વિપક્ષી સાંસદોએ આઈશી ઘોષની ધરપકડના પ્રયાસ અને NEET પેપર લીક વિરોધમાં પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે ગૃહ મંત્રીના નિવેદનની માંગણી ચાલુ રાખી હતી.









